ગુજરાતમાં ૨૧ સપ્ટે.થી શાળાઓ નહીં ખૂલેઃ કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય

0
9
Share
Share

અનલૉકની નવી ગાઇડલાઇનમાં ૨૧ સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવાની શરતોને આધીન મંજૂરી આપી હતી, જેમાં ધોરણ ૯-૧૨ના વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષકો વિમર્શ માટે બોલાવી શકશે

ગાંધીનગર,તા.૧૬

રાજ્યમાં આગામી ૨૧મી સપ્ટેમ્બરથી શાલા નહીં ખુલે. રાજ્યના મંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર વતી શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરી હતી.   કોરોના વાયરસનાં વધતા સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા માટે મહત્તવના સમાચાર આવ્યાં છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે. કોરોનાની પરિસ્થિતિમાં સરકારે કહ્યું કે, દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે.

આજે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.  નોંધનીય છે કે, આ પહેલા રાજ્ય સરકારે ગુજરાતમાં કોરોનાના કેસ નોંધતા ગુજરાતની તમામ શાળા કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૬ માર્ચથી બે અઠવાડીયા માટે એટલે કે ૨૯ માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ જેમ જેમ કોરોના બેકાબૂ બનતો ગયો તેમ તેમ સ્કૂલ વેકેશન લંબાવવામાં આવ્યું હતું. બોર્ડ સિવાયનાં તમામ ધોરણોનાં બાળકોને આગળનાં ધોરણમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. આમ લગભગ ૬ મહિનાથી સ્કૂલો વિદ્યાર્થીઓ માટે બંધ છે પરંતુ ઓનલાઇન ભણતર ચાલુ છે.

દરમિયાન અનલૉકની નવી ગાઇડલાઇનમાં ૨૧ સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવાની શરતોને આધીન મંજૂરી આપી હતી. જેમાં ધોરણ ૯-૧૨ના વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષકો વિમર્શ માટે બોલાવી શકશે. તેમજ ઓનલાઇન એજ્યુકેશન માટે પણ શાળાઓ ૫૦ ટકા સ્ટાફ બોલાવી શકશે. પરંતુ આજે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શાળાઓ ન ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના હજુ સુધી કાબૂમાં નથી આવ્યો. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં રોજના ૧૩૦૦થી પણ વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદ અને સુરત બાદ રાજકોટમાં હવે કોરોના બેકાબૂ બની રહ્યા છે, ત્યારે સ્કૂલો ખોલવી જોખમી સાબિત થઈ શકે તેમ છે. કેન્દ્ર સરકારે આ મહિનાની શરુઆતમાં સ્કૂલોને મર્યાદિત રીતે ખોલવાની મંજૂરી આપ્યા બાદ વાલીઓમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. ઉત્તર પ્રદેશ સરકારે પણ ૨૧મીથી સ્કૂલો નહીં ખૂલે તેવો સ્પષ્ટ અંદેશો આપી દીધો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here