કલ્યાણપુર : ચંદ્રવાડા ગામે વાડી માલિકનાં ત્રાસથી શ્રમિક ભાગીદારનો આપઘાત, ત્રણ સામે ફરિયાદ

0
16
Share
Share

મીઠાપુર તા. ૧૯

કલ્યાણપુરથી આશરે વીસ કિલોમીટર દૂર ચંદ્રાવાડા ગામના વાડી વિસ્તારમાં રહેતા સામતભાઈ નગાભાઇ મોઢવાડીયા નામના ૩૯ વર્ષના મેર યુવાને આ જ ગામના મૂળ રહીશ અને હાલ યુ.કે. ખાતે સ્થાયી થયેલા ભીખુભાઈ રામદેભાઇ મોઢવાડીયાની માલિકીની વાડી (ખેતર) છેલ્લા ચારેક માસથી ભાગમાં વાવવા માટે રાખી હતી. આ દરમિયાન કોઈ કારણોસર વાડી માલિક ભીખુભાઈ રામદેભાઈ મોઢવાડીયા દ્વારા સામતભાઇને  ફોન કરીને મારી નાખવાની ધમકી આપી, અવારનવાર માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. આટલું જ નહીં, તેમના પત્ની ગીતાબેન દ્વારા પણ અવાર-નવાર વાડીએ આવી અને સામતભાઈને ગાળો આપી ધમકીઓ આપવામાં આવતી હતી. આ સાથે જૂનાગઢના રહીશ ભરત કડછા નામના શખ્સ દ્વારા પણ ઉપરોક્ત આરોપીઓની મદદગારી કરવામાં આવતી હતી.

આ વચ્ચે વાડી માલિક ભીખુ રામદેભાઈ મોઢવાડીયા દ્વારા સામતભાઈ મોઢવાડીયાને વારંવાર ફોન દ્વારા તથા વોટ્‌સએપ દ્વારા ઓડિયો ક્લિપ મોકલી અને વાડી ખાલી કરી નાખવાનું કહી તથા વાવેતર ન કરવા અને જો તે મગફળી ઉપાડવા જશે તો તેમને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપવામાં આવતા છેલ્લા સતત પંદરેક દિવસના માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને સામતભાઈ નગાભાઈ મોઢવાડીયાએ ગત્ તારીખ ૧૫ મી ના રોજ ઝેરી ટીકડા ખાઈને આપઘાત કરી લીધો હતો.આ સમગ્ર પ્રકરણ અંગે મૃતકના ધર્મપત્ની સુમરીબેન સામતભાઈ મોઢવાડીયા (ઉ.વ. ૩૬) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ભીખુભાઈ, તેમના પત્ની ગીતાબેન તથા જૂનાગઢના ભરત કડછા સામે ફરિયાદી સુમરીબેનના પતિને મરી જવા માટે મજબૂર કરવા સબબ આઈ.પી.સી. કલમ ૩૦૬, ૫૦૪, ૫૦૬(૨), ૫૦૭ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણ અંગે આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

દ્વારકા મંદિરમાં વેપારીનું ખીસ્સુ કપાયું

દ્વારકાના જુના બસ સ્ટેન્ડ પાસે રહેતા અતુલભાઈ ચંદ્રકાન્તભાઈ દવે નામના ૫૨ વર્ષીય વેપારી બ્રાહ્મણ મંગળવારે રાત્રિના પોણા આઠ વાગ્યે દ્વારકાના જગત મંદિરમાં દર્શન કરવા ગયા હતા, ત્યારે કોઈ અજાણ્યા તસ્કરોએ અતુલભાઈના ખિસ્સામાં રાખવામાં આવેલા રૂપિયા ૪૨૦૦ રોકડા તથા આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, પાનકાર્ડ તથા વીઝીટીંગ કાર્ડ સાથેના પાકીટને સેરવી જતા ચોરીના આ બનાવ અંગે અતુલભાઈની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે આઈ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

બેટ દ્વારકા ખાતે યુવાનનું ખિસ્સુ કપાયું

ઓખા મંડળના બેટ દ્વારકા ખાતે રહેતા દિપકભાઈ જીવાભાઈ રાઠોડ નામના ૪૦ વર્ષના યુવાન મંગળવારે બપોરે બેટ દ્વારકા પાસેની પેસેન્જર જેટીની રેલીંગ પાસે પાણીની બોટલ વેંચવા માટે ઉભા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સનો ધકકો લાગ્યા બાદ તેમના ખિસ્સામાં રહેલા વેપારના રૂપિયા ૧,૬૦૦ ની રોકડ રકમ ભરેલું પર્સ ગાયબ હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. આમ, રોકડ રકમ સહિતના પાકીટની ચોરી થવા સબબ દીપકભાઈ રાઠોડએ ઓખા મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here