ગણપતિ બપ્પા મોરિયા

0
54
Share
Share

ભાદરવા સુદ-ચોથ એ મહાસિદ્ધિ વિનાયકી ચોથ કહેવાય છે, જે છે ’વિઘ્ન હર્તા’ દાદા ને વહાલ કરવાનો અવસર આ દિવસે ગણેશજીન પ્રાદુર્ભાવ થયેલો, એ તો ગણોનાં અધિપતિ છે, એટલે જ ’રાષ્ટ્ર નેતા’ લોકમાન્ય તિલકે ગણપતિને ’રાષ્ટ્રીય દેવતા’ રૂપે વધાવીને ’ગણેશોત્સવ’ પ્રારંભ કર્યો.જટાધારી શિવ દેવોના દેવ ’મહાદેવ’ કહેવાયા, તો એમના પુત્ર ’ગજાજન’ને ’રાષ્ટ્ર નાયક’ નાં જેવું ગણપતિનું બિરુદ મળ્યું. હસ્તિમુખ ગણપતિ તો ઓમકારના પ્રતિક સમાન છે. તેમની આકૃતિ પણ ’ઓમ’ નું સ્મરણ કરાવે છે. જેમ પ્રત્યેક મંત્રનો પ્રારંભ ’ઓમ’ થી થાય છે. તેમ સર્વે શુભ-માંગલિક કાર્યોનો શુભારંભ ગણેશજીનાં પૂજન-અર્ચનથી થાય છે.’ગણેશ-પુરાણ’ મુદ્ગલ પુરાણની કથાઓ અનુસાર, માતા પાર્વતીએ સ્નાનચૂર્ણની માટીનાં પિંડમાંથી એક પ્રતિમા બનાવેલી. જેમાં પ્રાણત્ત્વ સંચાર કરીને એક સંતાન પુત્રનું સર્જન કર્યું. એ ભાદરવા માસની સુદ ચોથ હતી. એક સમયે ક્રોધમાં આવીને પિતા શંકરે પોતાના પુત્રને અજાણતાં જ ’ગજાજન’ એટલે કે હાથીના મુખવાળા કરી નાખ્યા. ત્યારે માતા પાર્વતીએ કુરુપ- અને કઢંગા બની ગયેલા પુત્રને જોઈને દુઃખ થયું. તેમણે પતિ આગળ વેદના વ્યક્ત કરી. એ વખતે શિવજીએ વરદાન આપ્યું.’ દેવી પાર્વતી’ આ આપણો પુત્ર ગણોનાં ગણપતિ થઈને આધિપતિ થશે. સંસારમાં કોઈ શુભ-મંગલ કાર્ય ગણેશની વિઘ્નહર્તા તરીકે સર્વપ્રથમ પૂજા કરીને પ્રારંભ કરવામાં આવશે. તેમણે પુત્રની  પ્રાગટયતિથિને ’સંકષ્ટ હર’ ચતુર્થીરુપે પ્રતિષ્ઠિત કરતાં પિતા શિવે કહ્યું, ’હે ગજાજન ! તારો જન્મ ભાદરવા સુદ ચતુર્થીએ, શુભ ચંદ્રદય વેળાએ થયો છે. તેથી દરેક માસની સુદ અને વેદ ચતુર્થીએ તારું પૂજન-વ્રત કરનારા સર્વ વિઘ્નોમાંથી મુક્ત થઈને પોતાની સર્વ મનોકામના સિધ્ધ કરશે.ગણેશજીનો જન્મ ચંદ્રોદયવેળાએ થયેલો. વળી શિવજીનાં મસ્તકનાં ચંદ્રનો અંશ શ્રી ગણેશનાં મસ્તકે શોભે છે. શ્રી ગણપતિવ્રત ચોથનાં ચંદ્રનું દર્શન મંગળકારી મનાયું છે. પરંતુ ભાદરવા સુદ ચોથનું દર્શન વર્જ્ય મનાતું હતું.આ વિષેની એક પૌરાણિક વ્રત કથા જાણીતી છે. એક વાર ચંદ્રે ગણેશજીના બેઢંગ શરીરની ખડખડાટ હસીને મશ્કરી કરી. આથી ગણેશજીએ ચંદ્રને શાપ આપ્યો કે ભાદરવા સુદ ચોથને દિવસે ચંદ્રને જોશે તો તેને કલંક લાગશે, એના પર આપત્તિ આવશે. શાપનાં નિવારણ માટે દેવોની વિનંતીથી બ્રહ્માજીએ ઉપાય બતાવ્યો. ભાદરવા સુદ ચોથે, ગણેશજીની મૂર્તિની સ્થાપના કરીને તેની પૂજા-આરતી ઉપાસના કરવી. નૈવેદ્યમાં લાડુ ધરાવીને છેલ્લે મૂર્તિનું વાજતે-ગાજતે નદીમાં વિસર્જન કરવું. આવું કરવાથી ચંદ્ર શાપ મુક્ત થશે, અને એનાં દર્શન થઈ શક્શે.આ વ્રત કથાને લીધે આજેપણ ’ગણેશોત્સવ’ રાજસી ઠાઠથી ધામધૂમથી ઉજવાય છે. ગણેશ ચતુર્થીએ ગણપતિજીની પાર્થિવ માટીની મૂર્તિની વાજતે- ગાજતે પધરામણી કરી સ્થાપના કરાય છે. ત્યાં ષોડશોપચાર પૂજન- અર્ચન કરી, મંગલ- આરતી ઉતરાય છે. અનંત ચૌદશનાં રોજ ભારે ધામધૂમથી નદી-સમુદ્રમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.વર્તમાનની અભૂતપૂર્વ કટોકટીનાં કપરાકાળમાં વિઘ્નહર્તા, સંકટનો નાશ કરનારા, ગણેશજીને આપણે આ ગણેશચતુર્થીએ પ્રાર્થના કરીએ કે,

’સુખકર્તા, દુઃખહર્તા વાર્તા વિઘ્નાસી,

હે વિઘ્નેશ્વરાય, સંક્ટ હરો, સંક્ટ હરો.

