સુરત,તા.૧
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી એક ૧૫ વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચરનારા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીએ સોશિયલ મીડિયા થકી કિશોરી સાથે મિત્રતામાં તરૂણી પર દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા સમગ્ર મામલે કતારગામ પોલીસ મથકમાં પહોંચ્યો હતો. જેમાં પોલીસે યુવક સામે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેતી યુવતીઓ માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં સોશિયલ મીડિયા થકી મિત્રતા બનાવી એક ૧૫ વર્ષીય કિશોરી પર યુવકે દુષ્કર્મ આચર્યું હતું. વાત કાંઇક એમ છે કે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષીય કિશોરી સાથે સોશિયલ મીડિયાના માધ્યમ થકી યશ વિજયભાઈ કડિયા નામના યુવકે મિત્રતા કેળવી હતી અને બાદમાં તેની સાથે અવાર નવાર વાતચીત કરતો હતો.
બાદમાં કિશોરીને વિશ્વાસમાં લઈને પ્રેમભરી વાતો કરી તેને તેના મિત્રના ઘરે લઇ ગયો હતો. જ્યાં તેણે કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીએ કોઈને પણ જાણ ન કરી હતી. જોકે, કિશોરી ગર્ભવતી થતા ભાંડો ફૂટી ગયો હતો. કિશોરીને પેટમાં દુખાવો થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેને બે માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે પરિવારજનોએ પૂછતા કિશોરીએ સમગ્ર હકિકત જણાવી હતી.
જેથી પરિવારે સમગ્ર મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કિશોરીએ ગર્ભવતી હોવા અંગે પોલીસને પહેલા જુઠ્ઠ કહ્યું હતું. જોકે ત્યારબાદ યશનું નામ આપ્યું હતું. આ મામલે પરિવારજનોની ફરિયાદના આધારે કતારગામ પોલીસે તપાસ શરૂ કરી હતી. આરોપી યશ વિરૂદ્ધ પોસ્કો અને દુષ્કર્મ અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી તેની પર કાયદેસરની કાર્યવાહી કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.