કૈલાસ માનસરોવર યાત્રા : પ્રકાશ આપતા સૂર્ય-ચંદ્રની અજાયબ રચના…

0
8
Share
Share

ભાગ-૧૦૮.૬ : ચુગુગોમ્પાથી ચીયુગોમ્પા…૩૫ કિ.મી. દિવસઃ ૨૩ તા. ૧૫-૯-૨૦૦૨ (માનસરોવર પરિક્રમા બીજો દિવસ)

ચાંદની આજે ખૂબ જ ખુશ અને પ્રસન્ન છે પરંતુ ચંદ્ર આજે કોણ જાણે કેમ ઉદાસ છે. ચાંદની સ્પર્શ દ્વારા એને મનાવવા, ખુશ કરવા પ્રયત્ન કરે છે પરંતુ ચંદ્ર ઉદાસ છે. આખરે ચાંદનીએ એક તસતસતું ચુંબન ચંદ્રના હોઠ પર ચોડી દીધું. પ્રસન્ન થયેલા ચંદ્રએ પૂછ્‌યું આવું શા માટે ? ત્યારે ચાંદનીએ જવાબ આપ્યો- તમારું દુઃખ દૂર કરવા માટે ! ચાંદની જાણે દિનકરની ઉર્વશીની જેમ કહી રહી છે.

પુરુુષ ચુમતે તબ, જબ વે સુખ મેં હોતે હૈ, હમ ચુમતી ઉન્હેં તબ, જબ વે દુઃખ મેં હોતે હૈ…

ચંદ્ર અને ચાંદનીનું સહઅસ્તિત્વ અર્થાત પ્રેમ જોઈ સંસારમાં પ્રેમ સંબંધોમાં બેવફાઈના અનેક પ્રસંગો યાદ આવી ગયા. આજે આપણે બધા જ સંબંધોની અનિશ્ચિતતામાં જીવીએ છીએ. પ્રેમમાં બેવફાઈનો મોટો રોગચાળો જગતભરમાં વ્યાપ્યો છે. પરંતુ બેવફાઈને રોગ માનવાથી નહીં ચાલે. આ રોગથી ટેવાઈ જવું પડશે. નહીં તો વહેલા ઉકેલી જશો. જો ટેવાઈ જવાનું ન ફાવે તો જ્યારે પણ તમારા પર વિશ્વાસઘાત થાય ત્યારે તમારો પ્રેમ તમે ઈશ્વર તરફ વાળો બધી જ પંચાત મટી જશે.

આ અંતિમ વાક્યનું સ્મરણ થતાં મનને ઈશ્વર તરફ વાળવા ફરીથી આકાશ તરફ દૃષ્ટિ કરી. સપ્તર્ષિના પ્રથમ બે તારાની નીચે સીધી લીટીમાં ધ્રુવનો તારો ઉત્તર દિશામાં અનેક વખત જોયો છે પણ અહીં તો આ ત્રણ તારાઓની વચ્ચે લુમખેને ઝુમખે તારાઓ છે. ધ્રુવનો તારો આ બધાથી વીંટળાયેલો છે. આપણે જોઈએ છીએ એવો એકલો અટૂલો નહીં. તારાઓમાં પણ કેટલું વૈવિધ્ય ! એકદમ ટમટમતા તારા, એકદમ પ્રકાશિત તારા, સ્થિર ઝગમગ થતા તારા, ક્યાંક એકલા અટૂલા તો ક્યાંક ઝુમખે ઝુમખા. કેટલાક જાણીતા તો કેટલાક અજાણ્યા. આકાશના ચંદરવા હેઠળ પથરાયેલા આ દરબારનો ઠાઠ ઠસ્સો ક્યારેય નહીં ભૂલાય.

રાત્રે ઠંડી માઈનસમાં હોવાને કારણે ખુલ્લા આકાશ નીચે ફરવું શક્ય નથી બનતું. પરંતુ રૂમની બહાર આવતા જતાં રૂમની બારીમાંથી જ્યારે જ્યારે તારામઢ્યું આકાશ જોયું છે ત્યારે સ્તબ્ધ થઈ જવાયું છે. આકાશરૂપી આ ઝુમ્મરના ઘડવૈયા પ્રત્યે મન નર્યા અહોભાવથી ભરાઈ ગયું. આકાશરૂપી ઝુમ્મરનાં તારલાઓના લેમ્પ ક્યારેય ઊડતા નથી. સૂર્ય અને ચંદ્ર હેલોજન લાઈટની જેમ અહીં ચમકે છે. તારાઓ, સૂર્ય કે ચંદ્ર પોતાના પ્રકાશનું બીલ ઠબકારે તો? વાદળાઓ આકાશમાંથી વરસવાનું બીલ ઠબકારે તો ? પૃથ્વી આશ્રય આપવાનું બીલ ઠબકારે તો? સૂર્ય અને ચંદ્ર સ્ટ્રાઈક પર ઉતરી જાય તો ? વાયુદેવ પણ બીલ બનાવે તો? વૃક્ષો અને ઝરણાંઓ પણ આવું વિચારે તો? પ્રકૃતિના તમામ તત્ત્વો માનવ પર કરેલા એના ઉપકારોનું બીલ ઠબકારે તો ?

