ચીનની હરકતો સામે હજી આપણે ચૂપ

0
8
Share
Share

લદાખની ગલવાન ખીણમાં ચીને ભારતના વીસ જવાનોની હત્યા કરી પછી ભારત કશું કર્યા વિના બેસી રહ્યું તેમાં છાકટા થયેલા ચીને પાછો સરહદે લશ્કરનો ખડકલો કરવા માંડ્યો છે. આ વખતે લદાખ સિવાય બીજા વિસ્તારોમાં પણ ચીને લશ્કર ઠાલવવા માંડ્યું છે ને તેની સામે આપણા લશ્કરે પણ સૈનિકોને ગોઠવી દીધા છે કે જેથી ગલવાન જેવી ઘટનાનું પુનરાવર્તન ના થાય. ભારતમાં લશ્કરના કારણે સરહદો સચવાયેલી છે. લશ્કરને પોતાની જવાબદારી અને ફરજો શું છે તેની ખબર છે જ. લશ્કરે એ નિભાવવાની તૈયારી કરી જ રાખેલી હોય છે ને તેને માટે જે કિંમત ચૂકવવી પડે છે એ લશ્કર ચૂકવે પણ છે પણ કમનસીબે દેશના શાસકોમાં એ જવાબદારીની ભાવના નથી. વધારે સ્પષ્ટ રીતે કહીએ તો તેમનામાં હિંમતનો જ સદંતર અભાવ છે ને છેલ્લા બે મહિનામાં બનેલી ઘટનાઓએ આ વાત વારંવાર સાબિત કરી છે. ભારતીયો માટે હતાશ થઈ જવાય એવી વાત એ છે કે, ચીનને જવાબ આપવા માટે ભારતમાંથી કોઈ મરદનો ભાયડો આગળ પણ આવતો નથી. આ દેશના બહાદુર જવાનોએ ચીન સામે ભિડાઈ જવામાં જીવની પરવા કરી નથી. દેશની રક્ષા માટે પોતાનો જીવ આપી દેતાં તેમણે એક ક્ષણ માટે વિચાર ના કર્યો. લુચ્ચા ચીનાઓએ વિશ્ર્‌વાસઘાત કરીને તેમના પર હુમલો કર્યો તો પણ પીઠ બતાવીને ભાગવાના બદલે એ લોકો સામી છાતીએ મરદની જેમ લડ્યા ને શહીદ થઈ ગયા. આપણા દિલ્હીમાં બેઠેલા લોકો ચીન સામે બોલવામાં પણ એવી મર્દાનગી બતાવી નથી શકતા એ જોઈ આઘાત પણ લાગે છે ને શરમ પણ આવે છે. સૌથી પહેલાં તો એ લોકોને લદાખમાં જે કંઈ બન્યું એ વિશે વાત કરવામાં જ પેટમાં ચૂંક આવી છે. જો કે લદાખની વાત ટાળી શકાય એમ નથી તેથી નાછૂટકે બોલવું પડે છે તેમાં પણ સૈનિકોની ને શહીદીની વાતો કરે છે પણ ચીને વિશ્ર્‌વાસઘાત કરીને સૈનિકોની હત્યા કરી એવું તેમનાથી બોલી જ નથી શકાતું. વધારે હતાશા તો એ જોઈને થાય કે, આપણા શાસકોમાં ચીનનું નામ સુધ્ધાં લેવાની હિંમત નથી. આ ઘટના ૧૫ જૂને બની ને ત્યારથી માંડીને અત્યાર સુધીમાં આપણા શાસકોનાં નિવેદનો જોઈ જજો. હરામ બરાબર જો તેમણે ચીને આ બધું કર્યું છે એવું એક પણ વાર કહ્યું હોય તો. ચીન સામે ફૂંફાડો કરવાની વાત તો છોડો પણ તેનું નામ બોલવાની હીંમત પણ આપણા શાસકોમાં નથી.મોદીએ મુખ્યમંત્રીઓની બેઠકમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી ત્યારે પણ ચીનનું નામ નહોતું લીધું ને રવિવારે ‘મન કી બાત’ કરી ત્યારે પણ ચીનનું નામ ના લીધું. ભારતની જમીન હડપ કરવાની કોશિશ કરનારને આપણા સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો ને એવી બધી વાતો તેમણે કરી પણ ચીને આ પ્રયાસ કર્યો છે એવું મોદી ના બોલ્યા. શા માટે ? રાજનાથ આ દેશના સંરક્ષણ મંત્રી છે ને એ તો એક વાર નિવેદન આપ્યા પછી ક્યાં ખોવાઈ ગયા છે એ જ ખબર નથી. એ નિવેદનમાં પણ તેમણે ચીનનું નામ તો લીધું જ નહોતું.