ગાંધીનગર,તા.૨૭
કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે રાજ્ય સરકારે ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાતના ૯થી સવારના ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ કર્યો છે. પરંતુ ગુજરાત રાજપુત કરણી સેનાએ રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવા માગણી કરી છે. ગુજરાત રાજપુત કરણી સેનાએ નાના વેપારીઓને નુકસાન ન પહોંચે તે માટે ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના ૧૧થી સવારના ૬ વાગ્યા સુધીનો રાખાવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને અપીલ કરી છે.
ગુજરાત રાજપુત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેએ જણાવ્યું હતું કે, હું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક અપીલ કરવા માગુ છું કે, કોરોના મહામારીમાં સરકારે ખબૂ જ સારા પ્રયત્નો કર્યા છે. પરંતુ હાલમાં ચાર મહાનગરોમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે તેમાં ફેરફાર કરીને રાતના ૯ વાગ્યાના બદલે રાતના ૧૧થી સવારના ૬ વાગ્યા સુધી રાખવામાં આવે. સાંજનો સમય એવો છે કે, સાંજના ૬થી ૯ વાગ્યા સુધીમાં નાના-મોટા કારખાનેદારો, ખાણીપીણીવાળા અને પાનના ગલ્લાવાળાઓને અસર કરે છે. આથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અપીલ કરૂ છું કે, રાતના ૧૧ વાગ્યાથી કર્ફ્યૂનો સમય રાખવામાં આવે તો લોકો માટે ખૂબ જ ઉપયોગી થશે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે મુખ્યમંત્રીને રાત્રિ કર્ફ્યૂની સમય મર્યાદામાં ફેરફાર કરવા રજૂઆત કરી હતી. તેમાં જણાવ્યું હતું કે, ૩ મહિનાના લોકડાઉનમાં વેપાર ઉદ્યોગ બંધ રહ્યા હતા. જેને કારણે વેપારમાં પારાવાર મુશ્કેલી પડી. હજુ આ મંદીમાંથી બહાર નીકળ્યા નથી એવામાં રાત્રી કફર્યૂ લાદી દેવામાં આવ્યો છે જે પડ્યા પર પાટુ સમાન છે. અનેક ઇન્ડસ્ટ્રીઝમાં ત્રણ શિફ્ટમાં કામ ચાલતું હોય છે. તેઓને રાત્રે ઘરે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. દુકાનદારો વેપારીઓ મોડે સુધી પોતાનો વેપાર કરી શકે આર્થિક ફટકામાંથી બહાર નીકળી શકાય એ માટે રાત્રી કફર્યૂ હટાવવો જોઈએ અને એ શક્ય ન બને તેમ હોય તો કર્ફ્યૂનો સમય રાત્રિના ૧૧થી સવારના ૬ સુધી કરવો જોઈએ જેથી વેપારીઓને થતી હેરાનગતિમાં રાહત મળી શકે.