ગોંડલ: ઘોઘાવદર ગામે સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે લાગી વાલીઓની લાઇનો

0
14
Share
Share

ગોંડલ,તા.૩૦

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે આજે આંખને ઠારે એવું દ્રશ્ય જોવા મળ્યું હતું. ગામની અન્ય ખાનગી શાળામાં અભ્યાસ કરતા ૩૫ બાળકોના વાલીઓએ ચીલો ચાતરીને તેમના બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાડીને સરકારી શાળામાં બેસાડવા માટે રીતસરની લાઈન લગાવી હતી અને રાજ્ય સરકાર પ્રત્યે પોતાનો વિશ્વાસ સાર્થક કર્યો હતો. વર્ષ ૧૯૨૦માં ગોંડલના મહારાજા શ્રી ભગવતસિંહજીના હસ્તે સ્થપાયેલી ગોંડલ તાલુકાની ઘોઘાવદર કુમાર શાળાની યશ કલગીમાં આજે નવું એક છોગું ઉમેરાયું છે. ઘોઘાવદરની અન્ય ખાનગી શાળામાં અભ્યાસ કરતા કુલ ૩૫ બાળકોએ સરકારી કુમાર શાળા અને કન્યા શાળામાં આ વર્ષે પ્રવેશ મેળવ્યો છે. આ માટે શાળાના ૧૧ શિક્ષકો ધન્યવાદને પાત્ર છે કે ગામના જાગૃત નાગરિકોએ તેમના બાળકોના ભવિષ્ય અને શિક્ષણ માટે શાળાના શિક્ષકો પર ભરોસો મુક્યો છે.

પ્રતિ વર્ષે યોજાતો શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી કાર્યક્રમ કોરોના મહામારીને લીધે આ વર્ષે યોજાઈ શક્યો નથી તેમ છતાં અનલોક-૧ના છેલ્લા દિવસે ઘોઘાવદરની કુમાર શાળા ખાતે આજે ઇતિહાસ રચાયો હતો. એકથી માંડીને ધોરણ-૮ સુધીના કુલ ૩૫ બાળકોએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો અને ખુશખુશાલ મુદ્રામાં નવો પ્રવેશ મેળવતા શાળાના બાળકોને ગામના અગ્રણીઓએ શૈક્ષણિક કિટ આપી હરખાતા હૈયે આવકાર્યા હતા. સરકારી શાળામાં પ્રવેશ મેળવતા બાળકોના વાલીઓએ હોંશભેર જણાવ્યું હતું કે અમારા બાળકોને અમે દેખાદેખીથી મુક્ત રાખીને સરકારી શાળામાં એટલા માટે પ્રવેશ અપાવ્યો છે

કે અહીં અમને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકો મારફતે મળતું શિક્ષણ અન્ય ખાનગી શાળા કરતાં ખૂબ જ ઉચ્ચ દરજ્જાનું જોવા મળ્યું છે. અહીંની શાળાના શિક્ષકો નિયમિત પણે ફોલોઅપ લઈને બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં ખૂબ જ મહેનત કરે છે. તે જોઈને અમે લોકોએ અમારો નિર્ણય બદલીને બાળકોને સરકારી શાળામાં મુક્યા છે. અને અમે લોકો સ્વૈચ્છાએ એવું વચન આપવા બંધાયા છીએ કે અમે અમારા બાળકોને રોજ ઘરે સ્કૂલમાંથી આપેલું લેશન કરાવીશું અને તેમના અભ્યાસમાં રસ લઈને તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં ખૂબ મદદ કરીશું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here