અમિત શાહ ભારત સરકારમાં નંબર ટુ ગણાય છે. ચૂંટણી સભામાં બોલવાનું હોય ત્યારે અમિત શાહ એકદમ રાજાપાઠમાં હોય છે. મોદી સરકાર આવી પછી ભારત સામે નજર ઉઠાવનારના ભૂંડા હાલ કરી દેવાયા છે ને તેમની નાની યાદ કરી દેવાઈ છે એ પ્રકારની વાતો એ સભાઓમાં બહુ કરે છે પણ અત્યારે એ ચીન શબ્દ જ ભૂલી ગયા છે. કટોકટી વખતે કૉંગ્રેસે શું કરેલું ને રાહુલ-સોનિયા ગાંધી શું કરે છે એ તેમને બરાબર યાદ છે. તેમના વિશે બોલવાની એક તક એ છોડતા નથી પણ ચીન સામે બોલવાની વાતે મોંમાં મગ ઓરીને બેસી ગયા છે. રવિવારે ટીવી ચેનલો પર શાહનો ઈન્ટરવ્યૂ પણ આવી ગયો. આ ઈન્ટરવ્યૂમાં શાહે ચીન મુદ્દે સંસદમાં ચર્ચાની તૈયારીની ને એવી વાતો કરી, મનિષ સિસોદિયાએ દિલ્હીમાં કેવા ભાંગરો વાટ્યો તેની પણ લંબાણપૂર્વક વાત કરી પણ ચીનની નાલાયકી સામે આપણે શું કરીશું તેની વાત ના કરી.આ દેશમાં એક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ છે. અજીતકુમાર ડોવાલ એમનું નામ. પાલતુ મીડિયાએ ડોવાલને ચાણક્યથી માંડીને જેમ્સ બોન્ડ સુધીનાં ઘણાં બધાં ઉપનામ આપી દીધાં છે. ડોવાલે કઈ રીતે પાકિસ્તાનના પીઠ્ઠુ આતંકવાદીઓના છક્કા છોડાવી દીધા છે ને કાળો કેર વર્તાવ્યો છે તેની યશગાથાઓ મીડિયામાં સમયાંતરે આવ્યા જ કરે છે. હવે ખરેખર મર્દાનગી બતાવવાનો સમય છે ત્યારે ડોવાલ સાહેબ ક્યાં ગરી ગયા છે એ જ ખબર પડતી નથી. દિલ્હીમાં હિંસા ફાટી નિકળી ત્યારે એ શાંતિ સ્થપવા માટે દિલ્હીમાં ફરતા હતા. એ વખતે ડોવાલે કઈ રીતે બે દિવસમાં તો બધાંને ટાઢા પાડી દીધા તેની કથાઓ બહુ વાંચવા મળતી. હવે ચીનાઓને ટાઢા કરી દેવાના છે ત્યારે ડોવાલ ક્યાં ભરાઈને બેઠા છે એ જ ખબર પડતી નથી.આપણા ધુરંધરો આ રીતે વર્તી રહ્યા છે ત્યારે ચીન કેવી રીતે વર્તી રહ્યું છે એ પણ જોવા જેવું છે. ચીનાઓએ ૧૫ જુલાઈએ ભારતના સૈનિકોની હત્યા કરી પછી ચીનના વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન બહાર પાડીને જાહેર કરેલું કે, ભારતના સૈનિકોએ ચીનમાં ઘૂસણખોરી કરેલી ને ચીને કોઈ ઘૂસણખોરી કરી નથી. ચીને ભારતનું નામ લઈને આ નિવેદન બહાર પાડેલું. આખો ગલવાન વેલી પ્રદેશ પોતાનો છે એવો દાવો પણ ચીને કરેલો ને ભારત સામે ઢગલાબંધ આક્ષેપો કરેલા. ભારત આ વિસ્તારમાં રોડ-રસ્તા સહિતનાં પાકાં બાંધકામ કરી રહ્યું છે ત્યાંથી માંડીને ભારતીય લશ્કર હુમલા કરી રહ્યું છે ત્યાં સુધીના આક્ષેપો ચીને કરેલા. આપણને ચીનનું નામ લેતાં પણ ફફડાટ થાય છે ત્યારે ચીને શબ્દો ચોર્યા વિના આપણા પર આક્ષેપોનો વરસાદ કરી નાખેલો. ચીનના વિદેશ મંત્રાલયે એ પછી પણ ભારતને નામજોગ ધમકીઓ આપી ને કહ્યું છે કે, ભારત ગલવાન વેલીમાં બનેલી ઘટનાન બદલો લેવા કશું પણ કરશે તો તેની આકરી કિંમત ચૂકવશે.