ગોંડલના વેકરી ગામે તળાવમાં કાર ધકેલી પતિ અને ચાલકની પૂર્વ પતિનાં સાથથી હત્યા નિપજાવતી મહિલા

0
21
Share
Share

જૂનાગઢનાં શખ્સે મૃતકોને દારૂ પીવડાવી કાર તળાવમાં નાખી દીધાની કબુલાતથી બેવડી હત્યાનો ભેદ ઉકેલતી પોલીસ : જૂનાગઢથી કાર ભાડે કરી ચોટીલા દર્શને લઈ જઈ પૂર્વ પતિ અને પત્નિએ પ્લાન બનાવ્યાની કબુલાત

ગોંડલ, તા.૧૬

ગોંડલ તાલુકાના વેકરી ગામના તળાવમાંથી વીસ્ટા કારમાં ડુબેલી હાલતમાં બે મૃતદેહ મળી આવતા જૂનાગઢ અને ગોંડલ પોલીસે રાતભર દોડધામ કરી સસ્પેન્સ થ્રીલર જેવી સ્ટોરીનો ઘટસ્ફોટ કર્યો છે. જૂનાગઢના કાર ચાલક ચોટીલા ભાડુ લઈને ગયા બાદ પાંચેક દિવસથી ભેદી રીતે ગુમ થયાની ઘટના અંગે જૂનાગઢ પોલીસે કરેલી છાનભીનમાં ડબલ મર્ડરની ઘટનાનો પદરફાશ થયો છે. પતિનો વીમો પકવવા પત્નીએ પોતાના પુર્વ પતિ સાથે મળી પતિની હત્યાનો પ્લાન બનાવી પતિ અને કાર ચાલકની હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે. ગોંડલ તાલુકાના વેકરી ગામના તળાવમાં કાર ડુબાડી જેપુર અને જૂનાગઢના યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો છે. હત્યાના ગુનામાં રાજમહેલ એપાર્ટમેન્ટમાં રહેતા ટેકસી ચાલક અશ્વિનભાઈ પ્રેમજીભાઈ પરમાર નામના ૪૮ વર્ષના પ્રૌઢ ગત તા.૧૨મીએ ચોટીલાનુ ભાડુ લઈને ગયા બાદ પરત ન આવ્યાની જૂનાગઢ પોલીસમાં નિર્સગ અશ્વિનભાઈ પરમારે નોંધ કરાવી હતી.

જૂનાગઢ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને એલસીબી પી.એસ.આઈ. ગોહિલ સહિતના સ્ટાફે અશ્વિનભાઈ પરમારની કાર કોણે ભાડે કરી અને તેના મોબાઈલ નંબર અને લોકેશનના આધારે તપાસ શરૂ કરતા કાર નાસીરખાન નામના શખ્સે ચોટીલા જવા માટે ભાડે કરી હોવાનુ બહાર આવતા પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા નાસીરખાને પોતાની પુર્વ પત્ની મંજુ ઉર્ફે મરિયમ સાથે મળી મંજુના બીજા પતિ રમેશ કલા બાલધાની હત્યા કરી તેના નામે વીમો અને ખેતીની જમીન હડપ કરવાનો પ્લાન બનાવી રમેશની હત્યા કરવા માટે અશ્વિન પરમારની કાર ભાડે કર્યા બાદ બંનેને દારૂ પીવડાવી કાર ગોંડલ તાલુકાના વેકરી પાસે તળાવમાં ડુબાડી દીધાની સ્ફોટક કબુલાત આપતા પોલીસ પણ ચોકી ઉઠી છે.

ગોંડલ અને જેતપુર વચ્ચે આવેલા જેપુરના રમેશ કલાભાઈ બાલધાની ઉંમર થવા છતા લગ્ન ન થતા તેને મુસ્લિમ યુવતી મરિયમ સાથે લગ્ન કર્યા હતા ત્યારે મરિયમના પરિવારજનોએ રમેશ બાલધાના નામનો રૂા.૨૫ લાખનો વીમો ઉતરાવવાનુ નક્કી થયુ હતુ. રમેશનુ આકસ્મિક મોત થાય તો વીમાની રૂા.૨૫ લાખની રકમ વારસદાર તેની પત્ની મંજુ ઉર્ફે મરિયમને મળે તેમ હોવાથી મંજુ ઉર્ફે મરિયમે પોતાના ભાઈ નાસીરખાન સાથે મળી રમેશ બાલધાની હત્યાનો પ્લાન બનાવ્યાની નાસીરખાને પોલીસ સમક્ષ કબુલાત આપી છે.

રમેશ બાલધાને ગોંડલ નજીક જેપુર ગામે આઠ વિઘા જમીન હોવાનુ અને તેના નામનો રૂા.૨૫ લાખનો વીમો મંજુ ઉર્ફે મરિયમને મળે તે માટે તેની હત્યા કરી સમગ્ર બનાવને આકસ્મિક ઘટનામાં ખપાવવા માટે ઘડેલા કાવતરાના ભાગરૂપે જૂનાગઢના અશ્વિનભાઈ પરમારની જી.જે.૧૧.બીએચ. ૮૩૨૪ નંબરની વીસ્ટાકાર ચોટીલા દર્શન કરવા માટે ભાડે કરી હતી ત્યાંથી પરત આવ્યા ત્યારે નાસીરખાને પોતાની પ્રથમ પત્ની મંજુ ઉર્ફે મરિયમને ગોંડલ ઉતારી દીધા બાદ કાર ચાલક અશ્વિનભાઈ પરમાર અને રમેશ કલાભાઈ બાલધાને ચીકાર દારૂ પીવડાવ્યા બાદ ગોંડલ તાલુકાના વેકરી ગામે તળાવ પાસે ઢાળમાં કાર ઉભી રાખી કારના ચારેય દરવાજા લોક કરી ધક્કો મારી દેતા અશ્વિનભાઈ પરમાર અને રમેશભાઈ બાલધાના કાર સાથે તળાવમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યાની નાસીરખાને જૂનાગઢ એલસીબી સમક્ષ આપેલી કબુલાત આધારે ગતરાતે તેને સાથે રાખી વેકરી ગામે તળાવે આવી બંનેના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે મોકલ્યા છે. ગોંડલ તાલુકા પોલીસે નાસીરખાન અને તેની પ્રથમ પત્ની મંજુ ઉર્ફે મેરિયમ સામે ડબલ મર્ડરનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પૈસા કમાવા ભીમો બન્યો નાસીર અને મરિયમ બની મંજુ

જૂનાગઢના કાર ચાલક અશ્વિનભાઈ પરમાર અને જેતપુરના રમેશભાઈ બાલધાની હત્યાના ગુનામાં ઝડપાયેલા નાસીરખાને પોલીસ સમક્ષ પૈસા કમાવા ડબલ મર્ડર કર્યાની કબુલાતની સાથે પોતે ૨૦૧૮ માં ભીમો આહિર નાસીરખાન બન્યો હતો અને મરિયમ સાથે પ્રેમ લગ્ન કર્યાની કબુલાત આપી છે. મરિયમે પણ પૈસા કમાવવા માટે જેપુરના રમેશ બાલધા સાથે બીજા લગ્ન કરી મુસ્લિમમાંથી હિન્દુ ધર્મ અંગીકાર કરી મરિયમમાંથી મંજુ બની રમેશભાઈ બાલધાની પત્નીની સાથે વારસદાર બની વીમાની રકમ હડપ કરવાનો કારસો રચ્યાની સ્ફોટક વિગતો પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here