ગાંધીનગરમાં પારો ૧૪ ડીગ્રી ઉપર : રાજ્યમાં ઠંડીનું જોર

0
26
Share
Share

આગામી દિવસોમાં દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડે એવી કડકડતી ઠંડી પડવાની હવામાન ખાતાની આગાહી

ગાંધીનગર, તા. ૧૨

ગાંધીનગર શહેર અને જિલ્લામાં સુસવાટા મારતી ઠંડીનો તબક્કો શરૂ થઇ ગયો છે. લઘુત્તમ તાપમાનનો પારો ૧૪ ડિગ્રી નીચો જતાં મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. ચાલુ વર્ષે ગાંધીનગર શહેરમાં ૧૧મીને બુધવારે મૌસમનું સૌથી નીચુ તાપમાન નોંધાયુ છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ઘટીને ૧૪ એને મહત્તમ તાપમાનનો પારો ૩૨.૬ ડિગ્રી નોંધાયુ છે. પાટનગરમાં દિવાળીના તહેવાર દરમિયાન ઠંડીનો ચમકારો વધશે, તેમ સ્થાનિક હવામાન સૂત્રો જણાવી રહ્યાં છે.

છેલ્લા અઠવાડિયાથી લઘુત્તમ તાપમાનનો પારો સતત નીચે જઇ રહ્યો છે. આગામી સમયમાં મહત્તમ તાપમાન પણ નીચે જવાથી શહેરીજનોને દિવસે પણ ગરમ વસ્ત્રો ધારણ કરવા પડશે. જો કે ઠંડીનું પ્રમાણ વધવાના પગલે મોડી સાંજથી પાટનગરના સેક્ટરોની સરકારી વસાહતો સુમસામ થવા લાગી છે અને સેક્ટરોની વસાહતોમાં લોકો ઘરમાં પુરાઇ રહેવા લાગ્યા છે. ઉલ્લેખનિય છે કે ગત વર્ષે ૨૬મી ડિસેમ્બરના રોજ લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી નોંધાયુ હતું. ત્યારે ચાલુ વર્ષે ૧૧મી નવેમ્બરના રોજ લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી નોંધાયુ છે. એટલે કે એક મહિના પહેલા શિયાળાની ઋતુએ તેનો મિજાજ દેખાડવાનો શરૂ કરી દીધો છે.

હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ડિસેમ્બર માસના અંતિમ દિવસોમાં ઠંડીનો ચમકારો હાડ થિજાવી દે તેવો અસહ્ય બની શકે છે. ગત વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન ગાંધીનગર શહેરમાં સૌથી નીચુ તાપમાન ૧૧.૫ ડિગ્રી તા. ૧૮મી ડિસેમ્બરના રોજ નોંધાયુ હતું. તે પછી વાતાવરણમાં પલ્ટો આવતાં તાપમાન ઉંચુ જવા લાગ્યુ હતું અને ઠંડીના પ્રમાણમાં ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી હતી. સ્થાનિક હવામાન ખાતાના જણાવ્યા અનુસાર બુધવારે તાપમાનનો લઘુત્તમ પારો ઘટીને ૧૪ ડિગ્રી અને મહત્તમ પારો ૩૨.૮ ડિગ્રી નોંધાયો હતો. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૬૭ ટકા અને સાંજે ઘટનીને ૫૯ ટકાએ અટક્યુ હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here