કાઠી ક્ષત્રિય સમાજની ચૂંટણી બહિષ્કારની ચિમકી, ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો લાગ્યા

0
31
Share
Share

અમરેલી,તા.૨૦
સાવરકુંડલા તાલુકાના લુવારા ગામની મહિલાની ધરપકડની ઘટના બાદ કરણી સેનાએ પોલીસની કાર્યવાહી સામે આંદોલન છેડયુ છે. ત્યારે રાજ શેખાવતની અપીલને પગલે અમરેલી જિલ્લામા ઠેકઠેકાણેથી કાઠી ક્ષત્રિય સમાજે ચુંટણીના બહિષ્કારની જાહેરાત કરી છે. કયાંક ગામોમા બોર્ડ લાગ્યા છે તો કયાંક બહિષ્કારની જાહેરાતના વિડીયો વાયરલ થઇ રહ્યાં છે. બાબરામા આજે આ મુદે આવેદન અપાયુ હતુ.લુવારા પ્રકરણનો વિવાદ સમવાનુ નામ લેતો નથી. પોલીસે ગુજસીટોકના આરોપી અશોક જયતા બોરીચા અને તેના બહેન હેમુબેનની સામે હત્યાની કોશિષ સહિતનો ગુનો નોંધ્યા બાદ પોલીસે હેમુબેન સામે માત્ર ફરજમા રૂકાવટનુ ચાર્જસીટ દાખલ કર્યુ હતુ અને તેઓ જામીન પર પણ મુકત થઇ ગયા છે. ત્યારબાદ પણ જુદીજુદી માંગણીઓ સબબ કરણી સેનાની આગેવાની નીચે આંદોલનાત્મક કાર્યક્રમો ચાલી રહ્યાં છે.
કરણી સેનાના રાજ શેખાવતે આગામી ૨૨મી તારીખે બપોરે ૩ વાગ્યે અમરેલી એસપી કચેરીનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. અને ગઇકાલે તેમણે રાજય સરકાર જયાં સુધી તેમની માંગણીઓ અંગે પગલા ન લે ત્યાં સુધી ચુંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. આગામી ચુંટણીમા પોતે અને તેનો પરિવાર મતદાન નહી કરે અને ક્ષત્રિય સમાજ પણ ચુંટણીનો બહિષ્કાર કરે તેવી તેમણે અપીલ કરી હતી. જેના અમરેલી જિલ્લામા ઘેરા પ્રત્યાઘાત પડયા છે.આ વિસ્તારમા કાઠી ક્ષત્રિય સમાજની વસતિ વધુ છે.
ત્યારે ધારી, ચલાલા, હાડીડા, રામગઢ, કડાયા, ગોપાલગ્રામ, ઢોલરવા, દાધીયા, ગરમલી, માણાવાવ, વાવડી, દહિંડા, શેલ ખંભાળીયા, થોરડી વિગેરે ગામોમા કાઠી ક્ષત્રિય સમાજ આગામી પાલિકા અને પંચાયતની ચુંટણીમા મતદાન નહી કરે તે અંગે સોશ્યલ મિડીયામા જોરશોરથી ઝુંબેશ ચાલી છે. ખાંભા તાલુકાના ડેડાણમા તો કાઠી ક્ષત્રિય સમાજે ચુંટણીનો બહિષ્કાર કરેલ છે તેવુ જાહેરમા બોર્ડ લગાવીદેવાયુ હતુ. તો બીજી તરફ બાબરામા આજે આ વિસ્તારના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતુ. અને લુવારા પ્રકરણમા હેમુબેનને પુરતો ન્યાય ન મળે અને દોષિત પોલીસ કર્મચારીઓ ઉપર કાયદાકીય કાર્યવાહી ન થાય ત્યાં સુધી કોટડાપીઠા ગામના કાઠી સમાજના લોકો ચુંટણીનો બહિષ્કાર કરે છે તેવી જાહેરાત કરાઇ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here