ગૃહિણીઓ, નવરાશનો સદુપયોગ કરતાં શીખો

0
47
Share
Share

જો ઘરમાં ભીડ જમાવવાથી ઘરના લોકોની સુખશાંતિમાં ખલેલ પહોંચે તો એ સમજદારી ન કહેવાય. લોકો સાથે દોસ્તી કરો. તેમને ભેગા કરીને કંઈક સર્જનાત્મક કામ કરવાથી સમય પણ પસાર થઈ જશે અને બીજાની નિંદા કરવાથી પણ દૂર રહેશો.સરિતા બે યુવાન બાળકોની માતા છે. તે ખૂબ હસમુખી અને મળતાવડા સ્વભાવની સ્ત્રી છે. તે બહુમાળી ઇમારતના ગ્રાઉન્ડ ફલોર પર રહે છે. પોતાના સ્વભાવને કારણે તે પાડોશમાં ખૂબ લોકપ્રિય છે. તેથી પાડોશની સ્ત્રીઓને તેને મળવું ગમે છે. તેના ઘરની આગળ એક નાનકડો ગાર્ડન છે. શિયાળાના કૂણા તડકાની મજા માણવી હોય કે ચોમાસામાં વરસાદની. સ્ત્રીઓની ભીડ તેના ઘરે જમા થાય છે. સરિતાનાં બાળકો સ્કૂલે અને પતિ ઓફિસે જાય પછી સ્ત્રીઓ તેના ઘરે આવવા માંડે છે ગપ્પા મારતી નાસ્તાની મજા પણ ત્યાં જ માણે છે. લંચ ટાઈમમાં થોડી વાર માટે બેઠક સ્થગિત થાય છે, પણ ત્રણ-ચાર વાગ્યે ફરીથી શરૃ થઈ જાય છે. પછી સાંજે જેમ જેમ પતિ ઓફિસેથી પાછા ફરવા લાગે તેમ તેમ સ્ત્રીઓ ધીમે ધીમે ખસવા લાગે છે.સરિતાના ઘરની આ બેઠક ગામના એ ચોરા જેવી છે કે જ્યાં ગામના લોકો ભેગા થઈને આરામ કરે છે અને પાડોશની હાલચાલ વિશે ચર્ચા કરે છે. તેના  ઘરના ચોરામાં વાતચીતના ત્રણ ખાસ વિષયો હોય છે. પહેલા વિષયમાં દરેક સ્ત્રી મોકો મળતાં જ પોતાના ઘર વિશે વાતવાતમાં કહે છે કે આજે તેણે શું બનાવ્યું, પતિ સાથે કઈ બાબતે બોલાચાલી થઈ, કેટલી મોંઘવારી છે, કેવી રીતે સગાં સંબંધીઓને સાચવવા વગેરે.બીજા વિષયમાં પાડોશીઓનાં બાળકો અને પતિઓ વિશેના ગરમાગરમ સમાચાર હોય છે. કોનો પુત્ર કોની પુત્રીની સાથે રેસ્ટોરન્ટમાં જોવા મળ્યો, કોની પુત્રીને કોણ દરરોજ કારમાં મૂકવા આવે છે, કોના પતિનો ઓફિસમાં રોમાન્સ ચાલી  રહ્યો છે. વગેરે અને ત્રીજામાં કોના ઘરે ફુલ સાઈઝનું ફ્રિજ અથવા માઈક્રોવેવ ઓવન આવ્યું, કયા પરિવારમાં બ્લેકની કમાણી આવી રહી છે વગેરે વાતો હોય છે. કહેવાનો મતલબ એ છે કે સ્ત્રીઓના આ કોમન વિષયો હોય છે, તેના પર દરેક સ્ત્રી ચર્ચા કરી શકે છે.અહીં કહેવાનો અર્થ ક્યારેય એવો નથી કે માત્ર સરિતાના ઘરે જે સ્ત્રીઓ દરરોજ ભેગી થાય છે તે જ આ વિષયો પર વાતો કરે છે. આ પ્રકારની વાતચીત તો સામાન્ય ગણાય છે.

જ્યાં ચાર સ્ત્રીઓ ભેગી મળે કે આ પ્રકારની વાતચીત શરૃ થઈ જાય છે, પરંતુ બેઠક તો ત્યાં જ મળે છે જ્યાં બધાને ગમતું હોય અને યજમાન સ્ત્રી મહેમાનગતિ અને વાતો કરવામાં કુશળ હોય.સરિતાના  ઘરની જેમ રીનાને ત્યાં પણ પાડોશની સ્ત્રીઓ દરરોજ ભેગી થાય છે. રીના ભરતગૂંથણ અને સીવણકામમાં ખૂબ હોંશિયાર છે. સ્ત્રીઓ ઋતુને અનુરૃપ તેની પાસેથી નવી ડિઝાઈન શીખતી, ભરતકામ માટે રંગના યોગ્ય તાલમેળ વિશે પૂછતી, કુરતા, બેબી ફ્રોક વગેરેનું કટિંગ શીખતી. જે કોઈ સ્ત્રી માતા બનવાની હોય તે રીના પાસે આવતી કારણ કે જૂના કપડામાંથી બાળકોનાં કપડાં કેવી રીતે બનાવી શકાય એ બાબતે રીના કુશળ છે.

