મીઠાપુર તા. ર૬
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા અને વેપાર ધંધા સાથે સંકળાયેલા હેમતભાઈ ઉર્ફે ભીખુભાઈ ભીમાભાઇ નકુમ નામના ૨૭ વર્ષીય સતવારા યુવાન દ્વારા કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામના રાજેન્દ્રસિંહ સજુભા જાડેજા તથા યુવરાજસિંહ સજુભા જાડેજા નામના બે શખ્સો પાસેથી ચોક્કસ રકમ લઈ અને તેમની શિવ એજન્સી નામની એક દુકાનમાં ભાગીદારી કરવામાં આવી હતી. આશરે ત્રણેક વર્ષ પહેલા લીધેલી રકમના મેળવનાર વેપારી યુવાન હેમતભાઈએ ભરોસો અને વિશ્વાસ કેળવ્યા બાદ બન્ને આરોપી શખ્સો દ્વારા હેમતભાઈ પાસેથી ટુકડે- ટુકડે ૩૧ થી ૩૨ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી. આટલું જ નહીં, ફરિયાદીની શિવ એજન્સીમાં ચાલતી બોલેરો ગાડી પણ બન્ને ભાઈઓએ બળજબરીથી પડાવી લીધી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.
આટલુ જાણે ઓછું હોય તેમ આરોપી શખ્સો દ્વારા હેમતભાઈને વધુ ચાલીસ લાખ રૂપિયા આપવા દબાણ કરી અને પઠાણી વ્યાજ વસુલવા તથા ફરિયાદી હેમતભાઈ અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકના નોંધવામાં આવી છે.આમ, ધીરધારના લાયસન્સ વગર પઠાણી રકમ વસૂલી અને સતવારા પરિવારને ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર કરવા સબબ આ સમગ્ર પ્રકરણ અહીંની એલ.સી.બી. પોલીસમાં જતા હેમતભાઈ ઉર્ફે ભીખુભાઈ નકુમની ફરિયાદ પરથી પોલીસે બન્ને બંધુઓ સામે આઈ.પી.સી. કલમ ૩૮૫, ૩૮૬, ૪૦૬, ૪૨૦, ૩૪ તથા ગુજરાત મનીલેન્ડ અધિનિયમ એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. એફ.બી. ગગનીયાએ હાથ ધરી છે.