અમદાવાદ,તા.૨૩
ગુજરાતની ૬ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપ ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યું છે. તે જ સમયે, કોંગ્રેસની સ્થિતિ નબળી લાગી રહી છે. આમ આદમી પાર્ટી પણ સુરતમાં કોંગ્રેસને પછાડીને બીજા સ્થાને પહોંચી ગઈ છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં ૨૨ સ્થળોએ મતગણતરી કરવામાં આવી રહી છે. ૬ મહાનગર પાલિકાની ૫૭૫ બેઠકો માટે આશરે ૨૪સો ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઇવીએમમાં ચેડાં કર્યાનો આક્ષેપ કર્યો છે.
મનીષ દોશીનું કહેવું છે કે રવિવારે રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી દરમિયાન બપોરે સાડા ત્રણ વાગ્યે મતદાન ૨૬ ટકા હતું જ્યારે અઢી કલાક પછી અચાનક ૨૧ ટકા મતદાન થયું હતું. મનીષ દોશીએ આરોપ લગાવ્યો છે કે છેલ્લા અઢી કલાકમાં વધુમાં વધુ ૪૦૦ થી ૫૦૦ લોકો મતદાન કરી શક્યા હતા, જ્યારે છેલ્લા સમયે અચાનક થયેલા મતદાનમાં વધારો થવો એ શંકાસ્પદ બાબત છે. કોંગ્રેસ પ્રવક્તા પ્રગતિ આહિરે પણ ગુજરાત મહાનગર પાલિકાની ચૂંટણી પર ઇલેક્ટ્રોનિક મતદાન મશીનોમાં ગડબડ કરવા અને કેટલાક સ્થળોએ ઇવીએમ બદલવાનો આરોપ લગાવ્યો છે.