કેટલીક દેશી લોકપ્રિય વાનગીઓ

0
46
Share
Share

ગાંઠિયા કઢી

સામગ્રી : દસ કપ થોડી ખાટી છાશ, એક મોટો ચમચો ચણાનો લોટ, મીઠું, ૧/૪ ચમચી હળદર, ૧ ચમચી ધાણાજીરું પીસેલું, દસ ગ્રામ ગોળ, વઘાર માટે એક ચમચી જીરું, હિંગ બે ચમચી ઘી.

ગાંઠિયા માટે :  એક કપ ચણાનો લોટ ૧/૨ ચમચી જીરું, બે ટે.સ્પૂન તેલ, ૧/૨ ચમચી હળદર, ૧/૨ ચમચી ધાણાજીરું, એક ચમચી લાલ મરચું, એક ચપટી સોડા, મીઠું.

રીત :  ગાંઠિયા માટેનાં લોટમાં ગાંઠિયા માટેની બધી જ ચીજો નાખી, જરા પાણી નાખી કઠણ લોટ બાંધવો.

તપેલીમાં છાશ નાખી, તેમાં મીઠું તથા એક ચમચો લોટ નાખી ઝેરણીથી વલોવી ગરમ મુકવું. તેમાં ગોળ, ધાણાજીરું, ચપટી હળદર નાખી ઉકાળવી. તેમાં ત્રણ કપ પાણી નાખી ફરી બરાબર ઊકળે ત્યારે ગેસ ધીમો કરી તપેલી ઉપર ગાંઠિયા પાડવાનો ઝારો અથવા તળવા માટેનો ઝારો ગોઠવી ગાંઠિયાના લોટનો મોટો ગોળો મૂકવો અને હાથેથી લોટને દાબી દાબીને કઢી ઊકળતી હોય ત્યારે જ તેમાં ગાંઠિયા પાડવા અને વીસેક મિનિટ ઊકળવા દેવી. ગાંઠિયા બરાબર બફાઈ જાય ત્યારે વઘારની વાટકીમાં ઘી ગરમ કરી જીરું, હિંગ નાખી આ વઘાર કઢીમાં રેડી દેવો.

પંજાબી છોલે

સામગ્રી :  પા કિલો કાબુલી ચણા, ૧/૨ ચમચો ઘી, ૧/૨ ચમચો તેલ, ૧/૪ ચમચી ખારો, ૨ ચમચી ગરમ મસાલો, ૧/૨ ચમચી હળદર, ૧/૪ ચમચી હિંગ, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી ધાણાજીરું, ૧/૪ ચમચી સંચળ, ૧ ચમચી આમચૂર, પ્રમાણસર મીઠું, (ટમેટા ખાતા હોય તે વઘારમાં ૩ ટમેટા નાખી શકે છે)  (પનીર ખાતા હોય તો ૧૦૦ ગ્રામ.)

રીત : બે ગ્લાસ હૂંફાળા પાણીમાં ચણા ૫ થી ૬ કલાક પલાળવા. ત્યારબાદ ચણાને બે-ત્રણ વાર બરાબર ધોઈને કૂકરમાં ૨- ૧/૨ ગ્લાસ પાણી, ૧/૪ ચમચી ખાવાનો સોડા તથા મીઠું નાખી ૫ થી ૬ સીટી વગાડવી. કૂકર ઠંડુ પડે એટલે ચણાને એક વાર દબાવીને તપાસી લેવા.કડક લાગે તો પાછા કૂકરમાં મૂકવા. બફાઈ જાય એટલે નીચે ઉતારી લેવા વઘારમાં જ હિંગ, લાલ મરચું તથા ગરમ મસાલો નાખી પછી બાફેલા ચણા નાખવા.

અડધો ગ્લાસ પાણી નાખી બાકીનો મસાલો, હળદર, ધાણાજીરું, સંચળ, આમચૂર (મીઠું બાફતી વખતે નાખવું) બધું નાખી ગેસ ઉપર ૨૦ થી ૨૫ મિનિટ ઉકળવા દેવું. અને વચ્ચે વચ્ચે હલાવતાં રહેવું. પનીર ખાતા હોય તો નાના નાના ટુકડા કરી ઘીમાં તળીને નાખવા. પનીરના ટુકડાને તળીને પાણીમાં રાખવા જેથી ચવડ ન થાય.

સામગ્રી :  ૧ વાટકી ચણાનો લોટ, ૨- ૧/૨ વાટકી જાડી છાશ, ચપટી હળદર, પ્રમાણસર મીઠું, વઘાર માટે ૧ ચમચો તેલ, ૧/૨ ચમચી રાઈ, ૧/૨ ચમચી તલ, ૧/૪ નાની ચમચી હિંગ, ૧ ચમચી લાલ મરચું,

શોભા માટે :  ખમણેલું લીલું કોપરું.

રીત :  છાશની અંદર લોટ નાખી બરાબર હલાવવું. ત્યારબાદ મીઠું અને હળદર નાખી આ મિશ્રણને કૂકરમાં સૌથી ઉપરના ખાનામાં મૂકવું.

