કપિલ બીજાવાર પિતા બનતાં ભારતી ખુશ જોવા મળી રહી છે : તેણે ગિન્નીના બેબી શાવરની તસવીર શેર કરી
મુંબઈ, તા.૨
સોમવારે વહેલી સવારે કપિલ શર્મા અને ગિન્ની ચતરથને ત્યાં બીજા બાળકનો જન્મ થતાં ચારેતરફથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે. કપલને ત્યાં દીકરાનો જન્મ થયો છે. કોમેડિયનમાંથી એક્ટર બનેલા કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર તેના ફેન્સ અને શુભચિંતકો સાથે ગુડ ન્યૂઝ શેર કર્યા હતા. કપિલ શર્માને મોટો ભાઈ માનતી ભારતી સિંહ આ સમાચાર સાંભળીને સાતમા આસમાને છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર કપિલની પત્ની ગિન્ની ચતરથ અને તેની દીકરી અનાયરાની અનસીન તસવીર શેર કરી છે. જે ગિન્નીના બેબી શાવર દરમિયાનની છે. આ તસવીરની સાથે તેણે કપિલ અને તેની પત્ની માટે એક ટૂંક નોટ પણ લખી છે.
તસવીરમાં, ગિન્ની અને અનાયરા ગ્રીન અટાયરમાં એકબીજા સાથે ટિ્વનિંગ કરતાં જોવા મળી રહ્યા છે. પોસ્ટમાં ભારતી સિંહે ઉલ્લેખ કર્યો છે કે, તેના માટે પહેલી ફેબ્રુઆરી હંમેશા તેના માટે સ્પેશિયલ રહેશે. તેણે આ સાથે તેમ પણ કહ્યું કે, કપિલે પેટરનિટી લીવ લેવી જોઈએ અને બાળક સાથે સમય પસાર કરવો જોઈએ. આ સિવાય તે નવજાત બાળકને પોતાના ખોળામાં લેવા માટે ઉત્સાહિત હોવાનું પણ જણાવ્યું છે. ભારતી સિંહે લખ્યું છે કે, ’તે દીકરો છે. પહેલી ફેબ્રુઆરી મારા માટે હંમેશા ખાસ રહેશે. મારા ખુશીનો ટુકડો, જુનિયર કપિલ, તું મારા માટે ખૂબ ખુશીઓ લઈને આવ્યો છે. હું મારી ખુશીને શબ્દોમાં વર્ણવી શકતી નથી. મારા ભાઈનો પરિવાર આજે પૂરો થયો. ભાઈ અત્યારે તમારે પેટરનિટી લીવ લેવી જોઈએ અને તમારા એન્જલ સાથે સમય પસાર કરવો જોઈએ. નાનકડાને આશીર્વાદ. કપિલ શર્મા અને ગિન્ની ચતરથ પહેલાથી અનાયરા નામની દીકરીના માતા-પિતા છે. જે ૧૦મી ડિસેમ્બર, ૨૦૨૦ના દિવસે એક વર્ષની થઈ.
કપિલ અને ગિન્નીના લગ્ન ૧૨મી ડિસેમ્બર, ૨૦૧૯માં થયા હતા. એક્ટરે હાલ શોમાંથી થોડો સમય લીધો છે. કારણ કે તે પત્ની અને નવજાત બાળક સાથે સમય પસાર કરવા માગે છે. કપિલનો ધ કપિલ શર્મા શો આ મહિનાના બીજા અઠવાડિયામાં ઓફ-એર થવાનો છે. જે થોડા સમય બાદ ફરીથી નવી સીઝન સાથે પાછો આવશે.