કપડાની દુકાનમાં આવી ફિલ્ડ કર્મી કહી દુકાનના ફોટા લેતા નોંધાઈ ફરિયાદ

0
38
Share
Share

અમદાવાદ,તા.૨
છેલ્લા કેટલાક સમયથી સીઆઇડી ક્રાઇમ દ્વારા બ્રાન્ડેડ કંપનીના નામે બનાવટી વસ્તુ ઓનું વેચાણ કરતા દુકાનદારો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. આ સંદર્ભે કાર્યવાહી કરીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, કેટલાક લવરમૂછિયા આ તકનો ગેરલાભ ઉઠાવવા માંગતા હોય તેમ લાગી રહ્યું છે. વસ્ત્રાપુરમાં છ જેટલા યુવાનો કપડાંના શો રૂમમાં ગ્રાહક સુરક્ષાના ફિલ્ડ ઓફિસરના નામે ઘૂસી ગયા હતા અને વીડિયોગ્રાફી શરૂ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. બે દિવસ પહેલા પણ શહેરમાં આવો જ એક બનાવ બન્યો હતો. જેમાં કેટલાક લોકો ગ્રાહક સુરક્ષા વિભાગમાં ફરિયાદ થઈ હોવાનું જણાવીને એક દુકાનમાં ઘૂગી ગયા હતા.
થલતેજમાં રહેતા રાજેન્દ્રસિંગ રાજ પુરોહિતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે ગઇકાલે સાંજના સમયે છ જેટલા ઈસમો સિવિલ ડ્રેસમાં તેમના શો રૂમ પર આવ્યા હતાં. પોતે ગ્રાહક સુરક્ષાના ફિલ્ડ ઓફિસર હોવાનું જણાવી બ્રાન્ડની રેડ કરવા માટે આવ્યાં હોવાનું કહીને કપડાંના બિલ માંગ્યા હતા. એટલું જ નહીં, તેઓએ શો રૂમની વીડિયોગ્રાફી પણ કરી હતી. ગ્રાહક સુરક્ષાના ફિલ્ડ ઓફિસર બનીને આવેલા લોકોએ કપડાંના બિલ માંગ્યા હતા. આ બિલ તેમણે તેમના સિનિયર ધ્રુવરાજસિંહ વાઢેરને બતાવવાના હોવાનુ જણાવ્યું હતું.
શો રૂમમાં હાજર મેનેજરે ફરિયાદીને જાણ કરતા તેઓ પણ શો રૂમ પર પહોંચ્યા હતા. આ અંગે ફરિયાદીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ આ જ વિસ્તારમાં આવેલ અન્ય એક શો રૂમમાં ગ્રાહક સુરક્ષાના નામે કેટલાક લોકો કાપડના શો રૂમમાં ઘૂસ્યા હતા અને કપડાંના બિલો માંગી ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ થઇ હોવાનું જણાવ્યું હતું. તમામ લોકોએ કાલે મળીશું એવું કહ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here