’ક્વૉન્ટમ હિલિંગ’થી અસાધ્ય રોગો દૂર થઈ શકે

0
27
Share
Share

ડૉ. દીપક ચોપરા (૨૨-૧૦-૧૯૪૬) ભારતમાં જન્મેલ વિખ્યાત શરીર વિજ્ઞાાની, તબીબી સંશોધક, લેખક, વ્યાખ્યાતા, વૈકલ્પિક ચિકિત્સાના પ્રબળ પુરસ્કર્તા અને ’ન્યૂ એજ મૂવમેન્ટ’માં મહત્વપૂર્ણ દોરવણી આપનાર પ્રતિભાવંત વ્યક્તિ છે. ’ઓલ્ટરનેટ મેડિસિન’ અને ક્વૉન્ટમ હિલિંગ ક્ષેત્રે તેમણે લખેલા પુસ્તકો અને વિડિયો વિશ્વભરમાં ધૂમ મચાવે છે.ડૉ. દીપક ચોપરા (સ્‌.ઘ.) ૧૯૭૦માં અમેરિકા ગયા એ પહેલાં એમણે ભારતમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઑફ મેડિકલ સાયન્સ, ન્યૂ દિલ્હી ખાતે મેડિસિનનો અભ્યાસ કર્યો હતો અને ડૉક્ટર ઑફ મેડિસિનની પદવી પ્રાપ્ત કરી ત્યાં પ્રારંભિક કામગિરી કરી હતી. એ પછી અમેરિકા ગયા બાદ ત્યાં ઈન્ટરનલ મેડિસિન અને એન્ડોક્રિનોલોજીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. એ પછી મેડિકલ પ્રેક્ટિસનું લાઈસન્સ પ્રાપ્ત કરી ’ન્યૂ ઇંગ્લેન્ડ મેમોરિયલ હૉસ્પિટલના ચીફ ઑફ સ્ટાફ બન્યા હતા.ડૉ. દીપક ચોપરા ૧૯૮૫માં મહાન યોગી મહર્ષિ મહેશ યોગીને મળ્યા હતા અને તેમનાથી પ્રભાવિત થઈને ’ભાવાતીત ધ્યાનની પ્રવૃત્તિમાં જોડાયા હતા. ’મહર્ષિ આયુર્વેદ હેલ્થ સેન્ટર’માં જોડાવા માટે તેમણે ’ન્યૂ ઇંગ્લેન્ડ મેમોરિયલ હૉસ્પિટલમાં રાજીનામું આપી દીધું હતું. ત્યાં થોડા વર્ષો આયુર્વેદ અને યોગના પરિપ્રેક્ષ્યમાં સંશોધન કરી માર્ગદર્શન આપ્યું હતું.એ પછી તેમણે ભાવાતીત ધ્યાનની સંસ્થામાંથી નિવૃત્તિ લઈ ’શાર્પ હેલ્થ કેર્સ સેન્ટર ફોર માઈન્ડ-બોડી મેડિસિન’ સંસ્થાના ડિરેક્ટર પદે કામગિરી કરી હતી. ૧૯૯૬માં તેમણે ’ચોપરા સેન્ટર ફોર વેલ બિઈંગની સહસ્થાપના કરી હતી. ડૉ. દીપક ચોપરા અત્યારે ૭૧ વર્ષની ઉંમરે પણ વૈકલ્પિક ચિકિત્સા ક્ષેત્રે કાર્યરત છે. મહર્ષિ મહેશ યોગીની જેમ તે ઓશો રજનીશજીથી પણ પ્રભાવિત રહ્યા હતા. એ જ રીતે જે. કૃષ્ણમૂર્તિના તત્ત્વજ્ઞાનથી પણ તે આકર્ષાયા હતા.તાજેતરમાં ડૉ. દીપક ચોપરા અને સદ્ગુરુ (જગ્ગી વાસુદેવ) વચ્ચે થયેલા વાર્તાલાપો એન્સિયન્ટ વિઝડમ ઈન મોર્ડન ટાઈમ્સ અને સદ્ગુરુ એન્ડ દીપક ચોપરા : થોટ એન્ડ આઈડેન્ટિફિકેશન’ યુ ટયુબ પર ખૂબ જોવાય છે. ડૉ. દીપક ચોપરાએ અનેક બેસ્ટ સેલર પુસ્તકો લખ્યા છે. સેવન સ્પીરિચ્યુઅલ લૉઝ ઓફ સકસેસ, પરફેક્ટ હેલ્થ, ધ હીલિંગ ઓફ સેલ્ફ, ક્વૉન્ટમ હીલિંગ, ધ બુક્સ ઓફ સિક્રેટસ, સુપર બ્રેઇન, એઝલેસ બોડી, ટાઇમલેસ માઇન્ડ, હાઉ ટુ નો ગોડ, યુ આર ધ લિનિવર્સ, રિઇન્વેન્ટીંગ ધ બોડી, રીસરેક્ટીંગ ધ સોલ, બુદ્ધા, ધ પાથ ટુ લવ, ધ અલ્ટીમેટ હેપ્પીનેશ પર્સેપ્શન, લાઇફ આફટર ડેથ, પીસ ઇઝ ધ વે, મેઝીકલ માઇન્ડ, મેઝીકલ બોડી, ધ સિક્રેટ હીલિંગ, સુપર ઝીન્સ એ એમાંના મુખ્ય પુસ્તકો છે.
