ગીરનારની લીલી પરિક્રમા બંધ રાખવાનાં રાજ્ય સરકારનાં નિર્ણયથી ભાવિકો નારાજ !

0
25
Share
Share

જુનાગઢ તા. ૧૭

અંતે ગિરનારની લીલી પરિક્રમા બંધ રાખવાનો સરકારે નિર્ણય લીધો હોવાનું જાણવા મળતાની સાથે જ ગિરનાર અને તેમાં બિરાજતા દેવી-દેવતાઓની પાવન પ્રદિક્ષણા કરવા આતુર એવા લાખો ભાવિક ભક્તજનો અને પ્રકૃતિનો ખોળો ખુંદવા લીલી પરિક્રમા કરવા ઇચ્છતા લોકોમાં ભારોભાર નારાજગી પ્રસરી જવા પામી છે.   કોરોનાની મહામારી ના કારણે આ વર્ષે તમામ જ્ઞાતિઓના ધાર્મિક પ્રસંગો અને પાવન દિવસોની ઉજવણી થવા પામી નથી અને નવલી નોરતાની રાત પણ રાસ ગરબા રમાયા વગર  ભાવિકોને ઘરમાં બેસી ઉજવણી કરવાનો સમય આવ્યો છે ત્યારે આ વખતે દેવઉઠી એકાદશી એટલે કે દેવ દિવાળી થી શરુ થનારી ગિરનારની પાવનકારી પરિક્રમાં બંધ રાખવાનો સરકારી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોવાનો જાણવા મળી રહ્યું છે. ગરવા ગિરનારની ગોદમાં આવેલ ભવનાથ ખાતેથી દેવ ઉઠી એકાદશી એટલે કે દેવ દિવાળીથી શરુ થતી પાંચ દિવસની ૩૬ કી.મી લાંબી તથા મુશ્કેલી ભરી, સાહસિક ચડાવ-ઉતાર વચ્ચેની પરિક્રમામાં દર વર્ષે લગભગ ૧૦ લાખ જેટલા ભાવિકો પરિક્રમામાં જોડાતા આવ્યા છે, અને જીણા બાવાની મઢી, માળવેલા, નળ પાણીની ઘોળી અને બોરદેવી જેવા જંગલ વિસ્તારમાં આવેલ સ્થાનો પર રાતવાસો કરી યાત્રિકો પાંચમા દિવસે ભવનાથ ખાતે પરત ફરે છે, કુદરતના ખોળે ખૂંદવા આતુર અને ગિરનારમાં બિરાજતા  તેત્રીસ કરોડ દેવતા અને ચોસઠ જોગણીઓ, સાથે યોગી, જોગીઓની આરાધનાને પ્રદિક્ષણા કરવાના આ પાવન અવસરની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે, ત્યારે આ વર્ષે કોરોના ના કારણે સરકાર દ્વારા પરિક્રમા બંધ રાખવાનો કપરો નિર્ણય નિર્ણય લેવાની ઘડી આવી છે ત્યારે ભાવિક ભક્તજનોમાં ભારોભાર નારાજગી પ્રસરી જવા પામી છે.  જૂનાગઢના ગરવા ગિરનારની લીલી પરિક્રમાની પરિક્રમાનો ઇતિહાસ જોઇએ તો સૌ પહેલા વનવાસ દરમિયાન પાંડવોએ ગિરનાર પર્વતની પરિક્રમા કરી હોવાની અને તેના પરિક્રમા પથ પર અનેક જગ્યાએ સ્વયંભૂ અને સ્થાપિત શિવલિંગ આજે પણ બિરાજતી હોવાની લોક વાયકાઓ છે. બાદમાં બીલખા નજીકના એક ગામમાં રહેતા અજા ભગત નામના શિવભક્તે પોતાની મેળે ગિરનાર પર્વતની પરિક્રમા શરુ કરી હતી, કાળક્રમે આ પરિક્રમામાં અનેક લોકો જોડાતા ગયા હતા અને આ પરિક્રમા દામોદર કુંડથી જે તે વખતે શરુ થતી હોવાની વાતો છે, જો કે, બાદમાં અજા ભગત દેવલોક પામતાં સંતો દ્વારા પરિક્રમા શરુ કરવામાં આવી હતી અને આ પરિક્રમાને દસકાઓ વીતી ગયા બાદ ક્યારેય પરિક્રમા બંધ ન રહી હોવાનું ભાવિકો માંથી સંભળાઈ રહ્યું છે. ત્યારે પરિક્રમાના ઇતિહાસમાં કદાચ સૌ પ્રથમ વખત આ વખતે કોરોના એ ગ્રહણ સર્જી દેતા પરિક્રમા બંધ રખાવવા સરકારને આકરો નિર્ણય લેવા મજબૂર કર્યા હોવાનું વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે. દર વર્ષે યોજાતી આ લીલી પરિક્રમામાં લાખો લોકો જોડાતા હોવાથી અનેક સેવાકીય, સામાજિક સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા પરિક્રમાના રુટ ઉપર રહેવા, જમવા, ચા, પાણી, શરબત સહિતના પંડાલ લગાવવામાં આવતા હતા અને લાખો લોકો આ સેવાભાવી સંસ્થાઓના ઉતારા તથા અન્નક્ષેત્ર નો લાભ મેળવી રહ્યા હતા ત્યારે આવી સંસ્થાઓ દ્વારા અત્યારથી જ લોકોની સેવા કરવા માટેની સંપૂર્ણ તૈયારીઓ આદરી દેવામાં આવી હતી ત્યારે આજે સરકારી તંત્ર દ્વારા આવો નિર્ણય લેવા આવ્યો હોવાની વાત વહેતી થતાં ઉતારા મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ ભારે નારાજ થઈ છે હોવાના પુરાવા મળી રહ્યા છે. બીજી બાજુ પરિક્રમા દરમિયાન લાખો લોકો પરિક્રમામાં જોડાતા હોવાથી જૂનાગઢમાં લાખો રુપિયાની આમદાની મોટા વેપારીઓથી લઈ નાના મજૂરો સુધીના લોકો ને થતી હતી અને ગુજરાત ભરમાંથી નાના મોટા વેપારીઓ આ પરિક્રમા દરમ્યાન વેપાર ચલાવી પોતાનું પેટીયું રળતા હતા ત્યારે પરિક્રમા બંધ રહેતા જૂનાગઢના રેકડી વાળા થી લઈને રીક્ષા અને ચાની કીટલી થી લઈને જથ્થાબંધ વેપારીઓ પણ આર્થિક ઉપાજર્ન અટકશે તેની ચિંતામાં ખોવાઈ જવા પામ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here