અમદાવાદ,તા.૩
કોરોનાને લીધે ઓટોમોબાઇલ બિઝનેસને ઘણું નુકસાન થયું છે. ૨૦૧૯ની સરખામણીમાં સરેરાશ ૬૦થી ૭૦ ટકા નુકસાન થયું હોવાનું ડીલર એસોસિએશનના સભ્યો જણાવે છે. શહેરમાં નવાં વાહનોનું નવેમ્બર-૨૦ની સરખામણીએ ગત એપ્રિલ-૨૦માં આઠ ટકા વેચાણ હતું, આ પછી વેચાણમાં વધારો થતાં ગત નવેમ્બરમાં ૧૪૦ ટકાનો વધારો થયો હતો. આરટીઓમાં કોરોનાની મહામારી વચ્ચે નવા વાહનોનાં રજિસ્ટ્રેશન મુજબ એપ્રિલ-૨૦માં ૧૪૭૦ની સામે નવેમ્બર-૨૦માં ૨૦,૪૦૯ વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું.
કમૂરતાંને લીધે ડિસેમ્બરમાં પણ ઓછું વેચાણ નોંધાયું છે. વાહન ડીલરોએ કહ્યું કે, ૪૦ લાખથી ઉપરની કારના વેચાણમાં ૬૫ ટકાની અને ૧૦ લાખથી માંડી ૪૦ લાખ સુધીની કારમાં ૩૦ ટકા અસર રહી હતી. ૭ લાખથી લઈ ૧૫ લાખ સુધીની કારમાં ૧૦થી ૧૫ ટકા જ ફર્ક રહ્યો હતો, કારણ કે નોકરિયાત વર્ગ અને સક્ષમ વેપારીઓએ ટેક્સ બેનિફિટ માટે કાર ખરીદીમાં રસ દાખવ્યો હતો. હાલ બેટરી ચાર્જિંગનાં વાહનોમાં વધારો થતાં તેની અસર પેટ્રોલ, ડીઝલ અને સીએનજી વાહનો પર થઈ છે, તેનાં વેચાણમાં ઘટાડો થવાનો અંદાજ છે.