કાકરાપાર-ગોરધા-વડ ઉદવહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ થશે

0
18
Share
Share

૩૭ માળ જેટલી ઊંચાઈએથી પાણી લિફ્ટ કરીને માંડવી, માંગરોળના આદિજાતિ પરિવારોને અપાશે સિંચાઈનો લાભ

ગાંધીનગર, તા.૯

મુખ્યમંત્રી વિજય રૂપાણી રવિવારે તા. ૧૦મી જાન્યુઆરીએ સવારે  ૯.૩૦ કલાકે સુરત જિલ્લાના  સઠવાવ  ખાતેથી  માંડવી અને માંગરોળના આદિજાતિ વિસ્તારોને સિંચાઈની સુવિધા પૂરી પાડતી રૂ. ૫૭૦ કરોડની કાકરાપાર-ગોરધા-વડ ઉદવહન સિંચાઈ યોજનાનો લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં ડુંગરાળ પ્રદેશમાં વસેલા  ગામોને સિંચાઈ માટેની પૂરતી સુવિધા મળી રહે તે માટે વિષમ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા આવા વિસ્તારોમાં લિફ્ટ ઈરિગેશન-ઉદવહન સિંચાઈ યોજનાથી જળ સમૃદ્ધિ આપવાની નિર્ણાયક પ્રતિબદ્ધતા દર્શાવેલી છે. આ કાકરાપાર-ગોરધા-વડ ઉદવહન સિંચાઈ યોજના અંતર્ગત ૩૨ કિલોમીટર લંબાઈમાં માઈલ્ડ સ્ટિલ પાઈપ બિછાવીને ૩૭ માળ જેટલાં મકાનની ઊંચાઈએ પાણી લિફ્ટ કરીને માંડવી તાલુકાના ૬૧ તથા માંગરોળ તાલુકાના ૨૮ મળી ૮૯ ગામોની ૪૯,૫૦૦ એકર જમીનને સિંચાઈ માટે પાણી પહોંચાડવામાં આવશે. ૨૯,૦૦૦ જેટલાં આદિજાતિ ખેડૂત પરિવારોને સિંચાઈ માટે આ પાણીનો લાભ મળવાનો છે.

મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પિત થનારી આ લિફ્ટ ઈરિગેશન સ્કીમ ના પરિણામે ૩ મધ્યમ ડેમ, ૨ મોટા તળાવો અને ૩૦ ચેકડેમ તેમજ  ૬ કોતરોમાં જળસંગ્રહ થવાથી આ આદિજાતિ વિસ્તારોમાં પાણીના સ્તર ઊંચા આવશે. આ લોકાર્પણ અવસરમાં રાજ્યના વન અને આદિજાતિ વિકાસ  મંત્રી ગણપત વસાવા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર તેમજ ભારતીય જનતાપાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ, બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા તથા સુરતના સાંસદ દર્શનાબહેન જરદોશ સહભાગી થશે.  અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના આદિજાતિ કલ્યાણ અભિગમ સ્વરૂપે ૨૦૧૬ થી ૪ વર્ષમાં રાજ્યના ૧૪ જિલ્લાના ૫૪ આદિજાતિ તાલુકાઓમાં સિંચાઈ સુવિધાના નાના મોટા ૧૬૪૧ કામો દ્વારા ૪,૨૪,૫૦૦ એકર જમીનને સિંચાઈ સુવિધા મળી છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here