બેંગ્લુરુ,તા.૨
કાંડાની ઈજાના કારણે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કેએલ રાહુલ માટે પૂર્ણ થઇ ગયો હતો. જોકે તે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વન-ડે સિરીઝ રમ્યો હતો, પરંતુ પહેલી બે ટેસ્ટ મેચોમાં તે બહાર બેઠો હતો અને ત્રીજી ટેસ્ટ મેચ પહેલા તે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. એવામાં તે ટેસ્ટ સિરીઝથી બહાર થઇ ગયો હતો. પરંતુ હવે મંગળવારે તેણે તે વાતની પુષ્ટિ કરી દીધી છે કે, તે સંપૂર્ણ રીતે ફીટ થઇ ગયો છે અને આગામી સિરીઝમાં તે ટીમ ઇન્ડિયા સાથે જોડાવાનો છે.
બેંગલુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી એટલે એનસીએમાં રિહેબ પ્રક્રિયાથી પસાર થયા બાદ પોતાની ફિટનેસને ફરીથી હાંસલ કર્યા પછી કેએલ રાહુલ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ઘરેલુ સિરીઝ માટે ખુબ જ જલ્દી ટીમ સાથે જોડાઇ શકે છે. કેએલ રાહુલે ટ્વીટ કરીને જણાવ્યું કે,”ખુશી છે કે મેં મારા રિહૈબને પૂર્ણ કર્યું છે. ફિટ અને સ્વસ્થ થવાથી વધારે સારો કોઇ અનુભવ નથી. ખેલાડીઓ સાથે પરત આવવાની મજા અને દેશનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન છે. ઘરેલુ સિરીઝની રાહ જોઇ રહ્યો છું.”
કેએલ રાહુલ, જેણે ઓસ્ટ્રેલિયામાં સીમિત ઓવરોની સિરીઝમાં બે હાફસેંચુરી ફટકારી હતી, તે ૫ ફેબ્રુઆરીથી ઇંગ્લેન્ડ વિરૂદ્ધ શરૂ થનાર પ્રથમ બે ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમ સાથે જોડાઇ જશે. જાન્યુઆરીમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઇએ જણાવી દીધુ હતું કે સમિતિએ કેએલ રાહુલની ઘરેલુ સિરીઝ માટે પસંદગી કરવામાં આવી છે. કેએલ રાહુલ ખુબ જ લાંબા સમયથી એક પણ ટેસ્ટ મેચ રમ્યો નથી.