કૃષિમંત્રી ફળદુએ કહ્યું- સાવજો સૌરાષ્ટ્રના ખેડૂતોનો તાજ, વનમંત્રીને જાણ કરીશ
રાજકોટ,તા.૯
કિસાન સૂર્યોદય યોજના હેઠળ આજે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિમંત્રી આર.સી. ફળદુની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. આજથી રાજકોટના ૩૨ ગામોમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, રાજકોટની ભાગોળે સિંહો આવ્યા છે તે અંગે હું વનમંત્રી ગણપત વસાવાને જાણ કરીશ. સાવજો સૌરાષ્ટ્રના ખેડૂતોનો તાજ છે. આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન થતા રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.
આમ છતાં રાજકોટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલા કિસાન સૂર્યોદય યોજનાના કાર્યક્રમમાં કૃષિમંત્રી આર.સી. ફળદુ, રાજકોટના સાંસદ મોહન કુંડારીયા, પૂર્મ મંત્રી વલ્લભ કથીરિયા સહિતના આગેવાનો ઉપસ્થિતિ રહ્યાં હતા. રાજકોટની ભાગોળે ત્રણ સાવજોએ ધામા નાખ્યા છે તે અંગે આર.સી. ફળદુએ વધુમાં જણાવ્યું હતું કે, સિંહ શાંતિપ્રિય પ્રાણી છે.
અત્યાર સુધીમાં એક પણ ખેડૂતની સિંહના રંઝાડની ફરિયાદ મળી નથી. કિસાન સૂર્યોદય યોજનાના આ કાર્યક્રમમાં સ્ટેજ પર ભાજપના અમુક આગેવાનોએ માસ્ક દાઢીએ લટકાવ્યા હોય તેમ જોવા મળ્યાં હતા. તેમજ કોરોનાકાળમાં મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરતા લોકોમાં સવાલ ઉઠ્યો હતો કે, સામાન્ય લોકો એકત્ર થાય તો તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ ભાજપના કાર્યક્રમમાં કોરોનાના કોઈ નિયમ લાગુ પડતા નથી.