ગાંધીધામ : ચોરાઉ ગાડી વેંચી ગ્રાહક પાસેથી રૂા.૭.૭૦ લાખ પડાવી લેતો વાહન દલાલ

0
16
Share
Share

ભુજ, તા.૮

ગાંધીધામના વાહન દલાલે ત્રણ વર્ષ પહેલા કાર ચોરીની હોવાનું જાણતા હોવા છતા રૂા.૭.૭૦ લાખ ભચાઉના ટ્રાવેલર્સ પાસેથી લઈ વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ ભચાઉ પોલીસ મથકે નોંધાઈ છે. ભચાઉના ભટ્ટ પાળીયા વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગ કરતા કાનજીભાઈ હીરાભાઈ રાઠોડને ધંધા માટે કાર લેવાની હોઈ તેમના અંજાર રહેતા મિત્રો મનસુખભાઈ ઉગાભાઈ ખામ્ભુ તથા પંકજભાઈ મુકેશભાઈ પંડ્યાને વાત કરતા તેમણે ગાંધીધામના વી.કે.ઓટોફિલ્ડના મહેશ ઉર્ફે મનોહરસિંહ મંગલસિંહ રાજપુત સાથે મુલાકાત કરાવી હતી. તા.૨૧ ઓગષ્ટ ૨૦૧૭ ના રોજ તેમની પાસેથી રૂા.૭,૭૦,૦૦૦ ની કિંમતની ૨૦૧૭ ના મોડેલની ટ્રાવેરા કાર ખરીદી હતી જે પૈકી ડાઉન પેમેન્ટના ૧,૨૦,૦૦૦ ભરી ગાડીનો કબ્જો લીધો હતો. બાકીની ૬,૫૦,૦૦૦ ની ફાઈનાન્સ કંપનીની લોન કરાવી હતી. જે તેમના એચડીએફસી બેંક એકાઉન્ટમાં જમા થઈ હતી જેમાંથી રૂા.૧,૬૦,૦૦૦ નો ચેક શૈલેષભાઈ હરીભાઈના નામનો મહેશ ઉર્ફે મનોહરસિંહને આપ્યો હતો અને બીજો રૂા.૧,૬૦,૦૦૦ નો ચેક ભચાઉ બ્રાન્ચના મનોહરસિંહ ઉર્ફે મહેશભાઈ મંગલસિંહ રાજપુતના નામનો આપ્યો હતો બાકીના રૂા.૩,૩૦,૦૦૦ રોકડા ખાતામાંથી ઉપાડી મહેશની ઓફિસમાં સુરેશભાઈ છગનભાઈ વાઘેલા અને મનસુખભાઈ ખાંભાની હાજરીમાં આપ્યા હતા. ત્યારબાદ દોઢ મહિના પછી ડીસીબી ક્રાઈમ બ્રાન્ચ સુરતે ગાડીની આરસી બુકમાં તેમનું નામ હોઈ સંપર્ક કર્યો હતો અને આ ગાડી ચોરીની હોવાનું જણાવતા છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો પરંતુ જે તે સમયે ડીસીબી સુરત ક્રાઈમ બ્રાન્ચમાં તપાસ ચાલુમાં હોઈ આ બાબતે ફરિયાદ ત્રણ વર્ષ બાદ તેમણે નોંધાવી હોવાનુ જણાવ્યું હતુ.

ભુજ : મહિલાની નજર ચુકવી ૮ હજારનાં પર્સની તફડંચી

ભુજના ધમધમતા વાણિયાવાડ વિસ્તારમાં બુધવારે એક મહિલાની નજર ચુકવી ગઠિયાઓ પાકીટ ચોરી કરી જતા દોડાદોડ થઈ હતી. જોકે અહીંના યુવાનોએ આરોપીઓનો પીછો કરી તેઓને પકડી પાડયા હતા અને પાકીટ પરત લઈ મહિલાને સોંપ્યું હતુ.

