ક્રોનિક કિડની ફેલ્યરનાં વહેલા નિદાન માટે રોગનાં મહત્વનાં લક્ષણો અંગે જાણવું જરુરી

0
14
Share
Share

કિડની રોગના ચેતવણીજનક ચિન્હોઃ

નબળાઈ લાગવી, થાક લાગવો, ખોરાકમાં અરુચી, ઉલ્ટી-ઉબકા થવા, આંખ પર સવારે સોજા આવવા, મોં અને પગ પર સોજા આવવા, નાની ઉંમરે લોહીનું ઉંચુ દબાણ હોવું અને દવા છતાં યોગ્ય કાબુ ન હોવો, લોહીમાં ફિક્કાશ હોવી, પેશાબ ઓછો આવવો, પેશાબમાં ફીણ થવા, પેશાબ કરવામાં તકલીફ થવી, રાત્રે પેશાબ કરવા વધુ જવું પડવું. જો કોઈ વ્યકિતને ઉપર મુજબનાં ચિહ્નો હોય તો વહેલાસર ડોક્ટર પાસે જઈ તપાસ કરાવવી જરુરી છે. કિડનીની તકલીફ કોઈપણ વ્યક્તિને કોઈપણ ઉમરે થઇ શકે છે. પરંતુ  ડાયાબીટીસની બીમારી અથવા લોહીનું દબાણ ઉંચુ હોવું, કુટુંબમાં અન્ય સભ્યોને કિડનીનો રોગ થયો હોય,  લાંબા સમય માટે દુઃખાવાની દવા લીધી હોય,  મુત્રમાર્ગમાં જન્મજાત ખોડ હોય,  જાડાપણું હોવું, ધૂમ્રપાનની ટેવ હોય તેવા કેઈસમાં કિડની રોગ થવાનું જોખમ વધારે રહે છે.

કિડની ચેકઅપ સરળ-ફકત આટલું કરો.

કિડનીનાં રોગનાં વહેલા નિદાન દ્વારા જીવલેણ રોગથી બચી શકાય છે. કિડનીનાં રોગનાં વહેલા નિદાન માટેની સરળ પદૃઘતી તે લોહીનું દબાણ મપાવવું અને લોહી તથા પેશાબની તપાસ કરાવવી તે છે. લોહીનાં દબાણમાં વધારો, પેશાબની તપાસમાં પ્રોટીનની હાજરી અને લોહીમાં ક્રીએટીનની માત્રામાં વધારો તે સી.કે.ડી.ની પહેલી નિશાની હોઈ શકે છે.

કિડનીના રોગોથી બચવા માટે શું કરશો?

કિડનીના રોગ અટકાવવાના નિયમીત કસરત કરવી, શરીર તંદુરસ્ત રાખવું, પોષ્ટિક ખોરાક લેવો, યોગ્ય વજન જાળવવું, ખોરાકમાં નમક (મીઠું), ખાંડ, ઘી-તેલ અને ફાસ્ટફુડનો ઉપયોગ ઓછો કરવો. શાકભાજી, ફળો અને રેસાવાળા ખોરાકનું પ્રમાણ વધારે રાખવું. ડાયાબીટીસનો હંમેશા યોગ્ય કાબુ રાખવો, ડાયાબીટીસનાં પ૦% જેટલા દર્દીઓમાં કિડનીને નુકશાન થવાનો ભય રહે છે. ડાયાબીટીસનાં દરેક દર્દીએ વર્ષમાં એક વખત તો અચૂક કિડની ચેકઅપ કરાવવું જોઈએ.

લોહીના દબાણનો યોગ્ય કાબુ રાખવો. લોહીનું દબાણ ૧૩૦/૮૦ થી ઓછું રાખવું તે કિડનીની સુરક્ષા માટે અત્યંત મહત્વનું છે. લોહીનું ઉંચું દબાણ હાઈબ્લડ પ્રેશર ક્રોનિક કિડની ફેલ્યરનું મહત્વનું કારણ છે. પાણી વધારે પીવું. તંદુરસ્ત વ્યકિતએ રોજ ર લીટર (૧૦-૧ર ગ્લાસ) થી વધુ પાણી પીવું. પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની ટેવ શરીરમાંથી બીન જરુરી કચરો અને ક્ષારને દૂર કરવા જરુરી છે. પથરીની તકલીફ થઈ હોય તેવી વ્યક્તિએ રોજ ૩ લીટરથી વધારે પ્રવાહી લેવું જોઈએ. ધુમ્રપાન, તમાકુ, ગુટકા, માવા, દારુનો ત્યાગ કરવો. ડોકટરની સલાહ વગર દવાઓ (ખાસ કરીને દુખાવા માટેની દવાઓ) ન લેવી. રુટીન હેલ્થ ચેક અપ જરુરી. બંને કિડની ૯૦% જેટલી બગડે ત્યાં સુધી ઘણા દર્દીઓમાં રોગના કોઈ ચિહ્નો જોવા મળતા નથી.

આ કારણસર કિડનીની તકલીફ થવાની શકયતા વધારે હોય ત્યારે અને ૪૦ વર્ષની ઉંમર બાદ દરેક વ્યક્તિઓએ દર વર્ષે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. કિડનીનાં રોગનાં ચિહ્નો જોવા મળે ત્યારે વહેલાસર ડોકટર પાસે તપાસ કરાવવી અને વહેલા નિદાન બાદ નિયમીત દવા લેવી અને પરેજી રાખવી. પથરી-પેશાબનો ચેપ, મોટી ઉંમરે પુરુષોમાં બી.પી.એચ.ની તકલીફ વગેરે માટે યોગ્ય તપાસ કરાવી જરુરી સારવાર લેવી.

રાજ્ય  તેમજ કેન્દ્ર સરકર દ્વારા સ્વાસ્થ્ય અર્થે જનજાગૃતિના અનેક અભિયાન હાથ ધરવામાં આવે છે. જરુરિયાતમંદ દર્દીઓ માટે આયુષ્માન ભારત, માં અમૃતમ તેમજ વાત્સ્લય કાર્ડ યોજના દ્વારા નિદાન ખર્ચ સરકાર દ્વારા પર્યાપ્ત કરવામાં આવે છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here