કૉમ્પ્યુટર વિજ્ઞાન અને પાણિનિનું વ્યાકરણ

0
37
Share
Share

યુક્લિડની ભૂમિતિ અને એબ્સ્ટ્રેક્ટ એલ્જિબ્રા મોડર્ન મેથેમેટિક્સ, ગ્રુપ થિયરી, રિંગ થિયરી, હિલ્બર્ટ સ્પૅસ બધા ફોર્મલ સ્ટ્રક્ચર છે જે પાણિનિના વ્યાકરણની રીત છે. તેમાં પોસ્ચ્યુલેટ્‌સ, એઝમ્પ્શન ધારણા હોય છે અને દરેકેદરેકની વ્યાખ્યા કરી તેના પર સિસ્ટમનો વિકાસ કરવામાં આવે છે. આ જ પાણિનિના વ્યાકરણની રીત છે. કૉમ્પ્યુટર પ્રોગ્રામિંગ પણ આ જ રીતે રચાય છે.પાણિનિનું વ્યાકરણ બીજગાણિતિક છે જેમાં સીમિત નિયમો અસીમિત સંખ્યામાં શબ્દો અને વાક્યો ઉત્પન્ન કરે છે. કુદરત ઓછામાં ઓછી જગ્યા રોકે છે, ઓછામાં ઓછી જરૂરિયાત પર નિર્ભર છે. તેમ પાણિનિનું વ્યાકરણ પણ ઓછામાં ઓછી જરૂરિયાત પર ઓછામાં ઓછી ધારણા પર જ આગળ વધેલું છે. આ જ બાબત કોઈ રચનામાં અગત્યતા ધરાવે છે, જેમ વનમાં કેડી પડે છે તે ઓછામાં ઓછું અંતર હોય છે, રેખા ઓછામાં ઓછું અંતર છે, બૌધાયન-પાયથાગોરસ પ્રમેયમાં કાટકોણની સામેની બાજુ ઓછામાં ઓછું અંદર હોય છે. વિજ્ઞાનીઓ તેને પ્રિન્સિપલ ઑફ મિનિમલ એક્શન અથવા લીસ્ટ એક્શન પ્રિન્સિપલ કહે છે. પાણિનિના વ્યાકરણની રચના કે ફોર્મલ સ્ટ્રક્ચરનો વિકાસ જે લીસ્ટ એક્શન પ્રિન્સિપલ જ છે, તે વિજ્ઞાનીઓને પ્રભાવિત કરે છે જે કૉમ્પ્યુટર સાયન્સનો આધાર છે. તર્કનો જન્મ પણ આ ઓછામાં ઓછા નિયમો અને જરૂરિયાતના સિદ્ધાંતમાંથી જ ઉત્પન્ન થાય છે, જે પાણિનિના વ્યાકરણના સિદ્ધાંતો છે.ભારતીયોના મગજમાં પાણિનિના સિદ્ધાંતો આત્મસાત્‌ થયેલા હોઈ, તેમની ચપળતા, વિચારવાની શક્તિ, તર્ક, સંસ્કાર, સંસ્કૃતિ, ટૂંકા રસ્તા શોધવા તત્ત્વજ્ઞાન વગેરે પાણિનિના વ્યાકરણની દેન છે. પ્રાચીન ભારતમાં જે ગણિત અને વિજ્ઞાન વિકસ્યાં તે પાણિનિના વ્યાકરણની દેન છે. આજે પણ ભારત સૈદ્ધાંતિક વિજ્ઞાન અને ગણિતમાં આગળ છે, કારણ કે પાણિનિનું વ્યાકરણ તેમના જીન્સમાં પ્રવેશી ગયું છે.વાલ્મીકિ, વ્યાસ, ચાણક્ય, આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, વરાહમિહિર, ભાસ્કર, બીજા ગણિતજ્ઞો, ચરકસંહિતા, સુશ્રુતસંહિતા, કણાદના સિદ્ધાંતો વગેરેના સૂત્રોમાં રચના વ્યાકરણના સિદ્ધાંતો પર આધારિત છે. પાણિનિએ તેનું વ્યાકરણ અષ્ટાધ્યાયી તે તેના પૂર્વેના વ્યાકરણના સિદ્ધાંતોનું સંપાદન છે. જેમ યુક્લિડે તેની યુક્લિડ ભૂમિતિ તેની પૂર્વેના ગણિતજ્ઞોનાં અને ભૂમિતીવિદોનાં જ્ઞાનનું સંપાદન છે. વરાહમિહિરનું બૃહત્સંહિતા પણ તેની પૂર્વેના વિજ્ઞાનીઓનાં અને ખગોળ વિજ્ઞાનીઓનાં જ્ઞાનનું સંપાદન છે. આજે પણ સંશોધનપત્રો થોડા શબ્દો અને સૂત્રોમાં જ સમાવાય છે, આ પાણિનિના વ્યાકરણની પ્રથા છે. આજનું શુદ્ધ ગણિત અને વિજ્ઞાન પણ પાણિનિના વ્યાકરણની સ્ટાઈલમાં જ આગળ વધ્યું છે અને વધે છે, અને વધશે.