ગોંડલઃ બિલીયાળી ગામે અંધશ્રદ્ધાએ બિમાર યુવાનનો ભોગ લેતા ગમગીની

0
19
Share
Share

ગોંડલ, તા.૧૧

ગોંડલના બીલીયાળી ગામે ખેતમજુરી કરી ગુજરાન ચલાવવા આવેલ આ પરિવારના મશારામ જાડેલા તેમના ૧૮ વર્ષના પુત્ર શંકર અને પત્ની સાથે બીલીયાળીની સીમમાં આવેલી શૈલેષભાઇ ગઢીયાની વાડીએ રહેતા હતા અને ત્યાં જ ખેતી કામ કરતા હતા. શૈલેષભાઇના જણાવ્યા મુજબ આ પરિવાર અહીં બે વર્ષથી ખેતી કામ કરતો હતો. છેલ્લા પાંચેક દિવસથી મશારામભાઇના યુવાન પુત્ર શંકરને પેટમાં દુઃખાવો થતો હોવાની ફરિયાદ હતી. અશિક્ષિત આદિવાસી પરિવાર અંધશ્રઘ્ધામાં ડુબેલો હોય તેવુ જણાયું કારણ કે પુત્રને અસહ્ય પીડા થતી હોવા છતાં તેને દવાખાને લઇ જઇ ડોકટર પાસે સારવાર કરાવવાના બદલે ભુવા પાસે લઇ જવામાં આવ્યો હતો.

મળેલી વિગત મુજબ આસપાસની વાડીઓમાં વસતા આદિવાસી પરિવારોમાં જ કોઇને દોરા-ધાગાનું કરતું હોય મશારામ ભાઇ તેના પુત્ર શંકરને લઇ ત્યાં પહોંચ્યા હતા અને ધુપ-ધુવાણા કરી દોરા-ધાગા કરાવ્યા હતા. આવી સ્થિતિમાં જ યુવાન ચારેક દિવસ સુધી વગર સારવારે પડયો રહ્યો હતો. અંતે દુઃખાવો વધી જતા ગઇકાલે બપોરે ૧૨ વાગ્યે શંકર પોતાની વાડીએ જ હતો ત્યારે બેભાન થઇ ઢળી પડયો હતો. જે અંગે જાણ થતા મશારામભાઇ અને તેના પત્ની તથા વાડી માલિક શૈલેષભાઇએ તેને ગોંડલ સરકારી દવાાખાને ખસેડયો હતો. જયાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાની તબીબોએ સલાહ આપતા રીફર કરાયો હતો. જો કે સારવાર મળે તે પહેલા જ શંકરે દમ તોડી દીધો હતો. સિવિલમાં ફરજ પર રહેલા તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

બનાવની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ મથકના એએસઆઇ પી.કે.તૈની સહિતનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયો હતો. તબીબોના જણાવ્યા મુજબ યુવાનના આંતરડા ફાટી જતા તેનું મોત થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે. જો કે પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ કારણ જાણી શકાય છે. અંધશ્રઘ્ધાના લીધે પુત્રને ગુમાવવાનો વારો આવતા પરિવારમાં ગમગીની છવાઇ હતી.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here