આ તો ચીનના વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે કરેલાં નિવેદનોની વાત છે. બાકી ચીનના શાસક સામ્યવાદી પક્ષના વાજિંત્ર ધ ગ્લોબલ ટાઈમ્સમાં ભારત સામે જે કંઈ છપાય છે તેની તો વાત જ થાય એમ નથી. ચીનમાં સામ્યવાદીઓ સિવાય બીજો કોઈ પક્ષ નથી તેથી તેમાં જે પણ છપાય એ સત્તાવાર વલણ જ ગણાય. માનો કે તેને ચીન સરકારનું વલણ ના ગણીએ ને તેની સરખામણી આપણા શાસક પક્ષ સાથે કરીએ તો પણ ફરક દેખાશે. ભાજપના નેતા ફાંકા માર્યા કરે છે પણ ચીન સામે બોલવાની તેમની હીંમત નથી. ભાજપમાંથી એક મરદનો બચ્ચો એવો નથી પાક્યો કે જે કહે કે, ચીને આપણા વીસ સૈનિકોની ક્રૂરતાથી હત્યા કરી નાંખી તો ભારતે તેનો એ જ ભાષામાં જવાબ આપવો જોઈએ.ભાજપના નેતાઓના કહેવાથી એવું થઈ જવાનું નથી પણ સાલુ બોલવાની હિંમત તો બતાવો કે નહીં ? કે માનસિક રીતે એટલી નપુંસકતા આવી ગઈ છે કે, ચીનનું નામ લેવામાં પણ ટાઢિયો તાવ આવી જાય છે ? અહીં એક આતંકવાદી હુમલો થાય તેમાં તો પાકિસ્તાનનાં પૂતળાં બાળવા ભાજપના નેતા કૂદી પડતા હતા. ચીને વીસ-વીસ સૈનિકોની હત્યા કરી નાંખી છતાં ચીન સામે દેખાવો કરવા કેમ ભાજપનો કોઈ નેતા બહાર આવતો નથી ? બધી મર્દાનગી રાહુલ-સોનિયા ને નહેરુ-ગાંધી ખાનદાનને ગાળો દેવામાં જ બતાવવાની ? શરમજનક વાત એ કહેવાય કે, જે વીસ જવાનો શહીદ થયા તેમના પરિવારોને દિલાસા દેવા કે મદદ માટે પણ ભાજપના કોઈ નેતા આગળ નથી આવતા. બધો રાષ્ટ્રપ્રેમ સોશિયલ મીડિયા પર ગાળાગાળી કરવામાં જ ખર્ચાઈ જતો લાગે છે.યુદ્ધ એ કોઈ પણ સમસ્યાનો અંત નથી. ચીન સામેની સમસ્યાનો અંત પણ યુદ્ધથી નથી આવી જવાનો ને તેમાં નુકસાન બંનેનું છે તેથી યુદ્ધનો વિકલ્પ ના જ અજમાવવો જોઈએ પણ સામે ડરીને બેસી રહેવું એ પણ વિકલ્પ નથી. ચીન આપણા કરતાં તાકાતવર નથી જ ને આપણી પાસે એટલી તાકાત છે જ કે ચીનને એ જે ભાષામાં સમજે એ ભાષામાં જવાબ આપી શકીએ. માનો કે લશ્કરી રીતે જવાબ ના આપીએ તો પણ બોલીને તો તેને અહેસાસ કરાવી શકીએ કે નહીં ? સાલુ, આપણાથી એ પણ થતું નથી. દુનિયાના નાના નાના દેશો પણ પોતાના સ્વાભિમાનની વાત આવે ત્યારે કોઈની સામે ભિડાઈ જતાં વિચાર કરતા નથી ને આપણે એક સો ત્રીસ કરોડની વસતી હોવા છતાં  એ ચીનનું નામ લેવામાં પણ વિચાર કરીએ છીએ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here