’નમામિ દેવ સકલાર્થદંત્‌,

સુવર્ણ વર્ણ ભૂજ ગોપવીતમ્‌ ।।

ગજાજન ભાસ્કર મંકદન્તં,

લમ્બોદર વારિભાવ સનં ચ ।।’

ભાવાર્થઃ હું ભગવાન ગજાજનને વંદન કરું છું, જે સૌની સર્વે કામનાઓને પૂર્ણ કરનારા છે. તેઓ સુવર્ણ અને સૂર્ય સમાન દૈદીપ્યમાન ક્રાંન્તિથી ચમકી રહ્યા છે. સર્વનો યજ્ઞાોપવીત ધારણ કર્યો છે. તેઓ એકંદત ધારી છે. લંબોદર છે તથા તેઓ કમળનાં આસન પર બિરાજમાન છે.હિન્દુ સંસ્કૃતિમાં પ્રતીકોનું વિશિષ્ટ મહત્ત્વ છે. દરેક દેવી-દેવતા સાથે સંખ્યાબધ પ્રતીકો, મૂર્તિઓ જોડાયેલા છે. મોટા ભાગના આ પ્રતીકો રોજ બરોજનાં પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાય છે. તો તેની પાછળનાં તર્ક અને અર્થો સમજવા જરૂરી છે, કેમકે તેના વિના દેવ-દેવીઓની પૂજા સાર્થક થતી નથી.આ સંદર્ભમાં ’ગણેશ ચતુર્થી’ એ ગણપતિ મહારાજને સાચા અર્થમાં સમજવાનો પ્રયત્ન કરીએ. વિનાયકનું મસ્તક હાથીનું છે, જે સાધારણ હાથીનું નથી, પણ ’શ્વેત ઐરાવત’નું મસ્તક છે. એટલે ગણેશજીમાં હાથી જેવી બુદ્ધિ, યાદશક્તિ, સમતુલન અને તાકાત સમાયેલા છે. મહાભારતનાં લીપી લેખનનાં સ્વામી ગણેશજી, સાત્વિક બુદ્ધિનાં માલિક તો છે જ, પણ એ સાથે જ અતુલિત બળ ધરાવનારા પણ છે. તેઓ બુદ્ધિથી બળને નિયંત્રણ કરે છે. માટે જ તેઓ ગજાજન કહેવાયા. બુધ્ધિનાં નિયંત્રણ વિનાની શક્તિ વિનાશ કારી છે.ચાર હસ્તધારી ગણેશજીનાં ઉપરનાં જમણા હાથમાં કુહાડીનાં ફણા સાથેનું અંકુશ છે તો ડાબા હાથમાં પાશ એટલે કે દોરડા સાથે કમળ છે. અંકુશ એ નિયંત્રણનું પ્રતીક છે. પાશ નિયંત્રણ જાળવી રાખવા, સમતુલનને જાળવી રાખવા માટે જરૂરી છે. ચંચળ મનને બાંધી રાખવા માટે પાશ એટલે અક્કલ, ડાબા હાથમાનું કમળ, પવિત્રતા, નિર્લેપતા, પ્રેમનાં પ્રતીક સમાન છે. તે સૌને સંસારમાંનાં સર્વે ભૌતિક સુખ-સગવડો વચ્ચે પણ નિર્વિકાર રહેવાનું શીખવે છે. હાથી જેવા મોટા સૂપડાં જેવા કાન, શ્રવણ કલાનું મહત્વ સમજાવે છે. બુધ્ધિને વિકસિત કરવા, અન્યોની વાતો, વિચારો સાંભળવા પડે. આ પ્રમાણે ગણાધીશ બીજાનાં મંતવ્ય સમજવાનું મહત્ત્વ સમજાવે છે.ભગવાન શિવજી ’ગજાતંક’ કહ્યા છે, અર્થાત હાથીને હણનારા. જે પિતા હાથીને હણી શકે, તેના પુત્ર ’ગજાજન’ બને, એ તો કેવો વિરોધાભાસ ? એટલે પરિસ્થિતથી વશ,’ગજાવક્રત્ર’ નામથી પણ ગણેશજી ઓળખાયા છે. તો એક દંત પ્રતીકનો અર્થ પણ એટલો જ અદ્ભૂત છે. એક પૌરાણિક માન્યતા અનુસાર, ગણાધ્યક્ષે પોતાના તૂટેલાં દાંતથી જ મહાભારતની કથા લખેલી હતી. એક સાબુત દાંત વિસર્જીત અહંકાર પછીની સાત્વિક શક્તિ દર્શાવે છે. તો મંગલમૂર્તિનાં વિશાળ ઉદરની આસપાસ વીંટળાયેલો સર્પ ઇચ્છાઓને કાબુમાં રાખવાનું સૂચવે છે. વક્રતુંડનું મોટું, ગોળાકાર પેટ તથા તેમના મસ્તકનો ભાગ મળીને ’ઓમકાર’ની આકૃતિ રચે છે. ’ઓમ’ એ પરમેશ્વરનું આદિ સ્વરૂપ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here