લખનઉ,તા.૨૦
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં બે સગીર વયની દલિત યુવતીઓની હત્યાના કેસમાં સામેલ બે આરોપીઓની ધરપકડ કરાઇ છે. પોલીસનું કહેવું છે કે એક તરફી પ્રેમ સંબંધને કારણે હત્યા કરાઇ હતી. આરોપીઓમાં એકનું નામ વિનય કુમાર છે જ્યારે બીજો સગીર વયનો હોવાથી નામ જાહેર નથી કરાયું. ઉન્નાવ કાંડમાં પોલીસે ખુલાસો કર્યા બાદ પીડિતાના પરિવારે દોષિતોને ફાંસીની સજા આપવાની માંગ કરી છે. પીડિતાના પરિવારે ખુલાસાને સાચો બતાવતા કહ્યું કે, કાં તો પકડવામાં આવેલા આરોપીઓને ફાંસી પર ચડાવો અથવા તેનું એન્કાઉન્ટર કરવામાં આવે. મૃતક સગીરાની માતાએ કહ્યું કે, જેમ અમારી દિકરી તડપી-તડપીને મરી છે તેવી જ રીતે આ ગુનેગારોને સજા આપવામાં આવે. ફાંસી આપો તેમને, જેવી રીતે અમારી દિકરી તડપી છે તેવી જ રીતે આ આરોપીઓને પણ મારજો. અમારે અમારી આંખેથી જોવું છે જેટલા મળે એટલાને સજા આપજો. જેટલા લોકો છે એટલા ને ફાંસી આપો.
ઉન્નાવ કાંડમાં બીજી મૃતક સગીરાના પિતાએ કહ્યું કે, આ ખુલાસાથી અમે સંતુષ્ટ છીએ. પોલીસે અને બધાએ અમારી મદદ કરી. અમને સંતુષ્ટી ત્યારે જ થશે જ્યારે આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવે અથવા તેમને ફાંસી આપવામાં આવે. અમારું કહેવું છે કે, આરોપીઓની પુછપરછ કરવામાં આવે જેથી વધુ લોકો સામે આવે. તેમની પાસે કબુલ કરાવવામાં આવે, તેમને ફાંસી આપવામાં આવે અને તેને પુછવામાં આવે કે કેટલા લોકો તેમની સાથે હતા અને કેટલી છોકરીઓ સાથે આવું કર્યું છે. હજી વધુ લોકો નિકળશે. ઉન્નાવ કાંડમાં પીડીત છોકરીના ભાઈએ કહ્યું કે, જેવી રીતે મારી બહેન સાથે ચીરફાડ થઈ છે. તેનાથી પણ ખરાબ હાલતમાં તેમનું એનકાઉન્ટર કરવામાં આવે. ફાંસી આપવામાં આવે.
આ આરોપી છે તેના સીવાય બીજું કોઈ નથી. તેમને જલ્દી ફાંસી આપવામાં આવે જે અમારી બહેન સાથે ચીરફાડ થઈ છે તેનાથી પણ ખરાબ હાલત આરોપીઓની કરવામાં આવે. તેમને પુછવામાં આવે જેમાં તેના વધુ પ્રેમ પ્રસંગ નિકળશે. પોલીસના જણાવ્યા અનુસાર વિનય કુમાર અને પીડિતા બન્ને એક જ ગામના છે. વિનયે દાવો કર્યો હતો કે હું ગામની જ રહેવાસી એક યુવતીને પ્રેમ કરતો હતો, અગાઉ તેને ખેતરોમાં મળી ચુક્યો હતો. મે એક દિવસ તેનો મોબાઇલ નંબર માગ્યો તો તેણે આપવાની ના પાડી દીધી, જેને પગલે મે પાણીમાં ઝેરી દવા નાખી બોટલમાં ભરી તેને આપ્યું. જોકે આ યુવતીએ પોતે થોડુ પાણી પીધુ ને બાદમાં તેની સાથે જે બે યુવતીઓ હતી તેને પણ પાણી આપ્યું. જેને પગલે જે સાથે બે યુવતીઓ હતી તેના સ્થળ પર જ મોત થયા હતા. યુવક જે યુવતીની હત્યા કરવા માગતો હતો તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.