(જી.એન.એસ,હર્ષદ કામદાર)
ગુજરાતમાં રવિવારે મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ ગઈ જેમા લોકોને રાજસત્તા અને રાજકીય પક્ષો માટે કેવી નફરત પેદા થઈ ગઈ છે તેના પ્રત્યાઘાત ઓછુ મતદાન કરીને આપી દીધા છે…..! તે સાથે ચૂંટણી જીતવાની દાવેદારી કરનારા રાજકીય પક્ષોની ઊંઘ હરામ કરી નાખી છે ત્યારે મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય બનાવવા માટે લડત ચલાવનાર અલગારી ફકીર આમ પ્રજામાં લાડીલા એવા ઈન્દુચાચા ઈન્દુલાલ યાજ્ઞિકનો ૨ ફેબ્રુઆરીએ જન્મ દિવસ હતો તે સાથે દેશની આઝાદી માટે ગરીબોની ગરીબી જોઈને માત્ર ધોતીભેર રહીને આમ પ્રજાને એકતાંતણે બાંધી અંગ્રેજ સલ્તનત સામે લડત લડનાર ગાંધીજીની જીવન પર્યંત ખભેખભો મિલાવી સતત અદકેરી સેવા કરનાર તેમના ધર્મપત્ની ટસ્તુરબાની પુણ્યતિથિ હતી ત્યારે કોઈ રાજકારણીએ તેમને યાદ કર્યા હોય તેવા સમાચાર કે કાર્યક્રમ યોજાયા નથી,એક પણ રાજકારણી તેઓના વિશે બે બોલ કહેવાનુ કે બોલવાનું ભૂલી ગયા છે…..! ત્યારે પોતીકાઓજ ગુજરાત રાજ્યની સ્વતંત્રતામાં માટે મહા ગુજરાત આંદોલનના સૂત્રધાર ઈન્દુચાચાને તથા દેશની આઝાદી માટે સમગ્ર દેશને સાથે જોડી લડતના સૂત્રધાર ગાધીજીના પત્નિ કસ્તુરબા સદંતર ભુલાઈ ગયા છે…. ત્યારે એક જૂની કહેવત યાદ આવે છે ગુજરાત ગાડી અને છતાં ધણીએ….?! તે સાથે ઈન્દુલાલ યાજ્ઞિકે પોતાની આત્મકથામાં લખેલા શબ્દો “પહેલા સમાજ લોટ જેવો હતો પાણી નાખતા જ ભેગો થઈ જતો હતો અને આજનો સમાજ રેતી જેવો છે…. લોકો વેરવિખેર થઈ ગયા છે, મૂડીએ માનવતા પર ચડાઈ કરી છે, લોકો પૈસા પાછળ ઘાઘા થયા છે, એકબીજાના સુખ-દુઃખમાં જોતા નથી…. પડખે ઊભા રહેતા નથી, એક બીજાના ખપમા આવતા નથી”. આ તેમના શબ્દો અત્યારે સો ટકા સત્ય સાબિત થઈ રહ્યા લાગે છે. ઈન્દુચાચાએ સામ્યવાદ અને સર્વોદય, સમાજવાદ, સ્વાતંત્ર્ય ચળવળ, મજુર અને કિસાનોના પ્રશ્નો તેમજ મહા ગુજરાત આદોલનના સૂત્રધાર બન્યા હતા. લોકો પ્રેમથી તેમને ઇન્દુચાચા કહેતા હતા. ગુજરાતના ઘડવૈયા અને ફકીર નેતા ઈન્દુચાચાના ખભે માત્ર એક ખાદીની ઝોળી રહેતી જેમા દાળિયા મતલબ શેકેલા ચણા રાખતા અને ખાઈ લેતા,તેઓ અંગત સુખ સગવડોથી દૂર રહ્યા હતા અને સાદા સફારી જેવા કપડાં લેઘો-ખમીસ પહેરતા અલગારી જીવન જીવતા જાહેર કાર્યોમા ગળાડૂબ રહેતા અને કોઈની શેહ શરમ નહિ રાખનાર હતા. જ્યારે કસ્તુરબાએ ગાંધીજી સાથે લગ્ન કર્યા બાદ ખભે ખભો મિલાવી દેશની આઝાદીના દરેક સમયમાં સાથે રહ્યા હતા અને ગાંધીજીની તમામ બાબતો માટે સેવામા રહેવા ઉપરાંત દેશની સ્વતંત્રતા અને રાષ્ટ્રિય ચળવળમાં ગાંધીજીની તમામ પ્રવૃત્તિઓમાં એક વફાદાર સૈનિકની જેમ જાત અર્પણ કરી હતી, ગાંધીજીના ત્યાગ,વૈરાગ્ય અને સન્યાસને પોતાના જીવનમાં વણી લીધા હતા. તેઓની આજે પુણ્યતિથિ છે.તેઓને અંતઃકરણથી બાવાજી… તથા જેઓનો જન્મ દિવસ છે તે ઈન્દુચાચાને કોટી કોટી વંદન. જોકે ગુજરાતના તમામ રાજકારણીઓ આ બંને મહાનુભાવોને ભૂલી ગયા છે…..! તો ગુજરાતને સ્વતંત્ર રાજ્ય બનાવનારને આમ પ્રજા પણ ભૂલી ગઇ છે કારણ કે તેમની યાદોનુ કોઈ મ્યુઝીયમ કે સંસ્થા નથી….!
ગુજરાતની મહા નગરપાલિકાઓની ચૂંટણીમાં મતદાન ઓછું થવા બાબતે રાજકીય પંડિતોના કહેવા અનુસાર ૬૦ વર્ષ ઉપરના અને ૩ ટર્મ ચૂટાયેલાને પડતા મૂક્યા તથા મુખ્ય બંન્ને રાજકીય પક્ષના કાર્યકરો નિષ્ક્રિય થઈ ગયા. જીવન જરુરી ચીજોના બેફામ ભાવ વધારો, રાંધણ ગેસનો ભાવવધારો, પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો, નગર સેવકો ખૂદ કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ લેવા લાગ્યા, લોકોના પ્રશ્નો તરફ ધ્યાન ન અપાયું તો પ્રજા વચ્ચેજ ન ગયા કે રહ્યા, તેમજ તંત્ર પાસેથી કામ લેવાની કોઈ સુઝ કે જ્ઞાન નહીં, મતદાન મથકો દૂર ગયા કે ફેરવાઈ ગયા,મતદાન સ્ત્રીનો ન મળવી તથા કાર્યકરોની આંતરિક ખેચતાણની વધુ અસર થઈ અને આ કારણે આમ પ્રજા કંટાળી ગઈ છે તેથી પ્રજા મતદાનથી દૂર રહી, ઉપરાંત ટોળા ભેગા કરતા પક્ષો લોકોને મતદાન મથક સુધી નથી ખેંચી શક્યા…..! તો પ્રજા રાજકારણીઓથી નફરત કરવા લાગી છે…..જે બાબત દરેક પક્ષોને માટે નોંધનીય છે… ત્યારે સવાલ એટલો જ છે કે રાજકીય પક્ષો આ બાબતે બોધપાઠ લેશે કે કેમ…..?