ગૃહમાં બહુમતી સાબિત ન કરી શકતા કોંગ્રેસના હાથમાંથી પુડુચેરી છટકી ગયું

0
25
Share
Share

પુડુચેરીમાં કોંગ્રેસની એક્ઝિટઃ સરકાર વિધાનસભામાં બહુમત સાબિત કરવામાં નિષ્ફળ

ફ્લોર ટેસ્ટ પહેલા જ કોંગ્રેસ અને ડીએમકેના ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા, વિશ્વાસ મત રજૂ કરતા પહેલા નારાયણસામીએ પૂર્ણ રાજ્યની માંગણી કરી

મુખ્યમંત્રી નારાયણસામીએ કિરણ બેદી અને પીએમ મોદી પર સરકારને દબાવવાનો આરોપ લગાવ્યો

૩૩ સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસ-દ્રમુક ગઠબંધનના ધારાસભ્યોની સંખ્યા ૧૧ થઇ, જ્યારે વિપક્ષી પાર્ટીઓના ૧૪ ધારાસભ્ય

બહુમતી સાબિત ન કરી શકતા નારાયણ સામીની સરકાર પડી

વોટિંગથી પહેલા કોંગી-ડીએમકેના સભ્યોનું વોકઆઉટ, કોંગ્રેસની સરકાર બહુમતિ સાબિત કરવામાં નિષ્ફળ રહી

પુંડુચેરી, તા. ૨૨

પુડુચેરીના રાજકીય સંકટનું સોમવારે સમાપન થઈ ગયું. વિધાનસભામાં બહુમતી સાબિત ન કરી શકવાના કારણે કોંગ્રેસની નીત.વી નારાયણસામીની સરકાર પડી ગઈ. પુડુચેરીના ઉપરાજ્યપાલના આદેશ પર સોમવારે વી. નારાયણસામીને ગૃહમાં બહુમતી સાબિત કરવાની હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ પોતાના ભાષણમાં કેન્દ્ર સરકાર અને પૂર્વ ઉપરાજ્યપાલ કિરણ બેદી પર ગંભીર આરોપ લગાવ્યો. વોટિંગથી પહેલા જ કોંગ્રેસ અને ડીએમકેના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કરી દીધું, જે બાદ સ્પીકરે જાહેરાત કરી તે સરકાર બહુમતિ સાબિત કરવામાં નિષ્ફળ રહી છે.

જણાવી દઈએ કે કોંગ્રેસના ધારાસભ્યોના સતત રાજીનામા આપ્યા બાદ નારાયણસામી સરકાર પર સંકટ હતું. રવિવારે ત્રણમાંથી એક ડીએમકેના ધારાસભ્યએ રાજીનામું આપતા સરકાર પર વધુ સંકટ આવ્યું હતું. પહેલાથી જ માનવામાં આવી રહ્યું હતું કે ૩૩ સદસ્યની વિધાનસભામાં નારાયણસામી સરકાર માટે બહુમતિ સાબિત કરવી મુશ્કેલ છે. વિધાનસભામાં ફ્લોર ટેસ્ટથી ઠીક પહેલા મુખ્યમંત્રી વી. નારાયણસામીના ભાષણમાં ધારાસભ્યોનું બળવાખોર થવાનું દુઃખ સ્પષ્ટ છલકાઈ રહ્યું હતું.

સીએમએ પોતાના ભાષણમાં કહ્યું કે, ધારાસભ્યોએ પોતાની પાર્ટી પ્રત્યે વફાદાર રહેવું જોઈએ. તેમણે કહ્યું કે, રાજીનામું આપનારા ધારાસભ્ય જનતાનો સામનો નહીં કરી શકે. તેમને લોકો તકવાદી કહેશે. સીએમએ પોતાની સરકારની મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ ગણાવતા કેન્દ્ર સરકાર અને ઉપરાજ્યપાલ કિરણ બેદી પર ખૂબ આક્ષેપો કર્યા. તેમણે કહ્યું કે, પીએમ મોદી અને પૂર્વ એલજી કિરણ બેદીએ અમને દબાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમ છતાં અમે લોકોના હિતમાં કામ કરવામાં સક્ષમ રહ્યા.

સીએમએ કહ્યું કે, સરકાર બનાવ્યા બાદ અમે ખેડૂતોની સહકારી કૃષિ લોન માફ કરી. નાના ખેડૂતો માટે પીએમ મોદી ૬ હજાર રૂપિયા આપી રહ્યા છે, જ્યારે અમે ૩૭,૫૦૦ રૂપિયા આપી રહ્યા છે. સીએમએ કહ્યું કે, અમે ડીએમકે અને અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી. આ બાદ અમે ઘણી પેટાચૂંટણીઓનો સામનો કર્યો. અમે તમામ પેટાચૂંટણીઓ જીતી. તેનાથી સ્પષ્ટ છે કે પુડુચેરીના લોકો અમારા પર વિશ્વાસ કરે છે.પુડુચેરી વિધાનસભામાં કોંગ્રેસ સરકાર પોતાનું બહુમત સાબિત નથી કરી શકી. સ્પીકરે એલાન કર્યું છે કે સરકારની પાસે બહુમત નથી. ત્યારબાદ મુખ્યમંત્રી વી. નારાયણસામીની વિદાય નક્કી માનવામાં આવી રહી હતી. ફ્લોર ટેસ્ટમાં બહુમત સાબિત ન કરી શકતાં મુખ્યમંત્રીએ ઉપરાજ્યપાલને પોતાનું રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં કોંગ્રેસની પાસે તેના ૯ ધારાસભ્યો સિવાય ૩ ડ્ઢસ્દ્ભ અને ૧ અપક્ષના ધારાસભ્યોનું સમર્થન હતું.