કૂકર ખોલ્યા પછી તરત જ આ મિશ્રણને એક જાડા તપેલામાં કાઢી ફરીથી ૫ થી ૭ મિનિટ ધીમા તાપે ગેસ ઉપર મૂકી એકસરખું હલાવતા રહેવું. થોડું જાડું થાય એટલે તરત એક ચમચી જેટલું મિશ્રણ લઈ પાતળું પાથરી જોવું.બાકીના મિશ્રણને ગેસ ઉપર હલાવતા જ રહેવું કારણ કે આ મિશ્રણમાં ગઠ્ઠા બહુ જલદી પડી જાય છે.

બે મિનિટ પછી પાથરેલું મિશ્રણ ઠંડુ પડે એટલે ઉખાડીને જોઈ લેવું. જો બરાબર ઊખડી જાય તો  જલદીથી મોટી થાળીમાં પહેલા અંદરની બાજુ અને પછી બહારની બાજુ રોટલી જેવું પાતળું આ મિશ્રણ પાથરવું. લગભગ મોટી બે થાળીમાં પથરાઈ જાય.પરંતુ એક થાળી વધારે બાજુ પર રાખવી જેથી વધે તો તરત ત્રીજા ઉપર પથરાઈ જાય. વચ્ચે વચ્ચે મિશ્રણ હલાવતા રહેવું. ઠંડુ પડી જવાથી પાતળું પથરાશે નહિ અને ગઠ્ઠા થઈ જશે.

પાંચ મિનિટ પછી તરત જ પાથરેલી ખાંડવીને પાતરાના રોલની જેમ વાળી લેવી. પછી તેના  ટુકડા કરી પહોળા વાસણમાં ગોઠવી દેવા.વઘાર માટે એક ચમચો તેલ વઘારિયામાં મૂકી રાઈ નાંખી તતડે એટલે તલ નાખો. ગેસ બંધ કરી પછી જ હિંગ તથા મરચું નાખી વઘાર ખાંડવી ઉપર રેડવો.

નોંધ :  લાલ મરચું વઘારમાં નાખતી વખતે ગેસ બંધ રાખવો અને વઘાર હંમેશાં ધીમા તાપે જ કરવો.

કેસર શ્રીખંડ

સામગ્રી :  ૩ લીટર દૂધનું મોળું દહીં, ૧  કિલો ગ્રામ ઝીણી ખાંડ, કેસર, પિસ્તા, એલચીનો ભૂકો.

રીત : દૂધને એક વારનો ઉભરો  લાવી ઠંડુ થવા દેવું. નવશેકુ થાય એટલે અંદર ૧/૨ ટી.સ્પૂન દહીં નાખી રવઈથી કે દાળના સંચાથી ખૂબ વલોવવું. પછી ઢાંકીને ૫ થી ૬ કલાક રાખવું જેથી મોળું દહીં તૈયાર થાય.

દહીમાંથી પાણી નિતારવા માટે એક બેસવાનો મધ્યમ આકારનો પાટલો લેવો. તેના એક છેડા પર બે વાટકી મૂકી તેને ઢળતો કરવો.પાટલાની ઢળતી બાજુ હોય તેની નીચે મોટી થાળી રાખવી જેથી દહીંમાંથી નીતરેલું પાણી થાળીમાં જ પડે. ત્યારબાદ પાટલા ઉપર એક ફરવાળો રૃમાલ મૂકી તેના ઉપર પાતળું બીજું કપડું મૂકી દહીંને આસ્તેથી રકાબી વડે કાઢીને પાથરતા જવું. (દહીં ચૂંથાવું ન જોઈએ.) બધું દહીં પથરાઈ જાય એટલે તેના ઉપર પણ પાતળું કપડું મુકવું. આ રીતે ૧।। કલાક દહીંને રાખવું. બધું પાણી નીતરી જશે. પછી આસ્તેથી તવીથા વડે બધું દહીં એક મોટા વાસણમાં લઈ લેવું.  અંદર ખાંડ નાખી બરાબર હલાવવું. પછી આ મિશ્રણને ઢાંકીને ૨ કલાક ફ્રીજમાં રાખવું. (જેથી ખાંડ ઓગળી જશે). ફ્રીજમાંથી બહાર કાઢી તરત જ હલાવીને આ મિશ્રણને સૂપની મોટી સ્ટીલની ગરણીમાં અથવા શ્રીખંડ છીણવાના કપડાંથી છીણી લેવો.નીચે તપેલીમાં પડેલો શ્રીખંડ સુંવાળો હશે.   હવે એક વાટકીમાં કેસર લઈ તેમાં ૧ નાની ચમચી દૂધ નાખી બરાબર લસોટીને શ્રીખંડમાં નાખવું. કેસર નાખી, હલાવી શ્રીખંડને એક કાચના બાઉલમાં કાઢવો.

શોભા માટે :  કતરેલી પિસ્તાની કાતરી તથા એલચીના ભૂકાનો ઉપયોગ કરવો. ફ્રૂડ શ્રીખંડ કરવો હોય તો સ્ટ્રોબેરીની ઋતુમાં સફેદ શ્રીખંડમાં જ સ્ટ્રોબેરીના ટુકડા તથા ૧/૨ ચમચી સ્ટ્રોબેરી એસેન્સ નાખવું. પાયનેપલ શ્રીખંડ કરવો હોય તો એ જ પ્રમાણે પાયનેપલ એસેન્સ અને ટીનનું પાયનેપલ વાપરવું.

નોંધ :  દહીં જરા ગરમ કરી વાપરવું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here