બે માસ બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો, ત્રણ અન્યની શોધખોળ
ભુજ, તા.૨૭
ગાંધીધામના પડાણામાં આવેલી કરોડો રૂપિયાની લગડી જેવી જમીન વૃઘ્ધ માલિકને અંધારામાં રાખી બોગસ આધાર કાર્ડ અને પાનકાર્ડ મારફતે વચી મારવાના કૌભાંડમાં સુત્રધારની એલસીબીએ ધરપકડ કરી છે. બીજલ મહેતા નામના શખ્સે બનાવેલી બાગેશ્રી ટાઉનશીપ-૫ માં રહેતા સન્મુખ રાવ નામના શખ્સની એલસીબીએ ધરપકડ કરી છે.
હાલ ગાંધીનગરના અડાલજમાં રહેતા ૭૫ વર્ષના અમૃતલાલ ભાણજીભાઈ શાહે ૧૯૮૯ માં પડાણાના માદેવ નારાણ અને માદેવા માંજા નામના બે સહોદર પાસેથી અઘાટ વેચાણથી જમીન ખરીદી હતી. ૨૦૧૪ માં તેમણે ઉદ્યોગ અને વાણિજ્ય હેતુથી આ જમીન બીનખેતીમાં ફેરવી હતી. દરમિયાન ૩૦-૯-૨૦૨૦ ના રોજ ગાંધીધામ સબ રજિસ્ટ્રાર કચેરીમાં અમૃતભાઈની જાણ બહાર તેમના નામના બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ રજૂ કરી, ખોટી સહી કરી કોઈ શખ્સે આ જમીન સન્મુખ રાવને ૧ કરોડ ૩૯ લાખ ૭૧ હજારમાં વેચી મારી હતી. સન્મુખ રાવે આ જમીન પોતાના નામે મૂળ માલિકે આરટીઆઈ હેઠળ અસલ દસ્તાવેજો કઢાવતા તેમને કૌભાંડ આચરાયું હોવાની ખબર પડી હતી. બોગસ દસ્તાવેજો મારફતે જમીન વેચાણના ગોરખધંધામાં તથા કથિત રીતે મુંબઈ રહેતા ભાવેશ દિનેશ રાઠોડ અને વિરેન્દ્ર સુરેશ પટેલ ખોટા સાક્ષી બન્યા હોવાનું સ્પષ્ટ થયું હતુ. દરમિયાન, સન્મુખ રાવે મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકની ગાંધીધામ બ્રાન્ચમાંથી આ જમીનના નામે લોન મેળવી તેના પર બોજો દર્શાવવા પ્રયાસો કર્યા હતા. સમગ્ર મામલો સ્પષ્ટ થતા અમૃતલાલે ગત ચોથી નવેમ્બરે પોતાનુ બોગસ નામ ધારણ કરનારા શખ્સ અને તેની પાસેથી જમીન ખરીદનારા સન્મુખ રાવ, સાક્ષી બનનારા ભાવેશ રાઠોડ અને વિરેન્દ્ર પટેલ મળી ચાર લોકો સામે એફઆઈઆર નોંધાવી હતી.