સુરત,તા.૨૭
સુરત શહેરના કડોદરાના જોલવા ગામ ખાતે આવેલી ગાર્ડન સિલ્ક મિલમાં એક યુનિટમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ વધુ વકરે નહીં તે માટે સુરત અને બારડોલી ફાયર વિભાગની મદદ લેવામાં આવી છે. ૭.૩૦ કલાકે લાગેલી આગ પર હાલ પાણીનો મારો ચલાવી કાબૂમાં લેવા પ્રયાસ ચાલી રહ્યા છે. જ્યારે આગ વધુ વકરે નહી તેની પણ કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન ત્રણ ફાયર વિભાગ દ્વારા આગને બે કલાકે કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.
ફાયર વિભાગની મેનેજમેન્ટ ટીમના ઓફિસર જેકે દાસે જણાવ્યું હતું કે, ગાર્ડન મિલના એક નાના યુનિટમાં આગની ઘટના સવારે ૭ઃ૩૦ વાગ્યાની હતી. જેને લઈ ગાર્ડન મિલના ફાયરના જવાનોએ પાણીનો મારો કરી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. ત્યારબાદ સુરત અને બારડોલી ફાયરની મદદ માંગી હતી. લગભગ ત્રણ વિભાગના ફાયરના જવાનોએ ભેગા મળી આગને ૯ઃ૩૦ સુધીમાં કાબૂમાં લઈ લીધી હતી. ગાર્ડન મિલની આગમાં કોઈ જાનહાની નોંધાય નથી. જોકે, ભાગદોડ મચી ગઇ હતી. હાલ નુકશાનને લઈ કંઈ કહી શકાય એમ નથી સર્વે ચાલી રહ્યો છે. આગ કાબૂમાં આવી ગઈ છે.