પરંતુ અહીં કુદરત દ્વારા નિર્મિત તમામ વસ્તુ પરોપકાર માટે છે. ક્યારેય સ્વાર્થ કે બદલાની ભાવનાથી કાર્ય કરતા નથી. વૃક્ષો પરોપકાર માટે જ ફળ અને છાંયડો આપે છે. નદીઓ પરોપકાર માટે જ વહે છે. આ સૂર્ય, ચંદ્ર, તારા પરોપકાર માટે જ પ્રકાશ આપે છે. એનાં પ્રત્યે અહોભાવ ન થાય તો માનજો કે તમને ખરાબમાં ખરાબ હૃદયરોગ લાગુ પડ્યો છે. જેની પ્રત્યેક રચના એક અજાયબી છે એ રચનાકાર પ્રત્યે અહોભાવ ન થાય તો તમે ઈશ્વરથી પણ મહાન છો.

આકાશનું વિશાળ ફલક, તેમાં વિવિધ આકારે હજારો તારા સમૂહો સાથે ફેલાયેલી આકાશગંગાઓ સમગ્ર અવકાશને ભરી દેતા તારલાઓ અને પર્વતોમાં ઉતરી આવતી રાત્રીને હું જોતો જ રહ્યો. નવ વાગ્યે અંતર્ધ્યાન થયેલા કૈલાસપતિ હજુ સમાધિસ્થ છે. માનસકિનારે જઈ નિત્યક્રમ મુજબ રૂદ્રાક્ષની માળા સાથે ૐ નમઃ શિવાયનો મંત્ર જાપ કરવા બેસી ગયો. આજે ડોબરીયાભાઈ પણ ચૂપચાપ મારી પાછળ પાછળ ચાલતા આવ્યા અને માનસ કિનારે મારી બાજુમાં બેસી ગયા.

લગભગ બે કલાક સુધી અમે બેસી રહ્યા. આજે આખો દિવસ તો સૂર્ય પ્રકાશિત રહ્યો પરંતુ રાત્રે પહાડની પેલે પારથી વાદળાઓની ફોજ ઉતરી આવતા થોડી જ વારમાં બધું બદલાઈ ગયું. પવનદેવે પણ પરચો બતાવવો શરૂ કરી દીધો અને વરસાદ પણ વરસવા લાગ્યો. માનસ છોડતાં પહેલાં ફરીથી કૈલાસ તરફ દૃષ્ટિ કરી પરંતુ વાદળોએ કૈલાસ ક્ષેત્રના આકાશ પર સંપૂર્ણ કબ્જો મેળવી લીધો છે. જાણે કૈલાસપતિની સમાધિ અવસ્થા દરમ્યાન વાદળો ચોકીદારી કરવા પહોંચી ગયા છે.

કૈલાપતિ આજે તો અમે તમારા સૌથી નજીક અને સતત સાત કલાક સુધી દર્શન કર્યાં છે. અત્યારે તો વાંધો નહીં પરંતુ આવતીકાલે અમારી આ ક્ષેત્ર છોડવાની ઈચ્છા નથી છતાં લાચાર બની તમારી વિદાય લેવાની છે. આવતીકાલે અમને વળાવવા જરૂર આવજો. તમારા અંતિમ દર્શનની તસ્વીર સાથે લઈ જવી છે.

બંને મિત્રો રૂમમાં પહોંચ્યા ત્યારે વરસાદ ચાલુ છે અને ઠંડી પણ સખત છે. રૂમમાં જતાં જ પથારીમાં પડ્યા. આજે મંત્રજાપ અધૂરો જ રહ્યો. આજની યાત્રાના અવનવા અનુભવોને હૃદયમાં સંઘરી મહાદેવને પ્રાર્થના કરી.

હે કૈલાસપતિ, નકામી વસ્તુઓની ઈચ્છા કરવામાંથી તુચ્છ બાબતોમાં શક્તિ અને સમય વેડફવામાંથી અર્થહીન પ્રાપ્તિ પાછળ દોટ મુકવામાંથી અને મહેનત કર્યા વિના ધનપ્રાપ્તિની લાલસામાંથી મને બચાવજે. મારી જ વાત સાચી એવી જીદમાંથી અને હું બધું જ જાણું છું એવા અહંકારમાંથી મને બચાવજે. ચડિયાતા લોકો સમક્ષ ઝાંખપ અનુભવવામાંથી અને નીચેના લોકો આગળ મોટાઈ હાંકવામાંથી મને બચાવજે.

(ક્રમશઃ)

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here