મૃતકનાં ગળે ઈજાનાં નિશાન હોવાથી હત્યા અને લૂંટની આશંકા વ્યક્ત કરતો પુત્ર
કોડીનાર, તા.૧૨
કોડીનાર તાલુકાના નાનાવાડા ગામે રહેતા અને બોટમાં મચ્છીમારીનુ કામ કરતા એક ૫૫ વર્ષના પ્રૌઢની સળગી ગયેલી હાલતમાં તેના ઘરમાંથી લાશ મળી આવતા મૃતકના પુત્રએ કોડીનાર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે જઈ લાશને પી.એમ. માટે ખસેડી હતી. મૃતકના ગળાના ભાગે ઈજાના નિશાન હોય તેમની કોઈએ હત્યા કરી લુંટ ચલાવી સળગાવી દીધાની શંકા મૃતકના પુત્રએ કરી છે.
નાનાવાડા ગામે રહેતા ગોવીંદભાઈ ભીમાભાઈ રાઠોડ ઉ.વ.૫૫ બોટમાં ફીસીંગ કરવા જતા હતા પરંતુ હાલ ફીસીંગનુ કામ ચાલતુ ન હોય તેમના ઘરે એકલા રહેતા હતા. તેમના પુત્રો અલગ રહેતા હતા મૃતકના પત્નિ રીસામણે હોવાનુ જાણવા મળે છે અને મૃતક દારૂ પીવાની ટેવવાળા હોય ગઈકાલે રાત્રે તેમની સાથે અન્ય કોઈ શખ્સો દારૂ પીવા બેસેલા હોઈ ગોવિંદભાઈને વધુ નશો કરાવી તેમણે પહેરેલી સોનાની બે વીંટી અને કેટલીક રોકડ રકમ લઈ તેમનુ ગળુ દબાવી હત્યા કરી લાશ સળગાવવા પ્રયાસ કર્યો હતો. ગઈકાલે રાત્રે બનેલી ઘટના પછી આજે સવારે તેમની બાજુમાં રહેતો પુત્ર પ્રવિણભાઈએ પોતાના પિતાએ ઘરનુ બારણુ નખોલતા બારીમાંથી અંદર જોતા અવાચક બની ગયેલ બાદ કોડીનાર પોલીસમાં જાણ કરતા બીટ જમાદાર સ્થળ ઉપર પહોંચી જઈ લાશનુ પી.એમ. કરી મૃતકના પુત્ર પ્રવિણભાઈ રાઠોડની ફરીયાદ લેવા તજવીજ હાથ ધરી છે ત્યારે તેમને શંકા વ્યક્ત કરી હતી કે, તેમના પિતા ગોવીંદભાઈનું તેમની સાથે દારૂ પીવા બેસેલા અન્યોએ લુંટના ઈરાદે વધુ પડતો દારૂ પાઈ તેમના પિતાને બેભાન બનાવી હત્યા કરી સળગાવી દેવા પ્રયાસ કર્યો છે ત્યારે પોલીસે પ્રવિણભાઈની ફરીયાદ નોંધી તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે.
ઉના : સામતેર ગામનો માથાભારે શખ્સ પાંચ જિલ્લામાંથી હદપાર કરાયો
ઉના તાલુકાનાં સામતેર ગામનાં રઘુભાઈ મનુભાઈ ગોહીલ ઉ.વ.૩૫ સામે ઉના પોલીસમાં વિવિધ ગુનાઓ નોંધાયેલ હોય અને માથાભારે શખ્સની છાપ ધરાવતો હોય તેથી ઉનાનાં પોલીસ ઈન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીએ તેમની ફાઈલ તૈયાર કરી જીલ્લા પોલીસ વડાને આપેલ અને જીલ્લા મેજી. ગીરસોમનાથને રજુઆત કરવામાં આવતા આજે જીલ્લા મેજી. ગીરસોમનાથે આરોપી રઘુભાઈ મનુભાઈ ગોહીલને ગીરસોમનાથ, જુનાગઢ, અમરેલી, પોરબંદર અને કેન્દ્ર શાસીત દિવ, ઘોઘલા જીલ્લામાંથી હદપાર કરવાનો હુકમ કરતા ઉના પોલીસે તેની અટક કરી ભાવનગર જીલ્લાનાં જેસર તાલુકાના જુના પાદર પોલીસ ચોકીએ સોંપવા રવાના થયા છે.
ઉનાનાં પોલીસ ઈન્સ્પેકટર વિજયસિંહ ચૌધરી ઉના શહેર ત્થા તાલુકામાં શાંતિ રહે તે માટે અત્યાર સુધીમાં પાંચ શખ્સો સામે પાસા ત્થા બે શખ્સો ઉના અને સામતેરની સામે પાંચ જીલ્લાની હદપારી કરાવતા માથાભારે શખ્સો બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.