અત્યાર સુધીમાં ૨ લાખ લોકોએ રોપ-વેની માજ માણી
જૂનાગઢ, તા.૧૩
પેસેન્જર રોપવે ક્ષેત્રે પાયોનિયર ગણાતી ઉષા બ્રેકોએ વિકસાવેલા ગિરનાર રોપવેનું ટુરિઝમ એવોર્ડ ૨૦૨૦માં ગુજરાતના શ્રેષ્ઠ અનોખા પ્રવાસન આકર્ષણ (બેસ્ટ યુનિક ટુરિઝમ એટ્રેક્શન ઓફ ગુજરાત)’ તરીકે બહુમાન કરાયું છે.સોમવારે ગિફ્ટ સીટી ખાતે યોજાયેલા ભવ્ય એવોર્ડ સમારંભનું મુખ્ય મંત્રી વિજય રુપાણીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
પ્રવાસન પ્રધાન જવાહર ચાવડા અને પ્રવાસન રાજ્ય પ્રધાન વાસણભાઈ આહિરના હસ્તે ઉષા બ્રેકોના ગિરનાર રોપવે પ્રોજેક્ટનું બેસ્ટ યુનિક ટુરિઝમ એટ્રેક્શન ઓફ ગુજરાત’ બહુમાન કરાયું હતું.ઉષા બ્રેકો વતી આ એવોર્ડ, ઉષા બ્રેકોના રિજીયોનલ હેડ, દિપક કપલીશે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
ઉષા બ્રેકોએ ગિરનાર રોપવેનું નિર્માણ રુ.૧૩૦ કરોડના ખર્ચે કર્યું છે અને આ રોપવેની ગણના દેશના અત્યંત આધુનિક રોપવે તરીકે થાય છે.
આ રોપવે દુનિયાનો સૌથી લાંબો ટેમ્પલ રોપવે પણ છે. આ રોપવે ગિરનાર અને જૂનાગઢમાં પ્રવાસન પ્રવૃત્તિના વિકાસમાં ઉદ્દીપક ભૂમિકા ભજવશે અને ગિરનાર, સોમનાથ અને દ્વારકાના પવિત્ર ત્રિકોણીય પ્રવાસન વિકાસને વેગ આપશે. તા.૨૪ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવે ખૂલ્લો મૂકાયા પછી અત્યાર સુધીમાં આશરે ૨ લાખ જેટલા પેસેન્જરનું પરિવહન કરી ચૂક્યો છે.