પ્રાંતિજ, તલોદ અને ઇડરમાં ૨૫ નવેમ્બરથી ૯ ડિસે. સુધી સ્વૈચ્છિક લોકડાઉન
ઇડર,તા.૨૫
રાજ્યના નાના શહેરો પ્રાંતિજ અને તલોદ જેવા શહેરોમાં કોરોના ફેલાવવાના પગલે ૨૫ નવેમ્બરથી ૯ ડિસેમ્બર એમ બે અઠવાડિયાનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ઇડરમાં પણ કોરોનાનો વ્યાપ વધતા તથા લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડતા અને માસ્ક વગર ફરતા સ્વૈચ્છિક લોકડાઉન જોહેર કરવામાં આવ્યું છે.
આમ કોરોનાનો કેર ફક્ત હવે મોટા શહેરો પૂરતો જ સીમિત રહ્યો નથી, પણ નાના શહેરોમાં પણ કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે.
ગુજરાતમાં કોરોના બેકાબૂ છે તેવા સંજોગોમાં પણ સાબરકાંઠા જિલ્લામાં એપીએમસીમાં શાકભાજીના વેચાણ માટે લોકોની ભીડ જામેલી જોવા મળી. શાકભાજી માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા. શાક માર્કેટમાં લોકો માસ્ક વગર ફરતાં જોવા મળ્યા.
સાબરકાંઠા જિલ્લામા અત્યાર સુધીમાં કોરોનાના ૧,૪૨૭ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસ ૧૩૧ છે. આમ છતાં પણ લોકોની ભીડને લઇને તંત્ર સાવ અજાણ છે. લોકોની આ ભીડ છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી.
આમ જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેરના લીધે પ્રાંતિજ અને તલોદ પછી ઇડરમાં પણ ૨૫ નવેમ્બરથી ૯ ડિસેમ્બર સુધી પખવાડિયાનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આના લીધે આગામી દસ દિવસ સુધી ધંધા-રોજગાર સ્વયંભૂ બંધ રહેશે. પ્રાંતિજ, તલોદ અને ઇડર ત્રણેય શહેરોમાં દૂધ અને દવા સિવાયની બધી દુકાનો બંધ રહેશે.