ઓનલાઈન શિક્ષણનું ગતકડું બંધ કરાવવા કોંગ્રેસની ડીઈઓ કચેરીએ બઘડાટી

0
15
Share
Share

અમદાવાદ,તા.૨૫

વાલીઓ સરકાર અને સ્કૂલ-કોલેજના સંચાલકો પાસે ચાલુ સત્રની ફી માફી કરવાનો નિર્ણય લેવાય તેવી આશા રાખે છે ત્યારે કેટલીક સ્કૂલોએ ઓનલાઈન શિક્ષણ શરૂ કરતા તે સામે તીવ્ર વિરોધ વંટોળ ઉભો થયો છે. રાજકોટમાં ઓનલાઈન શિક્ષણથી કંટાળીને ધો.૮ની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કર્યાની ઘટનાથી વાલી જગત હચમચી ગયું છે ત્યારે આજે એન.એસ.યુ.આઈ.ના વિદ્યાર્થી આગેવાનોએ  જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ ધસી જઈને ઓનલાઈન શિક્ષણનું ગતકડું બંધ કરાવવા ભારપૂર્વક માંગણી કરી હતી.

આ મુદ્દે ઉગ્ર માથાકૂટ થતા પોલીસે પાંચ કાર્યકરોની અટકાયત કરી હતી. ભાજપ હાય હાયના સૂત્રોચ્ચારો સાથે આગેવાનોએ ડી.ઈ.ઓ. કચેરીએ હંગામો મચાવ્યો હતો. લોકોને ઘર કેમ ચલાવવું તેની મુંઝવણ છે ત્યારે સરકારે પુખ્ત વિચારણા કર્યા વગર શિક્ષણના માલેતુજાર ધંધાર્થીઓને ફાયદો કરાવવા માંગતી હોય તેમ ઓનલાઈન શિક્ષણ  શરૂ કરાયાનો આક્ષેપ કરીને જણાવ્યું કે રાજ્ય સરકારે ઓનલાઈન શિક્ષણ પધ્ધતિ દાખલ કરતા પહેલા નામાંકિત શિક્ષણવિદો, ન્યુરો સર્જન, આંખના સર્જનો તથા મનોચિકિત્સકો વગેરેનો અભિપ્રાય લેવાની જરૂર હતી.

ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓની આંખ, મગજ, કાન ઉપર ગંભીર અસર થાય છે અને વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય આને કારણે કથળે તેમ છે. આ અન્વયે આવું શિક્ષણ બંધ કરાવવા માંગણી છે. બીજી તરફ વાલીઓમાં એવી માંગણી અને લાગણી છે કે ટયુશન ફીની તલવાર લટકતી  રાખવાને બદલે અત્યાર સુધી અત્યંત ઉંચી ફી વસુલ કરનાર ખાનગી શાળાઓ પાસે આ સત્રની ફી માફ કરાવવા નિર્ણય લેવાય તે જરૂરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here