ખેડૂતોનું દેશવ્યાપી ચક્કાજામનું એલાન, દિલ્હી સરહદે લોખંડી બંદોબસ્ત ગોઠવાયો

0
32
Share
Share

દિલ્હી પોલીસ કમિશ્નર એસ એન શ્રીવાસ્તવે ગાઝીપુર સરહદે પહોંચી સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું

ન્યુ દિલ્હી,તા.૨

કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને ખેડૂત સંગઠનો વધઉ વેગ આગળ ધપાવવાની તૈયારી કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બને તેવા એંધાણને પગલે દિલ્હી પોલીસે સરહદ પર લોખંડી બંદોબસ્ત ખડકી દીધો છે. વધારાનો પોલીસ કાફલો ખડકવા ઉપરાંત બેરિકેડ્‌સની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. દેખાવના સ્થળો પર અને તેની આસપાસના વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. લોકોને પગપાળા સરહદ ઓળંગતા રોકવા કાંટાવાળા તાર પણ ગોઠવવામાં આવ્યા છે.

ખેડૂત સંગઠનોએ ૬ ફેબ્રુઆરીએ ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે. આંદોલન સ્થળની નજીકના વિસ્તારમાં ઈન્ટરનેટ પ્રતિબંધ, અધિકારીઓ દ્વારા કથિત કનડગત અને અન્ય મુદ્દાઓ વિરુદ્ધ ત્રણ કલાક સુધી રાષ્ટ્રીય તેમજ સ્ટેટ હાઈવેને જામ કરીને દેશના અન્નદાતાઓ વિરોધ નોંધાવશે.

આપણે ખેતરમાંથી નિકળી રસ્તા પર બેસવું પડશેઃ દિગ્વિજય સિંહ

ખેડૂતોના ચક્કાજામ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે જણાવ્યું કે આપણે ખેડૂતોના સમર્થનમાં દેશભરમાં શનિવારે ૬ ફેબ્રુઆરીએ ૧૨ વાગ્યાથી ૩ વાગ્યા સુધી ખેતરમાંથી નિકળીને રસ્તા પર બેસવું પડશે. તમામ રાજકીય પક્ષો જે ખેડૂત બિલોનો વિરોધ કરી રહ્યા છે તેમણે આ કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા તમામ કાર્યકર્તાઓને અપીલ કરવી જોઈએ.

દિલ્હીની સરહદો પર ખેડૂતોના પ્રદર્શન સ્થળો પર સોમવારથી કિલ્લેબંધી શરૂ કરવામાં આવી હતી. પોલીસે સુરક્ષા વધારી દીધી છે અને બેરિકેડ્‌સની સંખ્યા પણ વધારી દીધી હતી. દિલ્હી-ઉત્તરપ્રદેશ સરહદ પર ગાઝીપુરમાં પરિવહનને અવરોધવા અનેક સ્તરના બેરિકેડ્‌સ ગોઠવાયા છે.

દિલ્હી પોલીસ કમિશ્નર એસ એન શ્રીવાસ્તવે સોમવારે ગાઝીપુર સરહદની મુલાકાત લઈ સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ વિસ્તાર ખેડૂત આંદોલનનું કેન્દ્ર બિન્દુ બન્યું છે. અધિકારીઓના મતે દિલ્હી પોલીસ કમિશ્નરે સુરક્ષાકર્મીઓ સાથે વાતચીત કરી અને તેમના આકરા પરિશ્રમની પ્રશંસા પણ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here