કોંગ્રેસે ઉમેદવારો ઉભા ન રાખતા ભાજપના બંને ઉમેદવારો બિનહરીફ જીત્યા

0
29
Share
Share

ગાંધીનગર,તા.૨૦

ગુજરાતને વધુ બે રાજ્યસભા સાંસદ મળી ગયા છે. ભાજપના બંને ઉમેદવાર રામ મોકરિયા અને દિનેશ પ્રજાપતિ બિનહરીફ વિજેતા થતા રાજ્યસભાના સાંસદ બન્યા છે. કોંગ્રેસે ઉમેદવારો ઉભા ન રાખતા ભાજપના બંને ઉમેદવારો બિનહરીફ થયા હતા. તો ભાજપના બંને ડમી ઉમેદવારોએ પણ ફોર્મ પરત ખેંચ્યા છે. ત્યારે સોમવારે બંને ઉમેદવારોને વિજેતાના સર્ટિફિકેટ અપાશે.

રાજ્યસભામાં ગુજરાતની કુલ ૧૧ બેઠક છે, આ પૈકીની સૌથી વધુ ૭ બેઠક હાલ ભાજપ પાસે હતી, જ્યારે બાકીની બેઠકો કૉંગ્રેસ પાસે હતી. ભાજપમાંથી પરસોતમ રૂપાલા, મનસુખ માંડવિયા, નરહરિ અમીન, અભય ભારદ્વાજ, રમીલા બારા, ડૉ.એસ.જયશંકર અને જુગલજી ઠાકોર રાજ્યસભાના સાંસદ છે. તો કૉંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ, અમીબેન યાજ્ઞિક, નારણસિંહ રાઠવા, અહેમદ પટેલ રાજ્યસભાના સાંસદ હતા, જેમાંથી ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલનું તાજેતરમાં નિધન થયું હતું. ત્યારે હવે બંને ઉમેદવારો બિનહરીફ થતા ભાજપની ૮ બેઠકો થઈ. તો કોંગ્રેસના ૩ સાંસદ થયા છે. આ સાથે જ રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ વધ્યું છે.

૧૮ ફેબ્રુઆરીના રોજ રાજ્યસભાની ચૂંટણીની ઉમેદવારી કરવાનો દિવસ હતો. જેમાં ભાજપના બંને ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. પરંતુ છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ દ્વારા કોઈ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ન હતા. કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણીમાં જીતની આશા ન હોવાથી તે ઉમેદવાર નહિ રાખે તે સ્પષ્ટ હોવાથી કોંગ્રેસે કોઈ ઉમેદવારને ચૂંટણીમાં ઉભા રાખ્યા ન હતા. કારણ કે, રાજ્યસભાની ચૂંટણી માટે એક જાહેરનામાને બદલે અલગ અલગ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જેથી કોંગ્રેસ પાસે જીત માટે પૂરતા ધારાસભ્યોનું સંખ્યાબળ નથી. આથી કોંગ્રેસ પોતાની હાર ભાળી ગઈ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here