કોરોના સંકટ વચ્ચે જગતમંદિર દ્વારકાધીશની આરતીનાં દ્વાર ભક્તો માટે ખૂલ્યાં

0
18
Share
Share

ગાંધીનગર,તા.૧૪

આજથી જગતમંદિર દ્વારકાધીશની આરતીના સમયે તમામ ભક્તોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આજથી ભક્તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી આરતીનો લાભ લઈ શકશે. આરતી દરમિયાન તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. મહત્ત્વનું છે કે કોરોનાના કહેર વચ્ચે ભાવિકોને રક્ષણ મળે એ માટે દ્વારકા જગતમંદિર પરિસરને રજતભસ્મ દ્વારા સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું. સરકારની ગાઇડલાઇન મુજબ, આયુર્વેદિક પદ્ધતિથી રાત્રીના સમયે કામગીરી કરવામાં આવી હતી. કોરોનાની મહામારીને કારણે અત્યારસુધી દ્વારકાધીશની આરતી ઓનલાઈન જોઈ શકાતી હતી, પરંતુ આજથી ભાવિક ભક્તો આરતીનાં રૂબરૂ દર્શનનો લાભ લઈ શકશે. ભાવિક ભક્તોએ મંદિરમાં પ્રવેશ કરતી વખતે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા સહિતના તમામ નિયમોનું પાલન કરવું પડશે.

યાત્રાધામ દ્વારકામાં જગતમંદિર અને પરિસરમાં રજતભસ્મ, એટલે કે સિલ્વર પાણી દ્વારા સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવી હતી. રજતભસ્મ કેમિકલ આલ્કોહોલ વગર સંપૂર્ણ આયુર્વેદિક પદ્ધતિથી ખાસ બનાવવામાં આવે છે, આથી કપડાં અને ચામડીને કોઈપણ જાતનું નુકસાન થતું નથી. ગુજરાતનાં અનેક તીર્થસ્થળ પર આ પદ્ધતિથી સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવે છે. દ્વારકાના જગતમંદિરમાં ૨૦૨૦-૨૧ના એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન મનોરથ ભોગ અને દાનની આવકમાં દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે નોંધપાત્ર ઘટાડો થયો છે. યાત્રિકોની પાંખી હાજરીને લીધે દાનની સરવાણી ઘટી છે. આ વર્ષે દ્વારકા જગતમંદિરમાં રૂ.૯૨,૮૯,૪૦૦નું રોકડ દાન પ્રાપ્ત થયું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા જગતમંદિરમાં ભાવિકો યથાશક્તિ મુજબ સોનું,ચાંદી તેમજ રોકડ સહિતનું મંદિરમાં દાન અર્પણ કરતા હોય છે. ચાલુ વર્ષે કોરોના વાઇરસને લીધે જગતમંદિર અઢી માસ સુધી બંધ રહ્યું હતું.

હાલ પણ જગતમંદિર ખૂલતાં ટ્રેન, બસની સુવિધાઓ પ્રાપ્ત ન થતાં યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. કોરોના મહામારીને લીધે જગતમંદિરની આવક ગત વર્ષ કરતાં ઘટી છે. ગત વર્ષ ૨૦૧૯-૨૦ના એપ્રિલથી ઓગસ્ટ સુધીની જગતમંદિરની આવક ૪,૪૩,૮૯,૪૯૧ જેટલી થવા પામી હતી, જ્યારે આ વર્ષ ૨૦૨૦-૨૧ના એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં ફક્ત ૯૨,૮૯,૪૦૦ રૂપિયાની આવક થઈ છે. જગતમંદિરની આવકમાં આશરે ૮૩%નો હિસ્સો પૂજારી પરિવારના ભાગે જાય છે, ૧૫% હિસ્સો જગતમંદિરનો વહીવટ કરતી દેવસ્થાન સમિતિના ભાગે આવે છે અને ૨%નો હિસ્સો ચેરિટી ટ્રસ્ટના ભાગે જાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here