કર્ણાટક,તા.૨૦
કર્ણાટકમાં ૨૫ વર્ષના એક છોકરાએ માંડ્યા શહેરના કોડીદોડ્ડી ગામમાં પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. માંડ્યા પોલીસના જણાવ્યા અનુસાર મૃતક છોકરાની ઓળખાણ રામકૃષ્ણ તરીકે થઈ છે. તે મૂવી કેજીએફના અભિનેતા યશ અને કર્ણાટકમાં વિપક્ષ નેતા સિદ્ધારમૈયાનો બહુ મોટો ચાહક હતો. રામકૃષ્ણે કન્નડ ભાષામાં સુસાઈડ નોટ લખી છે. જેમાં તેણે પોતાની બે અંતિમ ઈચ્છા વિશે વાત કરી છે. આ દાવો કરતા કહ્યુ કે તે સિદ્ધારમૈયા અને અભિનેતા યશ બંનેનો બહુ મોટો ચાહક છે. તે ઈચ્છતો હતો કે આ બંને તેમના અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહે. રામકૃષ્ણે સુસાઈડ નોટમાં લખ્યું કે આ જ મારી અંતિમ ઈચ્છા છે.
સુસાઈડ નોટમાં રામકૃષ્ણએ એ પણ દાવો કર્યો છે કે તે પોતાની જિંદગીમાં નિષ્ફળ રહ્યો છે કારણ કે તે પોતાની માં માટે એક સારો દીકરો, પોતાના ભાઈ માટે એક સારો ભાઈ ન બની શક્યો. તો સાથે સાથે પોતાના પ્રેમને પણ જીતવામાં નિષ્ફળ રહ્યો એટલા માટે મારા જીવનમાં મેળવવા માટે કંઈ જ બચ્યું નથી એટલા માટે હું મારી જિંદગી સમાપ્ત કરી રહ્યો છું. આ ઘટના વિશે જાણ્યા પછી સિદ્ધારમૈયાએ કોડિદોડ્ડી ગામનો પ્રવાસ કર્યો હતો અને તેમના અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહ્યા હતા. સિદ્ધારમૈયાએ કહ્યું કે, મને નથી લાગતું કે હું ક્યારેય તેમને મળ્યો છું.
પરંતુ આવી હાલતમાં મારા ચાહકને મળવુ ખુબ જ દુઃખદ છે. કોઈને પણ આટલી નાની ઉંમરમાં જીવનને પૂર્ણ ન કરવું જોઈએ. તો સાથે સાથે યશે ટિ્વટ કરીને વ્યક્તિના મૃત્યુને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે લખ્યું કે, અમે લોકો તમારી સીટીઓ અને તાળીઓ સાંભળીએ છીએ અને જે પ્રેમ તમે અમારા ઉપર વરસાવો છો તેમના માટે જીવીએ છીએ ? મને તમારાથી આ આશા નહોતી. પોલીસે કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે.