બીજિંગ,તા.૨૭
ચીનમાં મોટા જહાજોને લાંગરવા માટેના સ્થળ બોહાઈ-સી ખાતે છેલ્લા સાત મહિનાથી બે જહાજના ૧,૪૦૦ જેટલા વિદેશી ખલાસીઓ ફસાયા છે, જેમાં ૪૧ ભારતીય ખલાસીઓનો પણ સમાવેશ થાય છે. આ ખલાસીઓનો નજીકના ભવિષ્યમાં છૂટકારો થાય એવા કોઈ એંધાણ વર્તાતા નથી. આ બે જહાજ છે – સ્વિસ-ઈટાલીન માલિકીનું ‘એમ.વી. એનેસ્ટેશિયા’ અને ભારતીય ધ્વજ ધરાવતું જહાજ ‘જગ આનંદ’. બોહાઈ-સી સ્થળ ચીનના બંદરગાહ શહેર જિંગતાંગથી આશરે ૩૦ કિ.મી. દૂર આવેલું છે. ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગ કંપનીની માલિકીના ‘જગ આનંદ’ જહાજ પર ૨૫ ભારતીય ખલાસીઓ છે જ્યારે ‘એનેસ્ટેશિયા’ જહાજ પર ૧૬ ભારતીયો છે.
આ બે જહાજ ઓસ્ટ્રેલિયન કોલસો લઈને ચીન આવ્યા છે, પરંતુ ઓસ્ટ્રેલિયા અને ચીન વચ્ચે સર્જાયેલા આર્થિક અને રાજકીય વિવાદોને કારણે આ બંને જહાજ બોહાઈ સમુદ્રકાંઠા નજીક અટવાઈ ગયા છે. ચીની સરકારે નક્કી કર્યું છે કે તે જહાજોમાંનો કોલસો ઉતારવા નહીં દે. પરિણામે બંને જહાજના ખલાસીઓને જહાજ પર પડ્યા રહ્યા સિવાય બીજો કોઈ છૂટકો રહ્યો નથી.
અટવાયેલા ભારતીય ખલાસીઓને પાછા મોકલવામાં મદદરૂપ થવા ભારત સરકાર ચીની સરકાર સાથે વાતચીત કરી રહી છે, પરંતુ ચીનના સત્તાવાળાઓ જરાય મચક આપતા નથી. એક અહેવાલ અનુસાર, આ ખલાસીઓ નિઃસહાય અવસ્થામાં હવે થાકી ગયા છે. ચીનના સત્તાવાળાઓ આ ખલાસીઓને ડોક્ટરની મદદ આપવાની પણ ના પાડી દીધી છે અને કહ્યું છે કે કોઈ ખલાસી મરણપથારીએ હશે તો જ તબીબી મદદ મોકલાશે.