ડૉ. દીપક ચોપરા દર્શાવે છે કે આત્મ-સાક્ષાત્કાર એ સર્વોત્કૃષ્ટ રોગોપચાર પ્રક્રિયા છે.આત્મ-સાક્ષાત્કાર કરવા યોગ અને ધ્યાન સહાયભૂત થાય છે. ધ્યાન એક કુદરતી પ્રક્રિયા છે. તે મન, શરીર અને ઊર્જાની સાતત્યપૂર્ણ સમગ્રતાથી સિદ્ધ થાય છે. આ ત્રણેય એક ’સમગ્ર’નો જ ભાગ છે. ધ્યાનથી આપણે ધારીએ છીએ એના કરતાં વધારે લાભ થાય છે. એનાથી જિનેટિક કાર્યવાહી વધારે ઝડપથી રિસ્પોન્ડ કરે છે. ધ્યાન તમને નિર્બંધ કરીને મુક્ત કરે છે. ધ્યાન દરેક વ્યક્તિને એની ભીતર રહેલા એના સાચા સ્વરૃપની અનુભૂતિ કરાવે છે.ધ્યાનથી જ વ્યક્તિ સુદ્ધ જાગૃતતા હાંસલ કરી શકે છે જ્યારે સભાનતા પોતાના પરત્વે સભાન બને છે, જાગૃતતા સ્વ-સંદર્ભે પણ જાગૃત રહે છે ત્યારે ’સમગ્રતા’ની સ્થિતિ આવે છે. જે વસ્તુ તમારી બહાર ક્યાંય બીજે દેખાય છે એના તમે દ્રષ્ટા બનો છો પણ તમારી ભીતર શું ચાલી રહ્યું છે એના દ્રષ્ટા પણ બનો એ જરૃરી છે. તમારું આંતરિક જગત જ તમારા બાહ્ય જગતનું નિર્માણ કરે છે. વાસ્તવમાં જે વસ્તુ તમારી બહાર દેખાય છે એ તમારી ભીતરથી જ નિર્મિત થઈને પ્રતિબિંબિત થતી હોય છે. આખું બ્રહ્માંડ તમારી ’ચેતના’માં જ અસ્તિત્વ ધરાવે છે એટલે બધા અનુભવો તમારી ’અંદર’ જ થાય છે.આપણા શરીરની સાથે ભૌતિક વિશ્વ એ આપણા દ્રષ્ટાપણાની જ પ્રતિક્રિયા છે. જે રીતે આપણે આપણા જગતની અનુભૂતિઓનું નિર્માણ કરીએ છીએ એ રીતે આપણે આપણા શરીરનું પણ નિર્માણ કરીએ છીએ.માનવીનું શરીર પદાર્થ કે વસ્તુઓથી નહીં, ઊર્જાથી બનેલું છે. ઉંમર વધવાની પ્રક્રિયા પ્રવાહી અને પરિવર્તનશીલ છે. એને ઝડપી કે ધીમી બનાવી શકાય છે. કેટલાક સંજોગોમાં એને આગળ વધતાં અટકાવી પણ શકાય છે. ભારતના યોગીપુરુષો ધ્યાન દ્વારા આ કરી શકતા હતા. ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કે અવરુદ્ધ કરી શકાય એટલું જ નહીં એને રિવર્સ પણ કરી શકાય છે! એ સંજોગોમાં વ્યક્તિ દિવસે દિવસે મોટી થવાને બદલે નાની થવા લાગે એવું બને! જો કે આ સૈદ્ધાંતિક બાબત છે. આ દશા કે અવસ્થાને સિદ્ધ કરી શક્યા હોય એવા ઉદાહરણો જોવા મળતા નથી. હિંદુ ધર્મશાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે સનત્કુમારો હંમેશાં ’કુમાર’ અવસ્થામાં જ રહે છે. એ યુવાન થાય અને વૃદ્ધ થાય એ દશાને એમણે આવવા જ દીધી નથી. યોગશક્તિથી આવી સિદ્ધિ મેળવવી સંભવ બને છે.વૈકલ્પિક ચિકિત્સા જીર્ણ રોગોને પણ મટાડી શકે છે. ક્વૉન્ટમ હિલિંગ સેન્ટર જેવા જીવલેણ રોગોને પણ દૂર કરી દર્દીને દીર્ઘાયુ આપી શકે છે. નકારાત્મક ભાવનાઓ અને માન્યતાઓથી દૂર રહો. તે શરીર અને મનના જોડાણને તોડી રોગ પેદા કરે છે. નાના બાળકની જેમ અકારણ પ્રસન્ન, સંતુષ્ટ અને સુખી રહો. જો તમારું સુખ કોઈ કારણ પર નિર્ભર હશે તો એ કારણ બદલાતા જ સુખ જતું રહેશે. આનંદ અને સુખના સ્ત્રોત સાથે જોડાયેલા રહેવું એ સ્વાસ્થ્યનો રામબાણ ઈલાજ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here