કોરોના કાળમાં ગુજરાતમાં FDIના સ્વરૂપમાં આવ્યું ૧.૧૯ લાખનું જંગી વિદેશી રોકાણ

0
39
Share
Share

ભારતમાં આવેલા કુલ ૨.૨૪ લાખ કરોડના જંગી રોકાણમાં ગુજરાતનો હિસ્સો ૫૨ ટકાથી વધુ

અમદાવાદ,તા.૩૦

કોરોનાના રોગચાળાએ ભારત સહિત સમગ્ર વિશ્વની વેપાર વ્યવસ્થાને મોટો ફટકો માર્યો છે આ સંજોગોમાં ગુજરાતની જોડે-જોડે ભારતમાં પણ વિદેશી મૂડીરોકાણમાં વધારો થયો છે.

કોરોના કાળમાં સમગ્ર દેશમાં સૌથી વધુ મૂડીરોકાણમાં ગુજરાતે બાજી મારી છે. વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના સપ્ટેમ્બરમાં પૂરા થયેલા અર્ધવાર્ષિક સમયગાળા એટલે કે બે ક્વાર્ટરના અંતે સમગ્ર દેશમાં ૨.૨૪ લાખ કરોડનું વિદેશી મૂડીરોકાણ ખયુ હતું. આ વિદેશી મૂડીરોકાણ ગયા વર્ષના સમાન સમયગાળાના ૧.૮૨ લાખ કરોડ કરતાં ઘણુ વધારે હતુ.

વર્તમાન નાણાકીય વર્ષમાં ગુજરાતમાં ૧.૧૯ લાખ કરોડથી વધારે વિદેશી રોકાણ થયું છે. ગુજરાતમાં થયેલું વિદેશી રોકાણ દેશમાં થયેલા કુલ વિદેશી રોકાણનો લગભગ ૫૨ ટકા હિસ્સાથી પણ વધારે છે. ડીપીઆઇટીટીના નવા આંકડા મુજબ દેશભરમાં ગુજરાતમાં સૌથી વધુ ૧,૧૬,૦૦૦ કરોડનું વિદેશી મૂડીરોકાણ આવ્યું છે.

તેના પછી કર્ણાટકમાં ૨૭,૪૫૮ કરોડ, મહારાષ્ટ્રમાં ૨૭,૧૪૩ કરોડ,દિલ્હીમાં ૧૮,૮૬૩ કરોડ, તમિલનાડુમાં ૭,૦૬૨ કરોડ, ઝારખંડમાં ૫,૯૯૦ કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે. હરિયાણામાં ૫,૧૧૧ કરોડ, પશ્ચિમ બંગાળમાં લગભગ બે હજાર કરોડ, ઉત્તરપ્રદેશમાં ૧,૬૮૦ કરોડ, રાજસ્થાનમાં ૨,૧૨૦ કરોડ, મધ્યપ્રદેશમાં ૧,૬૭૧ કરોડનું રોકાણ કરાયું હતું.

ગુજરાત સરકારે કોરોના કાળમાં પણ વિદેશી એજન્સીઓ તેમજ કંપનીઓની સાથે તેમજ સરકારોની સાથે અવિરત સંપર્ક જાળવી રાખ્યો. વેબિનાર મારફતે અમેરિકા, જાપાન, બ્રિટનની સાથે સંપર્ક જાળવી રાખીને એફડીઆઇ માટે પ્રયાસ જારી રાખ્યા. નવી પોલિસી મુજબ સતત સુધારા, દરખાસ્તોને ઝડપી મંજૂરી, લેન્ડ બેન્કની જોગવાઈ, સ્થાયી સરકાર, મજૂરોની હડતાળ ન હોવાના લીધે મૂડીરોકાણ વધારે થયું હોવાનું ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ મનોજ કુમાર વાસે જણાવ્યું હતું.

દેશમાં સૌથી વધુ થયેલા વિદેશી મૂડીરોકાણમાં સૌથી વધુ હિસ્સો મોરેશિયસ રૂટે આવ્યો. તેના પછી સિંગાપોર, અમેરિકા, હોલેનડ્‌, જાપાન, જર્મની, બ્રિટન, કેમેન આઇલેન્ડ, સાઇપ્રસ અને ફ્રાન્સ તથા જર્મની જેવા દેશોમાંથી પણ નોંધપાત્ર પ્રમાણમાં એફડીઆઇ આવ્યું.

આ વિદેશી રોકાણમાં સૌથી વધુ વિદેશી રોકાણ સર્વિસિસ સેક્ટરમાં થયું હતું. ફાઇનાન્સ, બેન્કિંગ, વીમો, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ટેસ્ટિંગ અને એનાલિસિસવાળા આ સેક્ટરમાં ૧૭ ટકા મૂડીરોકાણ થયુ છે. તેના પછી કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર સેક્ટરમાં બાર ટકા મૂડીરોકાણ થયુ તુ. ટેલિકોમ સેક્ટરમાં સાત ટકા અને કન્સ્ટ્રક્શન ડેવલપમેન્ટ સેક્ટરમાં સાત ટકા મૂડીરોકાણ થયું હતું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here