આ અંગે મળતી વિગતો મુજબ વાણિયાવાડમાં ડોસાભાઈની પ્રતિમા પાસે આ બનાવ બન્યો હતો. અહીં રામાણિયા ગામના એક મહિલા ખરીદી કરી રહ્યા હતા. મહિલાનું ઘ્યાન ન હતુ ત્યારે આરોપીઓ પાકીટ ઉપાડી ભાગી ગયા હતા ત્યાર બાદ મહિલાએ રાડારાડ કરી હતી. આસપાસ ઉભેલા લારી ધારકોને અહીંથી ભાગેલા કેટલાક યુવાનો પર શક ગયો હતો. વાણિયાવાડ વિસ્તારની સક્રિય સંસ્થા રોયલ ફાઉન્ડેશનના પ્રમુખ અનવર નોડેને જાણ કરાઈ હતી. અને તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. અંતે છેક આરટીઓ પાસે આ શખ્સો મળી આવતા તેઓને પકડી પડાયા હતા. આ શખ્સોએ ચોરી કબુલ કરી પાકીટ પરત કર્યુ હતુ.

અંજાર : ગૌશાળામાંથી દોઢ લાખની ચોરી

ગાંધીધામ અંજાર તાલુકાના ચાંદ્રાણીની સીમમાં આવેલા વડવાળા હનુમાન મંદિરની સેવા પુજા તેમજ હનુમાન ગૌશાળાનુ સંચાલન કરતા ૬૧ વર્ષીય રામચરણદાસ કેશવદાસ વૈષ્ણવ ગૌશાળાના અને મંદિરના સંચાલન સાથે ગૌશાળાની દુકાન પણ ચલાવે છે. તા.૪/૧૦ ના રાત્રે તેઓ દુકાનમાં જ સુઈ ગયા બાદ વહેલી પરોઢે દુકાનનો દરવાજો બંધ કરી ગૌશાળાની રીક્ષામાં ચાંદ્રાણી ગામમાં રહેતા ગયો હતો અને અડધા કલાકમાં જ ગૌશાળા પરત ફર્યા હતા ત્યારે દુકાનના દરવાજાનો નકુચો તુટેલો જોવા મળતા અંદર જઈને તપાસ કરી કાઉન્ટરનુ ખાનુ જ જોવામાં ન આવ્યું તથા પતરાની પેટી હતી એ પણ જોવા મળી ન હતી. પતરાની પેટીમાં રૂા.૧,૫૦,૦૦૦ રાપર (ખોખરા) ગામના દાતાઓએ ગાયોના ચારા માટે આપેલા દાનની રકમના રાખેલા હતા અને કાઉન્ટરમાં રૂા.૨૦૦૦ રોકડ હતી તેના સહિત કુલ રૂા.૧,૫૨,૦૦૦ ની ચોરી થઈ હોવાનો ખ્યાલ આવતા આ બાબતે પહેલા જાતે તપાસ કર્યા બાદ આ બાબતે તેમણે દુધઈ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

ભુજ : પાણીનાં ટાંકામાં ડુબતા બાળકીનું મોત

ભુજ તાલુકાના પઘ્ધર ગામ નજીક આવેલી ભવાની મીનરલ્સ નામની ફેકટરી પાસે આવેલા પાણીના ટાંકામાં ડુબી જવાથી શ્રમજીવીની ૫ વર્ષની બાળકીનું જી.કે.માં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. જેથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ બનાવ મંગળવારે મોડી સાંજે બન્યો હતો. ભવાની મીનરલ્સમાં કામ કરતા મુળ દાહોદના શ્રમજીવી મહેશભાઈ મોતીભાઈ ભાભોરની ૫ વર્ષની પુત્રી હિરલ રમતા રમતા ફેકટરી પાસે આવેલા પાણીના કુંડામાં પડી ગઈ હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ આવતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતુ. પઘ્ધર પોલીસે બનાવની નોંધ લઈ તપાસ હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here