રાજકોટ,તા.૧૨
રાજકોટની પ્રથમ મહિલા પાયલોટ તરીકેનું બિરૂદ મેળવનાર કેપ્ટન નિધી બિપીનભાઈ અઢીયાએ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આજે પુનાથી દેશના અલગ અલગ શહેરોમાં કોરોના વેક્સિન પહોંચાડવામાં આવી હતી. ત્યારે રાજકોટની નિધી અઢીયાએ આજે પુનાથી હૈદરાબાદ સુધી પ્રથમ કોરોના વેક્સિનનો જથ્થો પહોંચાડ્યો હતો. નિધી અઢીયાએ રાજકોટનું ગૌરવ તો વધાર્યુ છે સાથોસાથ ગુજરાતનું ગૌરવ પણ વધાર્યુ છે. નિધીના પિતાએ કહ્યું કે, મારી દીકરીનું હેડક્વાર્ટર દિલ્હી છે. પુનાથી હૈદરાબાદ કોરોના વેક્સિન લઇને આવી હતી. પિતા તરીકે અમને ગૌરવ છે, નિધી અમારૂ રતન છે. દેશમાં માહામારી ચાલી રહી છે ત્યારે કોરોના વેક્સિન હૈદરાબાદ પહોંચાડી તે વાતનું અમને ગૌરવ છે.
નિધિ રાજકોટમાં બીપીન સોપ નામની પેઢીના સંચાલક બીપીનભાઈ અઢિયાની દીકરી છે. બિપીનભાઈ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે, તેમજ તેમના ધર્મપત્ની માલતીબેન અઢીયા કે જેઓ કરોડપતિ એજન્ટ બની ચૂક્યા છે. બે સંતાનોમાં પુત્રી નિધિ અને પુત્ર મિથિલેશ છે. અઢીયા દંપતીના બંને સંતાનો ભણવામાં તેજસ્વી હતાં જ હવે કારકિર્દીમાં પણ ઠરી ઠામ થઈને બતાવ્યું છે. નિધીએ એચ.એસ.સી સુધી એસએનકે સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ કર્યો છે. આજથી એક દાયકા કરતાં વધારે સમય પહેલાં જ્યારે મહિલા પાયલોટ બનવાનો વિચાર પણ દીકરીઓ ન કરતી એ વખતે મમ્મી માલતીબેનની પ્રેરણા અને પોતાની મહેનત થકી તે રાજકોટની પ્રથમ મહિલા પાયલોટ બની હતી.
અભ્યાસમાં હંમેશા તે ડિસ્ટિંકશન માર્ક્સ મેળવતી આવી છે. ધોરણ ૧૨ પછી તેણે બરોડા એમ.એસ.યુનિવર્સિટીમાં બીએસસી મેજર ઈન ફિઝિક્સ એન્ડ મેથ્સમાં પ્રવેશ મેળવ્યો હતો. સાથોસાથ બરોડા ફ્લાઈંગ કલબમાં ૫૦ કલાકની પાયલોટની તાલીમ પણ તેણે મેળવી હતી. આ અભ્યાસ દરમિયાનમાં અમદાવાદમાં પાયલોટની ટ્રેનિંગ શરૂ થતી હોય ૨૦૦૩-૦૪માં પોતાના પ્રથમ શોખને પૂર્ણ કરવા માટે બીએસસીનો અભ્યાસ અધૂરો છોડવો પડયો હતો.