આમ તે પણ પોતાના મહોલ્લામાં ખૂબ લોકપ્રિય છે.થોડીવાર કામની વાતો કર્યા પછી એવી જ વાતો શરૃ થઈ જતી જેવી સરિતાને ત્યાં થાય છે. ડિઝાઈન પૂછવાથી શરૃ થયેલી બેઠક સવારના અગિયાર વાગ્યાથી સાંજ સુધી ચાલતી.રીનાના પતિ ડૉકટર છે. તેમની શિફટ ડયુટી હોય છે. બાળકો ૧૦મા અને ૧૧મા ધોરણમાં ભણે છે. જ્યારે જુઓ ત્યારે ઘર પરની બેઠકમાંથી આવતાં હસવાબોલવાના અવાજને કારણે તેના પતિ નિરાંતે ઊંઘી શકતાં નથી. બાળકો પણ બરાબર અભ્યાસ કરી શકતાં નથી. રીના કહે છે કે મારી પાસે આવડત છે એટલે જ તો પાડોશની સ્ત્રીઓ આવે છે.જો કોઈ ઘરે આવી ચડે તો તેને કેવી રીતે ના પાડું. ચા-નાસ્તો કરાવવા એ પણ મહેમાન ગતિનો એક ભાગ છે. પરંતુ દરેક સ્ત્રી પોતાના ઘરનું કામકાજ પતાવીને નવરાશના સમયે આવે છે જ્યારે રીનાના ઘરનું કામકાજ આખા દિવસમાં પણ પૂરું થઈ શકતું નહોતું. ઘણીવાર તો તે ત્રણચાર વાગ્યા સુધી નહાઈ પણ શકતી નહોતી. બાળકો અને પતિને પણ વ્યવસ્થિત ભોજન મળી શકતું નહોતું. આખરે રીના શું કરે. કોઈ બેઠું હોય તો રસોઈ કેવી રીતે બનાવે.સરિતાના ઘરે જે મંડળી જામે છે તેનાથી તેને કેવું લાગે છે? ઉત્તરમાં તે કહે છે કે જો ઘરે કોઈ આવે નહીં તો મને ઘર ખાવા દોડે છે કારણ કે પતિ સવારના ગયેલા સાંજે પાછા ફરે છે. બાળકો પણ કોલેજથી આવ્યા પછી પોતાના અભ્યાસ અને મિત્રો સાથે ફોન પર વાત કરવામાં વ્યસ્ત થઈ જાય છે. આખરે હું શું કરું? નવરાશની પળોમાં લોકો સાથે વાત કરવાનું, હસવા બોલવાનું મને બહુ ગમે છે. પરંતુ ઘણીવાર કોઈ બાબત એટલી ખૂંચે છે કે  બોલાચાલી થઈ જાય છે ત્યારે બહુ ખરાબ લાગે છે.

સર્જનાત્મકતામાં રુચિ રાખો

અહીં કહેવાનો અર્થ એવો નથી કે પાડોશીઓ સાથે દોસ્તી ન રાખો, તેમના સુખ દુઃખના ભાગીદાર ન બનો. પરંતુ જો ઘરમાં ભીડ જમાવવાથી ઘરના લોકોની સુખશાંતિમાં ખલેલ પહોંચે તો એ સમજદારી ન કહેવાય. લોકો સાથે દોસ્તી કરો. તેમને ભેગા કરીને કંઈક સર્જનાત્મક કામ કરવાથી સમય પણ પસાર થઈ જશે અને બીજાની નિંદા કરવાથી પણ દૂર રહેશો.

સર્જનાત્મક કામ કરવાથી જે માનસિક શાંતિ મળશે એ બેત્રણ કલાક ગપ્પા મારવાથી નહીં મળે. અહીં આશાનો ઉલ્લેખ અપ્રાંસગિક નહીં ગણાય. તેના પતિ રિટાયર થઈ ગયા છે.તેથી આ દંપતીએપોતાના જેવાં કેટલાંક દંપતી ભેંગા કર્યા, જેમાંથી મોટા ભાગના સંગીતપ્રેમી હતા. તેમણે પોતાને ત્યાં આવાં દંપતીઓના સંગીતના કાર્યક્રમોનું આયોજન કર્યું. બે સ્ત્રીઓ સંગીતવિશારદ હતી. તેથી તેમને આગ્રહ કરીને કેટલાકે આ ઉંમરે સંગીત શીખવાનું શરૃ કરી દીધું. આવી રીતે એકબીજાની સાથે બેસીને કંઈક શીખવા મળ્યું. જ્યારે ગુજરાતમાં ભૂકંપની દુર્ઘટના બની ત્યારે પણ આ લોકોએ મળીને કોલોનીમાંથી કપડાં, દવા, રૃપિયા ભેગાં કરીને ભૂંકપપીડિત માટે મોકલ્યાં.

