(જી.એન.એસ,હર્ષદ કામદાર)
દેશમાં ચાલી રહેલા નવા કૃષિ કાયદા વિરુદ્ધનુ ખેડૂત આંદોલન વધુ તેજ બનાવવાનું એલાન કરવા સાથે ખેડૂત નેતાઓએ આગામી ૬ ફેબ્રુઆરીએ દેશ ભરમાં ચક્કાજામ કરવાનું આહવાન કર્યું છે. જેનું કારણ બતાવ્યું છે કે આંદોલન વિસ્તારોમા ઇન્ટરનેટ પર પાબંધી, અધિકારી દ્વારા કહેવાતો ત્રાસ અને અન્ય મુદ્દા દર્શાવ્યા છે. ત્યારે ખેડૂતોના ચાલી રહેલા આંદોલનમાં ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ સુધી રાજકીય પક્ષોને દૂર રાખી બિન રાજકીય આંદોલન ચલાવ્યું પરંતુ પ્રજાસત્તાક દિવસની બનેલ તોફાની ઘટનાઓ બાદ ખેડૂત આંદોલનમાં રાજકીય પક્ષોને પ્રવેશ આપતાં હવે નવા કૃષિ કાનુન રદ કરવા માટેનું ખેડૂત આંદોલન વધુ તેજ બન્યું છે. બજેટ સત્રમાં બજેટ રજુ થયાના બીજા દિવસે મંગળવારે સંસદમાં કૃષિ કાનુન બાબતે વિપક્ષોએ એકજૂટ થઈને ભારે હોહા…હંગામો મચાવી દેતા સવારના ૧૦-૫૦ થી ૧૦-૩૦ સુધી ગૃહનું કાર્ય સ્થગિત કરી દેવું પડયું હતું…પરંતુ ફરી સંસદ બેઠક મળતા વિપક્ષોની ભારે હોવાને કારણે આવતીકાલ સુધી મુલતવી રાખવું પડ્યું છે. દરમિયાન દિલ્હી રાજ્યની સિંધુ, ટિકરી અને ગાજીપુર બોર્ડર પર આંદોલનકારી ખેડૂતોની સંખ્યા સતત વધતી જઈ રહી હોવાથી ખેડૂતો તેમના ટ્રેક્ટરો સાથે દિલ્હીમાં પ્રવેશ કરે નહી તે માટે પોલીસના સધન બંદોબસ્ત સાથે દરેક પ્રવેશ માર્ગો પર કાંટા તારની વાડ, બેરિકેડિંગ, દીવાલો ઊભી કરી છે ખાઈઓ ખોદી નાખી છે તો મજબૂત અણીયારા લોખંડના સળીયા ગોઠવી આડશો ઉભી કરી દેવામા આવી છે. બીજી તરફ શિવસેના સાંસદ સંજય રાઉત ગાજીપુર આદોલનકારી ખેડૂતોની મુલાકાતે પહોંચી ગયા છે.જ્યારે કે શિવસેનાએ ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કરવા સાથે કૃષિ કાનુનનો અમલ નહીં કરવાની જાહેરાત કરી છે. ટૂંકમાં નવા કૃષિ કાનુન મુદ્દે સંસદ ગાજતી રહેશે…. કેટલો સમય ચાલશે…. કે સ્થગિત થશે…..?! તે કહી શકાય નહીં…. પરંતુ રાજહઠ અને ખેડૂત હઠ બરાબર ટકરાશે….! તેવા આસાર બની રહ્યા છે…..!
ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર થઈ ગયો તેની સાથે ભાજપા તથા કોંગ્રેસ પક્ષમાં ઉમેદવારોની લાઈનો લાગી ગઈ છે. તો વિવિધ રીતે ટિકીટ વાચ્છુઓ લોબિંગ અને દાવેદારી કરવા સાથે નેતાગીરી પર દબાણ વધારી દીધું છે જેમાં બંને પક્ષમાં બળવો થવાની ભીતિ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રાદેશિક બેઠક મળતા પહેલાં જ એવો ધડાકો કરી નાખ્યો કે ભાજપમાં હડકંપ મચી ગયો તેમજ ભાજપ પ્રદેશ કારોબારી એ પણ એ જ પ્રકારનો નિર્ણય લીધો…. જેમાં ૬૦ વર્ષથી ઉપરની ઉંમરનાને ટિકિટ નહીં આપવાની,૩ ટર્મ સુધી ચૂટાયેલાને ટિકિટ નહીં આપવાની તેમજ નેતાઓના- હોદ્દેદારોના ભાઈ,ભત્રીજા કે સગાને પણ ટિકિટ નહીં આપવાની. આ નિર્ણયને કારણે યુવાવર્ગમાં ઉત્સાહ વ્યાપી ગયો છે અને આનંદની લહેર ફરી વળી છે. તો ભાજપ નેતાગણે એવો સંદેશો પણ આપી દીધો છે કે દેશમાં યુવાધન વધુ છે તેમને પણ તક મળવી જોઈએ. ટૂંકમાં યુવાનોને પ્રાધાન્ય આપ્યું છે અને આ કારણે અનેક કહેવાતા મોટા દાવેદારોના નામો કપાઈ જવાના છે.આ નિર્ણયને લઈને કાર્યકરો વચ્ચે સવાલી વાત ચર્ચાઈ રહી છે કે ગુજરાત ભાજપ પ્રમુખ દ્વારા લીધેલા નિર્ણયનો અમલ થશે કે પછી છાપાની હેડલાઇન તો નથીને…? છતાં પણ આ નિર્ણયનો રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અમલ કરવામાં આવશે કે કેમ…..? જો કે આ નિર્ણય આવકારદાયક છે…. પરંતુ કોંગ્રેસ હજુ કોઈ નિર્ણય કરી શકી નથી છતાં પણ વડોદરા, રાજકોટ, ભાવનગર, સુરત, જામનગર વગેરે મહાનગર પાલિકાઓના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જ્યારે કે અમદાવાદ મનપા માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી નથી કારણ…. બળવો થવાની સ્થિતિ પેદા થશે તેવી શંકા કોંગ્રેસીજનો વ્યક્ત થઈ રહ્યા છે……!?