પાણિનિનું વ્યાકરણ કારક વિચારસરણી પર આધારિત છે જે ઊંડાણમાં બંધારણના સંબંધો છે. કારકો, કર્તા અને કર્મ સાથે સંબંધિત છે જે કૉમ્પ્યુટર વિજ્ઞાનીઓને કૉમ્પ્યુટર ભાષાને આગળ વધારવા કામમાં આવે છે, સિદ્ધાંત કૌમુદી બીજો એવો ગ્રંથ છે જેને કૉમ્પ્યુટર વિજ્ઞાનીઓએ આત્મસાત્‌ કરવો જોઈએ. આ ગ્રંથ પાણિનિના વ્યાકરણનું એક વધારે ડેમોન્સ્ટ્રેશન છે.કૉમ્પ્યુટર વિજ્ઞાન પાણિનિના વ્યાકરણના નિયમોનું અનુકરણ છે, રૂપાંતર છે. પાણિનિનાં સૂત્રોમાં વ્યાકરણ લખવાની રીત ઓછા શબ્દોમાં વધારે સમજાવવાની રીત છે જે તેના પહેલાંથી, પરા-પૂર્વથી ચાલી આવતી સંસ્કૃતની રીત છે. તેમ છતાં પાણિનિનાં સૂત્રો સૂત્ર સ્ટાઈલનું એક ઉત્કૃષ્ટ મોડલ રજૂ કરે છે. પાણિનિનાં સૂત્રો જાણે કોડ ભાષામાં લખાયાં હોય તેમ લાગે, તે માહિતીનો સમાવેશ કરે છે, સાથે સાથે નિયમોનો પણ સમાવેશ કરે છે. પાણિનિનાં આ સૂત્રોની સ્ટાઈલે જ કૉમ્પ્યુટર વિજ્ઞાનને આકાર આપ્યો છે. જે કવિતાઓ કે મહાકાવ્યો લખાયાં છે તે પાણિનિના વ્યાકરણ સ્ટાઈલમાં જ લખાયાં છે. પાણિનિનું વ્યાકરણ વાંચવું તે જ્ઞાનનો એક સ્તર માંગે છે, તે ખાવાનો ખેલ નથી. તેનાં કૉમ્પૅક્ટ સૂત્રો, નિયમો, એબ્રીવીએશન, ચિહ્નો ખૂબ જ ધ્યાનથી આત્મસાત્‌ કરવાં પડે તે માટે ધીરજ રાખવી પડે, ગણિતશાસ્ત્રી જેટલી ધીરજ રાખવી પડે, બહુ ઓછા વિદ્વાનોએ પાણિનિના વ્યાકરણને આત્મસાત્‌ કર્યું છે. કૉમ્પ્યુટર વિજ્ઞાનીઓ પાણિનિનાં વ્યાકરણના એવા પાસાં શોધે છે જે હજુ અજાણ્યા હોય જેથી કરીને તે કૉમ્પ્યુટર સાયન્સને આગળ વધારવા ઉપયોગી બને, અથવા તો કૉમ્પ્યુટર વિજ્ઞાનમાં ક્યારનાય સમાવિષ્ટ થઈ ગયા હોય પણ પાણિનિનું વ્યાકરણ આત્મસાત્‌ કરતાં આપણને હજુ ખબર પડી ન હોય. પાણિનિનું વ્યાકરણ અને કૉમ્પ્યુટર પ્રોગ્રામિંગ એકબીજાને સમાંતર હોય તેમ લાગે છે. શરૂઆતમાં તો કૉમ્પ્યુટર વિજ્ઞાનીઓને ખબર ન હતી કે પાણિનિનું વ્યાકરણ કૉમ્પ્યુટર વિજ્ઞાનનું બીજું સ્વરૂપ છે. કૉમ્પ્યુટર વિજ્ઞાનમાં કયા કયા પાણિનિના વ્યાકરણના સિદ્ધાંતો સમાયેલા છે જેનાવિશે હજુ કૉમ્પ્યુટર વિજ્ઞાનીઓને ખબર પડી નથી તે શોધવું ઘણું રસપ્રદ રહેશે અને કૉમ્પ્યુટર વિજ્ઞાનીઓ આ શોધવા લાગ્યા પણ છે, સંસ્કૃતભાષા પાણિનિના વ્યાકરણની ઊપજ છે માટે સંસ્કૃતભાષા કૉમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં બરાબર ફિટ થાય છે, બંધબેસતી થાય છે. આ બાબત કૉમ્પ્યુટર વિજ્ઞાનને આગળ વધારી શકે છે, જ્ઞાનની અને ભાષાની વધારે સારી રીતે રજૂઆત કરી શકશે, ભાષાનું વધારે સંસ્કરણ કરવાનું શક્ય બની શકશે. આ બાબત એક ભાષામાંથી બીજી ભાષામાં ભાષાંતરની ક્રિયાને સરળ બનાવી શકશે અને ભાષાંતર ઑટોમેટિક