આમ તમે પણ તમારા ઘરને ચોરો ન બનવા દો, પરંતુ કંઈક સર્જનાત્મક કામ કરો. તમારી આવડત, તમારા ભણતરનો સદુપયોગ કંઈક આવી રીતે કરોઃ

સફાઈ અભિયાન :-

તમારી સાથે કેટલીક સ્ત્રીઓને એકઠી કરીને તમારા મહોલ્લાની બરાબર સફાઈ કરાવો. બધી સ્ત્રીઓને એ કામે લગાડી દો કે કોઈ પણ પાડોશી કચરો ગમે ત્યાં ફેકશેં નહીં. જો કોઈ ના પાડવા છતાં પણ માને નહીં તો બધા મળીને તેને સમજાવો. જમાદારને પણ સમજાવો કે વ્યવસ્થિત રીતે સફાઈ કરાવે.

તહેવાર પર સાથે ખરીદી કરો :-  તહેવાર આવતાં જ ઘરમાં અમુક ચીજોની ખરીદી થાય જ છે. જેમ કે, દિવાળી પર મીઠાઈ અને કપડાં, ફટાકડા, કોડિયા વગેરે તો હોળી પર રંગ વગેરે. પોતાના ગુ્રપની એક યાદી બનાવો કે કોને કઈ વસ્તુઓ જોઈએ છે. ત્યાર પછી બે-ત્રણ સ્ત્રીઓ જથ્થાબંધ વેપારી પાસેથી વસ્તુ ખરીદી લાવે. આવવા-જવાનો ખર્ચો બધા વહેંચી લો. આવું કરવાથી વસ્તુ સસ્તી પડશે સાથે સાથે બધાનો સમય પણ બચશે.

વાનગીઓ સાથે બનાવો…

તહેવાર પર તમારા ગુ્રપમાં જે  વાનગીઓ બનાવવામાં પારંગત હોય, તેને સહકાર આપીને સાથે વાનગીઓ બનાવો. આનાથી થાક પણ નહીં લાગે અને બધાની વાનગીઓ બનાવવાની વ્યવસ્થા પણ એક જગ્યાએ થઈ જશે આવી રીતે દર મહિને પૂરી, લાડુ વગેરે પણ બનાવીને રાખી શકાય છે.

અથાણાં સાથે બનાવો :-

મોસમને અનુરૃપ એક જગ્યાએ સાથે અથાણાં બનાવો. કોઈ બજારમાંથી વસ્તુ લઈ આવે, કોઈ મસાલા તૈયાર કરી રાખે, અન્ય સ્ત્રીઓ અથાણાં બનાવવાનું કામ કરે. આનાથી સમય પણ ઓછો લાગશે. અને કોઈને થાક પણ નહીં લાગે.

બીમાર સ્ત્રીની દેખભાળ :-

આજકાલ વિભક્ત કુટુંબ હોવાને લીધે જો ઘરની સ્ત્રી બીમાર પડી જાય તો આખું ઘર અસ્તવ્યસ્ત થઈ જાય છે. જો તમારા પાડોશમાં કોઈ સ્ત્રી બીમાર થઈ જાય તો બધી સ્ત્રીઓએ તેના ઘરે એક એક ટંકનું ભોજન મોકલવાની વ્યવસ્થા કરવી. તેનાં બાળકો નાનાં હોય તો સ્કૂલબસ સુધી મૂકવાની અને લેવા જવાની જવાબદારી નિભાવવી આનાથી બીમાર સ્ત્રીને ખૂબ ટેકો મળશે.

* સામયિક આપ-લે કરો અથવા લાઈબ્રેરી બનાવો :-

સાત-આઠ સ્ત્રીઓ મળીને બધાની ઇચ્છા ધ્યાનમાં રાખીને એક-એક સામયિક ખરીદો અને લાઈબ્રેરી બનાવો. પરસ્પર સામિયકની આપ-લે કરો, કારણ કે આજકાલ સામયિકો મોંઘા થઈ ગયા છે. તેથી હવે બધા સામયિકો ખરીદવાનું એક પરિવારનું ગજુ નથી.

જો ભરત ગૂંથણ, સીવણકામ શીખવું હોય તો ગુ્રપમાં જે સ્ત્રી પારંગત હોય તેની પાસેથી અઠવાડિયામાં એક દિવસ નક્કી કરીને શીખો. આવી રીતે કોઈ વાનગી બનાવતા શીખવી હોય તો બધા મળીને વાનગી માટે જરૃરી સામગ્રી ભેગી કરી લે ત્યાર પછી નક્કી કરેલા દિવસે શીખી લે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here