કઠોર નિયંત્રણો છતાં હજુ પણ કેટલાક લોકો બહાર દેખાય છે

0
40
Share
Share

રાજ્યભરમાં લોકડાઉનનો અમલ થઇ રહ્યો છે પરંતુ લોકો દૂધ-શાકભાજી લેવા ઘરની બહાર નીકળવા માટે મજબૂર
અમદાવાદ,તા.૨૫
કોરોનાના સંક્રમણ અને તેના સંકજામાંથી લોકોને બચાવવાના ઉમદા આશય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત સહિત દેશભરમાં ૨૧ દિવસનું તા.૧૪મી એપ્રિલ સુધી જબરદસ્ત લોકડાઉન જાહેર કરાયું છે અને ગુજરાતામં તેની સારી રીતે અમલવારી પણ થઇ રહી છે. જો કે, હજુ પણ લોકો દૂધ, શાકભાજી, દવા, કરિયાણું સહિતની આવશ્યક ચીજવસ્તુઓ લેવા માટે પોતપોતાના ઘરોની બહાર નીકળી રહ્યા હોવાની સ્થિતિ સામે આવી રહી છે. ખાસ કરીને શાકભાજી, કરિયાણાની દુકાનો, દૂધની ડેરી-પાર્લરો પર લોકોની ભીડભાડ અને ટોળા સ્પષ્ટપણે જામી રહ્યા છે ત્યારે તેને ખતમ કરવા અથવા તો ઓછા કરવા એ સરકાર, પોલીસ અને સમગ્ર તંત્ર માટે એક પડકારજનક બાબત બની છે ત્યારે સરકાર અને તંત્ર દ્વારા હજુ પણ લોકોને કોરોના વાયરસની અસરની ગંભીરતા સમજાવી લોકોને ઘરોની બહાર નહી નીકળવા સતત અપીલો કરાઇ રહી છે. હોવાછતાં રાજ્યમાં કોરોના વાઇરસના વધતા વ્યાપને લઈ અમદાવાદ સહિત સમગ્ર દેશભરમાં તા.૧૪મી એપ્રિલ સુધી ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરાયું હોવા છતાં લોકો હજુ પણ ઘરોમાંથી બહાર નીકળવાને લઇ ગંભીર બનતા નથી અને ભયંકર અજાગૃતિ દાખવી રહ્યા છે. એકબાજુ, સરકાર, તંત્ર અને પોલીસના અધિકારીઓ-કર્મચારીઓ લોકોને હાથ જોડી જોડીને વિનંતી કરી રહ્યા છે કે, ઇમરજન્સી સિવાય ઘરોમાંથી બહાર ના નીકળો પરંતુ લોકો હજુ પણ સરકાર કે તંત્રની અપીલને જોઇએ તેટલી ગંભીરતાથી લેતાં નથી અને તેથી સરકારક અને તંત્ર ભારે ચિંતિત બન્યુ છે કે, જો પ્રજા આમ જ લોકડાઉનનું પાલન નહી કરે તો કોરોના અમદાવાદ શહેર સહિત ગુજરાતમાં તેની ભયાવહ અને બેકાબૂ અસરો પાથરવામાં સફળ થઇ જશે. તેથી સરકારે ફરી એકવાર જનતાને અપીલ કરી છે કે, તેઓ કોઇપણ સંજોગોમાં ઘરોની બહાર ના નીકળે. આજે સવારથી અમદાવાદ શહેરમાં રસ્તા પર જઈ રહેલા લોકોને પોલીસ અટકાવીને પૂછપરછ કરી રહી હતી. જેમાંથી કામ વિના બહાર નીકળી રહેલા લોકો સામે પોલીસ પગલા ભરી રહી હતી. જો કે, કેટલાક વિસ્તારોમાં પોલીસે સંયમ ગુમાવી બહાર નીકળેલા લોકોને ફટકાર્યાં હતા માત્ર એટલું જ નહીં પૂછ્યા વિના જ દંડાવાળી કરી હતી. અમદાવાદની જેમ જ વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર, જામનગર, ભાવનગર સહિતના શહેરોમાં પણ પોલીસે લોકડાઉનની અમલવારી કરાવી હતી ત્યારે કયાંક ઘર્ષણના પણ છૂટાછવાયા કિસ્સા સામે આવ્યા હતા. જો કે, પોલીસે આજે કડકાઇથી કાર્યવાહી હાથ ધરી લોકોને સમજાવ્યા હતા અને રસ્તા પર કે બહાર નીકળેલા લોકોને સમજાવટથી ઘેર પાછા વાળ્યા હતા.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here