મુંબઇ,તા.૨૧
ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ખૂબ જ યાદગાર રહ્યો. વનડે સિરીઝ ૧-૨ થી હાર્યા બાદ ભારતીય ટીમે ટી-૨૦ આંતરરાય શ્રેણી ૨-૧ અને ટેસ્ટ શ્રેણી ૨-૧ થી જીતીને દુનિયાને બતાવ્યુ કે ‘હાર કર જીતને વાલે કો બાજીગર કહેતે હૈ’. બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં ઐતિહાસિક જીત નોંધાવ્યા બાદ ગુરુવારે સવારે ટીમ ઇન્ડિયા ઘરે પહોંચી હતી. રોહિત શર્મા, અજિંક્ય રહાણે, હેડ કોચ રવિ શાસ્ત્રી અને પૃથ્વી શો મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યા હતા, વળી બ્રિસ્બેન ટેસ્ટનાં હીરો રહેલા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો હતો. એરપોર્ટ પર ટીમ ઇન્ડિયાનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું.
ટીમ ઇન્ડિયાનાં ક્રિકેટરો થોડા દિવસનાં વિરામ બાદ ૨૭ જાન્યુઆરીથી બાયો બબલમાં પાછા આવશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી ૫ ફેબ્રુઆરીથી રમાવાની છે. આ શ્રેણી પહેલા તમામ ખેલાડીઓ બાયો બબલમાં આવશે. પ્રથમ બે ટેસ્ટ મેચ ચેન્નાઈમાં રમાવાની છે.
પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા જેવા દિગ્ગજ ક્રિકેટરોની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાએ બ્રિસ્બેન ટેસ્ટ જીતીને શ્રેણી જીતી હતી. એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ બાદ વિરાટ કોહલી પિતૃત્વ રજા પર ઘરે પરત આવ્યો હતો. આ પછી અજિંક્ય રહાણેએ બાકીની ત્રણ ટેસ્ટમાં ટીમની કમાન સંભાળી હતી.