પુડુચેરીમાં કૉંગ્રેસનું ભવિષ્ય નક્કી કરવા માટે એક દિવસનું વિશેષ સત્ર સોમવાર સવારે શરૂ થયું હતું. મુખ્યમંતરી વી. નારાયણસામીએ ગૃહમાં વિશ્વાસ મત રજૂ કર્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ ગૃહને જણાવ્યું હતું કે તેમની સરકાર પાસે બહુમત છે. જોકે બાદમાં નારાયણસામીની સરકારે વિશ્વાસમત દરમિયાન બહુમત ગુમાવી દીધું. બીજી તરફ વિશ્વાસ મત રજૂ કરતાં પહેલા તેઓએ પૂર્ણ રાજ્યની માંગ કરી. સાથોસાથ પૂર્વ ઉપરાજ્યપાલ કિરણ બેદી અને બીજેપીની કેન્દ્ર સરકાર પર તેમની સરકારને પાડવાનો આરોપ લગાવ્યો.

મુખ્યમંત્રી વી. નારાયણસામીએ વિધાનસભામાં કહ્યું કે, ધારાસભ્યોએ પાર્ટી માટે ઈમાનદાર રહેવું જોઈએ. જે ધારાસભ્ય પાર્ટીથી રાજીનામું આપી ચૂક્યા છે તેઓ જનતાનો સામનો નહીં કરી શકે કારણ કે લોકો તેમને તકસાધુ કહી રહ્યા છે. મુખ્યમંત્રીએ ગૃહમાં કહ્યું કે તમિલનાડુ અને પુડુચેરીમાં બે ભાષા પ્રણાલીનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ બીજેપી બળજબરીથી અહીં હિન્દી લાવવા માંગે છે.

નોંધનીય છે કે, પુડુચેરીના નવનિયુક્ત ઉપ રાજ્યપાલ તમિલિસાઇ સૌંદરરાજને મુખ્યમંત્રી વી. નારાયણસામીને વિધાનસભામાં બહુમત સાબિત કરવાના નિર્દેશ આપ્યા હતા. વિપક્ષ તરફથી કૉંગ્રેસ-દ્રમુક ગઠબંધનના બહુમત ગુમાવવાના દાવા કર્યા બાદ ઉપ રાજ્યપાલે આ નિર્દેશ આપ્યા હતા. કૉંગ્રેસના ધારાસભ્ય લક્ષ્મીનારાયણ અને દ્રમુકના ધારાસભ્ય વેંકટેશને રવિવારે આપેલા રાજીનામા બાદ ૩૩ સભ્યોની વિધાનસભામાં કૉંગ્રેસ-દ્રમુક ગઠબંધનના ધારાસભ્યોની સંખ્યા ઘટીને ૧૧ થઈ ગઇ, જ્યારે વિપક્ષી પાર્ટીઓના ૧૪ ધારાસભ્ય છે.

પૂર્વ મંત્રી એ. નમસિવાયમ (હવે બીજેપીમાં) અને મલ્લાડી કૃષણ રાવ સહિત કૉંગ્રેસના ચાર ધારાસભ્યોએ આ પહેલા રાજીનામા આપી દીધા હતા. જ્યારે એક અન્ય ધારાસભ્યને પાર્ટીએ અયોગ્ય ઠેરવ્યા હતા. નારાયણસામીના નજીકના એ. જોન કુમારે પણ આ સપ્તાહે રાજીનામું આપી દીધું હતું.

ખાસ વાત તો એ છે કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રાજકીય ઊથલપાથલ વચ્ચે રાજ્યના બે દિવસની મુલાકાત કરી હતી, પણ એ પાર્ટીને નુકસાન થવાથી ન બચાવી શક્યા. અહીં સરકારનો કાર્યકાળ ૮ જૂને પૂરો થવાનો છે. રાજ્યમાં આ વર્ષે એપ્રિલ-મેમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જોકે હાલ તારીખ નક્કી નથી.

૧૧ મહિનામાં કોંગ્રેસના હાથમાંથી બીજુ રાજ્ય ગયું

૨૦૨૦ની શરૂઆતમાં કોંગ્રેસ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, પુડુચેરી અને મહારાષ્ટ્રમાં સત્તામાં હતી.ગત વર્ષે તેમના હાથમાંથી સૌથી પહેલા મધ્યપ્રદેશ નીકળ્યું, જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક ધારાસભ્યોએ કમલનાથ સાથે બળવો કર્યો હતો. માર્ચ ૨૦૨૦માં કમલનાથે રાજીનામું આપવું પડ્યું. હવે કોંગ્રેસને બીજો ઝાટકો પુડુચેરીમાં મળ્યો છે.

હવે કોંગ્રેસની સરકાર રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં તે શિવસેના-દ્ગઝ્રઁ સાથે ગઠબંધનમાં છે. રાજસ્થાન, પંજાબ અને છત્તીસગઢમાં તે એકલા હાથે સરકાર ચલાવી રહી છે.

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો પડકાર

આ વર્ષે પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, અસમ અને પુડ્ડુચેરીમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ ચૂંટણીમાં પાર્ટી માટે જીત પ્રાપ્ત કરવી મોટો પડકાર છે. પશ્ચિમ બંગાળમાં મુખ્ય લડાઇ આ વખતે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસની વચ્ચે જ મનાય છે. અહીં પાર્ટી લેફ્ટની સાથે ગઠબંધનમાં છે. તો તામિલનાડુમાં પાર્ટી ડીએમકેની સાથે ગઠબંધન દ્વારા સત્તામાં આવવાની કોશિષ કરશે. કેરળમાં પાર્ટીનું વામ નીત એલડીએફથી મુકાબલો છે. અસમમાં ભાજપને ફરીથી સત્તામાં આવતા રોકવા માંગશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here