કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કચ્છ પહોંચશે

0
16
Share
Share

ધોરડો ખાતે આયોજિત સરહદી ક્ષેત્રે વિકાસ કાર્યક્રમમાં સરપંચો સાથે સંવાદ કરશે : ૧૫૦૦ સરપંચો ભાગ લેશે

ભુજ, તા. ૧૧

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. ધોરડો ખાતે આયોજિત સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચ સાથે સંવાદ કરીને પ્રેરક માર્ગદર્શન આપશે.

ધોરડો ખાતે સવારે ૧૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં કેન્દ્રિય ગ્રામિણ વિકાસ કૃષિ અને ખેડૂત કલ્યાણ, પંચાયત રાજમંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહિર ઉપસ્થિત રહેશે. સરહદી ક્ષેત્રેના વિકાસોત્સવ ૨૦૨૦ કાર્યક્રમ અંતર્ગત યોજાનાર આ કાર્યક્રમમાં સરહદી-વિસ્તારના વિકાસ કાર્યો અંગે કેન્દ્રિય ગૃહમંત્રી સરપંચો સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના ૧૦૬, પાટણના ૩૫, બનાસકાંઠાના ૧૭ મળી કુલ ૧૫૮ ગામના સરપંચો, આગેવાનો સહભાગી થવાના છે. જેમાં સરહદી વિભાગને સ્પર્શતા શિક્ષણ, રસ્તા, આરોગ્ય સહિતના અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા વિચારણા કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બીએડીપી યોજના હેઠળ હાથ ધરાનાર પ્રોજેકટો અંતર્ગત ચર્ચા કરાશે. આ યોજનામાં ૬૦ ટકા કેન્દ્ર સરકારની અને ૪૦ ટકા રાજય સરકારની હિસ્સેદારી છે. આ યોજના હેઠળ દેશના ૧૬ રાજયો અને ૨ કેન્દ્ર શાસિત માં ૧૧૧ જેટલા સરહદી જિલ્લાઓમાં ૩૯૬ બ્લોક આવરી લેવાયા છે. જેમાં મુખ્યત્વે માર્ગો, પુલો, પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય, સુખાકારી, ખેતી ક્ષેત્ર સામાજિક સેવાઓ, શિક્ષણ, રમતગમત, મોડલ વિલેજ સહિતના વિવિધ વિકાસકામો હાથ ધરવામાં આવી રહયા છે. આ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં રાજયમાં ૧૬૩૮ પ્રોજેકટ હેઠળ રૂ.૧૯,૩૭૫.૪૮ લાખનો ખર્ચ કરાયો છે. જેમાં કચ્છ જિલ્લામાં ૧૦૦૨, બનાસકાંઠા જિલ્લામાં ૩૫૫ અને પાટણ જિલ્લામાં ૨૮૧ પ્રોજેકટ પૂર્ણ કરાયા છે. ધોરડો ખાતે આયોજિત આ કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ પ્રદર્શનનું ઉદઘાટન કરશે. ત્યારબાદ યોજાનાર મુખ્ય કાર્યક્રમના પ્રારંભે મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્વારા સ્વાગત પ્રવચન અને બી.એસ.એફ.ના અધિકારીઓ દ્વારા કામગીરીનું પ્રેઝન્ટેશન રજુ કરાશે. ઉપરાંત સરપંચશ્રીઓ પણ પોતાના અનુભવોનું આદાન-પ્રદાન કરશે. ત્યારબાદ કેન્દ્રિય ગ્રામિણ વિકાસ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમર, રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ઉદબોધન કરશે. કાર્યક્રમ દરમ્યાન હોમ મિનિસ્ટર્સ સ્પેશ્યલ ઓપરેશન મેડલ મહાનુભાવોના હસ્તે એનાયત કરાશે અંતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સરહદી વિસ્તારના રાજયના ત્રણ જિલ્લાના સરપંચો, આગેવાનોને પ્રેરક માર્ગદર્શન આપનાર છે. કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ કેન્દ્રિય મંત્રી કચ્છની કુળદેવી આશાપુરા માતાના મંદિર માતાનામઢ ખાતે દર્શનાર્થે જશે.

સાંસ્કૃતિક-યુવા રમત-ગમત, વિભાગ દ્વારા કાર્યક્રમો યોજાશે

કચ્છી કલાકારો દ્વારા કચ્છ સહિતની વિવિધ સંસ્કૃતિને ઉજાગાર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે

ધોરડો ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત યોજાનાર સરપંચ સંમેલનમાંરમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારાસાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે. જેમાં કચ્છના કલાકારો દ્વારા કચ્છી સંસ્કૃતિને ઉજાગાર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરાશે.

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કચ્છની વિકાસ ગાથાને સાંસ્કૃતિક શૈલિમાં વણી લઈ રજુ કરવામાં આવનાર આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં માત્ર કચ્છ જ નહી પણ ગુજરાતનાં વિવિધ પ્રાંતની સાંસ્કૃતિક વિરાસતને પણ વણી લેવામાં આવી છે. જેમાં કચ્છનાં જાણીતા લોક ગાયક પુનશી ગઢવી તથા સ્થાનિક વિવિધ કલાકારોનાં સ્વરમાં કચ્છની ધરોહર અને વિકાસ ગાથાને કચ્છની સંસ્કૃતિ રૂપે રજુ કરવામાં આવી રહી છે. આ ગાથામાં કચ્છી ગરબો, મણિયારો, સુરેન્દ્રનગર અને ભાવનગરનો મિશ્ર રાસ તથા કચ્છની સોઢા જાતી કે જે પાકીસ્તાનથી આવીને અહીં વસી છે. તેમની શૌર્યતા અને વિરતાને વણી લેતો તલવાર રાસ સાંસ્કૃતિક શૈલીમાં વણી લઇ રજુ કરવામાં આવશે.

કચ્છ જીલ્લો તેના પરંપરાગત અને સાંસ્કૃતિક મૂલ્યો,કલા, હસ્તકળા અને રચનાત્મકતામાટે જાણીતો છે. કચ્છી લોક નૃત્ય ઘણા વર્ષોથી અસ્તિત્વમાં છે. જેને ધ્યાને લઈ અહીના કલાકારો દ્વારા આ ઉજવણી લોક નૃત્ય સ્વરૂપે રજુ કરવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here