ઉમરપાડામાં ૪ કલાકમાં ૫ ઈંચથી વધુ વરસાદ નોંધાયો

0
33
Share
Share

સુરત,તા.૭

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં છેલ્લા ૪ કલાકમાં જ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૫ ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ૨૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. દેવચરણ દુબે (નિવૃત હવામાન અધિકારી, ભારતીય મૌસમ વિભાગ)એ જણાવ્યું હતું કે, ૪ ઓગસ્ટે બંગાળની ખાડીમાં ડેવલપ થયેલ લો પ્રેશર એરિયા ૫મીએ ઓરિસ્સા ઉપર હતું. પરંતુ ખૂબ ઝડપથી આ લો પ્રેશર એરિયા મુવમેન્ટ કરીને આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર મહારાષ્ટ્ર અને સાઉથ-વેસ્ટ મધ્યપ્રદેશના ઉપર આવી ગયું છે.

ઉપરાંત મહારાષ્ટ્રમાં નાસિક ઉપર અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે. આ બંને સિસ્ટમના કારણે એક મોન્સૂન રેખા બની છે. જેના કારણે ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સવારે ૬થી ૧૦ વાગ્યા સુધીમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં ૫ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે માંગરોળમાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ સાથે સુરત સિટી, કામરેજ અને ઓલપાડમાં પણ ૧ ઈંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં તમામ ૩૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારી અને જલાલપોરમાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં ૩, મહુવામાં ૩, બારડોલીમાં ૨, ચાર્યાસીમાં ૨, માંડવીમાં ૨, ખેરગામમાં ૨, વ્યારામાં ૨, ઉમરગામમાં ૨ અને ડોલવણમાં ૨ ઈંચ વરસાદ પડ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here