થાય તે શક્ય બની શકશે. કૉમ્પ્યુટર વિજ્ઞાનીઓને હવે ખબર પડી છે કે પાણિનિનું વ્યાકરણ મૂળ ધાતુમાંથી શબ્દો અને વાક્યોનો વિસ્તાર કરે છે તે કૉમ્પ્યુટર પ્રોગ્રામિંગ માટે ઘણું ઉપયોગી છે. સંસ્કૃત વ્યાકરણના વિદ્વાનો અને કૉમ્પ્યુટર વિજ્ઞાનીઓને હવે સાથે કાર્ય કરવાની જરૂર ઊભી થઈ છે જેમ અધ્યાત્મ વિજ્ઞાન વેદો-ઉપનિષદો-પુરાણો અને વિજ્ઞાન એકબીજાની નજીક આવી રહ્યાં છે તેમ પાણિનિનું વ્યાકરણ અને કૉમ્પ્યુટર વિજ્ઞાન પણ એકબીજાની નજીક આવી રહ્યાં છે.કૉમ્પ્યુટર વિજ્ઞાનની દૃષ્ટિએ પાણિનિના વ્યાકરણની અષ્ટાધ્યાયીનો અભ્યાસ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (કૃત્રિમ બુદ્ધિમત્તા)નો વિકાસ કરવા મદદ કરી શકે. હવે વિશ્ર્‌વવિદ્યાપીઠોમાં પાણિનિનું વ્યાકરણ, તર્કશાસ્ત્ર, સંસ્કૃતભાષા સાથે કૉમ્પ્યુટર વિજ્ઞાન, કૃત્રિમ બુદ્ધિમત્તા (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ભણાવવાનું શરૂ કરવું જોઈએ. હવે ધોતિયું પહેરનારા કૉમ્પ્યુટર અને કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં કામ કરતાં અને પેન્ટ-શર્ટ પહેરનારા સંસ્કૃત વિભાગમાં કરતાં નજરે પડશે. આનું નામ જ વિવિધતામાં એકતા ગણાય. વેદોમાં લખ્યું છે કે આનો ભદ્રાઃ ક્રતવો યન્તુવિશ્ર્‌વતઃ/અર્થાત્‌ મને દરેક દિશામાંથી સારા વિચારો પ્રાપ્ત થાય. આ સત્ય આપણને હવે સમજાય છે. જેમ પાણીના ચોસલા પાડી શકાય નહીં, તેમ જ્ઞાનના પણ ભાગલા પાડી શકાય નહીં, ભલે જ્ઞાન વિવિધ શાખામાં વહેંચાયેલું દેખાય. વેદો-ઉપનિષદો-પુરાણો પાણિનિનુું વ્યાકરણ, પતંજલિનું કાર્ય, કણાદ, સુશ્રુત, ચરક અને ચાણક્યનું કાર્ય દર્શાવે છે કે ભૂતકાળમાં ભારત જ્ઞાન-વિજ્ઞાન, સંસ્કૃતિ, ભાષામાં કેટલું આગળ હતું. જીવનના દરેક ક્ષેત્રમાં ભારતે પ્રગતિ કરી હતી, ખેડાણ કર્યું હતું. ભારતના મનીષીઓ મહાન તત્ત્વજ્ઞાની, જ્ઞાની અને વિજ્ઞાનીઓ હતા. આપણે વિચાર કરવાનો છે કે છેલ્લાં હજાર વર્ષમાં આપણે કેટલા નીચે ઊતરી ગયા છીએ અને આજે ક્યાં છીએ? શું આપણે વળી પાછા મહાન ન બની શકીએ? પૂર્વ અને પશ્રિ્‌ચમનું જ્ઞાન ભેગું થઈને દુનિયાને મહાન ન બનાવી શકે? પૃથ્વીને સ્વર્ગ ન બનાવી શકે? પ્રાચીન ભારતીય ઋષિ-મુનિઓની ભાવના કે વસુદ્યૈવ કુટુંબકમ્‌/અર્થાત્‌ પૂરી વસુધા એક કુટુંબ છે તેવી ભાવના સાર્થક ન કરી શકે? ઘણી વાર લાગે કે ચીન, રશિયા, અમેરિકા, પાકિસ્તાન સુન્દર સ્વર્ગ જેવી પૃથ્વીને નરક બનાવવા ઊભાં થયાં હોય. હાલમાં સંસ્કૃતભાષાના વિદ્વાનોનું અવમૂલ્યન થતું લાગે છે તેઓ હવે કૉમ્પ્યુટર વિજ્ઞાનમાં ઉપયોગી યોગદાન આપી શકે. તેઓ કૉમ્પ્યુટર વિજ્ઞાની અને વિજ્ઞાની જ ગણાઈ શકે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here