અમદાવાદ,તા.૧૨
એનઆઈડીથી પાલડી બાજુ રોંગ સાઇડમાં કાર લઈને ઘૂસેલા યુવકને ટ્રાફિક પોલીસે રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ યુવકે કાર ઊભી ન રાખતાં ટ્રાફિક જવાન બોનેટ પર ચઢી ગયો હતો, પરંતુ યુવકે કાર અટકાવી ન હતી અને એક કિલોમીટર સુધી ઢસડ્યો હતો. રાણીપમાં ચામુંડા માતાના મંદિર પાસે આવેલા નવાપુરાના ઠાકોર વાસમાં રહેતા મહેન્દ્રસિંહ બામણિયા (ઉં.૩૩) ચાર વર્ષથી એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવે છે.
રવિવારે સાંજે મહેન્દ્રસિંહ સ્ટાફના અન્ય પોલીસ કર્મચારીઓ સાથે પાલડી ચાર રસ્તા ખાતે ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા ત્યારે સાંજે ૭.૪૫ વાગ્યે એનઆઈડી બાજુથી એક કાર રોંગસાઈડમાં આવી હતી.મહેન્દ્રસિંહ અને તેમની સાથેના અન્ય પોલીસ કર્મચારીઓએ કાર રોકવા ચાલકને ઈશારો કર્યો હતો અને રોડની વચ્ચે ઊભા રહી ગયા હતા છતાં યુવકે કાર અટકાવી ન હતી. આથી અન્ય પોલીસ કર્મચારીઓ સાઇડમાં ખસી ગયા હતા જ્યારે મહેન્દ્રસિંહ કારના બોનેટ પર ચડી ગયા હતા. મહેન્દ્રસિંહ બોનેટ પર ચડી ગયા હોવા છતાં કારચાલકે કાર રોકી ન હતી. મહેન્દ્રસિંહે પણ કારનું બોનેટ પકડી રાખ્યું હતું.
લગભગ ૧ કિલોમીટર દૂર સુધી કારચાલક કાર લઈ ગયો હતો. બીજી તરફ મહેન્દ્રસિંહની સાથે હાજર અન્ય પોલીસ કર્મચારીઓએ બાઇક પર પીછો કરી કાર પકડી પાડી હતી. પોલીસે કારચાલકની પૂછપરછ કરતા તે રાજ ભુપેશભાઈ કંસારા (ઉં.૧૯, જયવિષ્ણુ સોસાયટી, નવરંગપુરા) હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે મહેન્દ્રસિંહે રાજ કંસારા વિરુદ્ધ ટ્રાફિક એન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાજ કંસારા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.