ગોંડલમાં વરસાદથી જળબંબાકાર, ૩૦ મિનિટમાં જ ખાબક્યો ૪ ઈંચ વરસાદ

0
14
Share
Share

રાજકોટ,તા.૩૦

થોડા દિવસના વરસાદી વિરામ બાદ સૌરાષ્ટ્રમાં આજે છૂટાછવાયા સ્થળે મેઘસવારી આવી પહોંચતા મોલાત પર જાણે કાચું સોનું વરસ્યું છે. આજે ગોંડલમાં માત્ર ૩૦ મિનિટમાં ચાર ઈંચ વરસાદ પડી જતાં નગર પાણી- પાણી થઈ ગયું હતું. અને કેટલાંક સ્થળે પાણીનો ભારે ભરાવો થઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. બીજી તરફ, માણાવદર પંથકમાં પ્રચંડ ગાજવીજ સાથે એકતી પાંચ ઈંચ વરસાદને પગલે ખાલીખમ રસાલા ડેમ માત્ર એક કલાકમાં ભરાઈ જતાં ભારે કૌતૂક સાથે આનંદ છવાઈ ગયો હતો. રાજકોટમાં સાંજે પાંચ વાગ્યા બાદ ધોધમાર ઝાપટું વરસી પડતા માર્ગો પર પાણી ફરી વળ્યું હતું. સેન્ટ્રલ અને વેસ્ટઝોનમાં ૩ મી.મી. તથા ઈસ્ટ ઝોનમાં ૫ મી.મી. વરસાદ નોંધાયો છે. ગોંડલમાં સવારથી જ અસહ્ય બફારા બાદ બપોરે ધોધમાર વરસાદ વરસતાં માત્ર ૩૦ મીનીટમાં ચાર ઈંચ તોફાની વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે કોલેજચોક, ગુંદાળા દરવાજા કૈલાશબાગ રોડ સહીત અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. કાશીવિશ્વનાથ રોડ પર રાતાનાલા નીચે માથાડૂંબ પાણી ભરાતાં વાહન વ્યવહાર અટકી ગયો હતો. જયારે ઉમવાડા રોડ પર અંડરબ્રીજમાં પણ ભારે પાણી ભરાતાં વાહન વ્યવહારને અસર પહોંચી હતી.

ઉમવાડા અન્ડરબ્રીજ તો જાણે સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયો હતો, તો લાલપુલ પાસે નગરપાલિકાની કચરાની ગાડી ફસાઈ પડી હતી. કોટડાસાંગાણીમાં આજે જોરદાર ઝાપટાંરૂપે પાંચ મિમિ, જેતપુરમાં અર્ધો ઈંચ, લોધિકામાં પોણો ઈંચ અને પડધરીમાં એક મિમિ પાણી વરસ્યું હતું. જામકંડોરણામાં ભારે બફારા બાદ બપોરનાં અઢી વાગ્યે વરસાદ શરૂ થયો હતો. અડધા કલાકમાં ૧૮ મી.મી. (પોણો ઈંચ) વરસાદ પડી ગયો હતો. જેનાથી લોકોને ગરમીમાં રાહત મળી હતી અને મુરજાતી મોલાતોને જીવતદાન મળ્યું હતું.

જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી અસહ્ય બફારાનો અનુભવ થયો હતો. બપોરે આકાશમાં વાદળો ચડી આવ્યા હતાં. અને બે વાગ્યાથી સાંમજે છ વાગ્યા સુધીમાં વંથલીમાં અને કેશોદમાં પોણો ઈંચ વરસાદ થયો હતો. અને રસ્તા પરથી પાણી વહેતા થઈ ગયા હતાં. જૂનાગઢમાં માત્ર ૭ મી.મી. વરસાદ બાદ તડકો નીકળ્યો હતો. અને ફરી ગરમી અને બફારાનો અનુભવ થયો હતો.  જયારે ભેંસાણમાં ૮ મી.મી. અને મેંદરડામાં ૫ મી.મી. વરસાદ નોંધાયો હતો. આ સિવાય,વ શિેષતઃ માણાવદર પંથકમાં વીજળીના પ્રચંડ કડાકા સાથે મેઘસવારી ફરી વળી હતી. માણાવદરમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે, જયારે જાંબુડા ત્થા રોણકી ગામ બાજુ ૨થી ૩ એમ એક કલાકમાં વરસાદે આ વિસ્તારને ધમરોળી નાંખ્યું હતું.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here